અમેરિકાના કેલિફોર્નિયામાં લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની ધરપકડ, સિદ્ધુ મુસેવાલાની હત્યામાં નામ સામેલ

anmol-bishnoi

અનમોલ એનસીપી નેતા બાબા સિદ્દીકીના મોતના કેસમાં વોન્ટેડ છે. આ ઉપરાંત અનમોલ સલમાન ખાનના બાંદ્રા સ્થિત નિવાસ્સથાન પર હુમલાના કેસમાં પણ વોન્ટેડ છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈની અમેરિકાના કેલિફોર્નિયામાં અટકાયત કરવામાં આવી છે. જો કે, દિલ્હી અને મુંબઈ પોલીસે હજુ સુધી ધરપકડની પુષ્ટિ કરી નથી. ગયા મહિને ભારત સરકારે બિનજામીનપાત્ર કલમ હેઠળ વોરંટ જારી કર્યું હતું. કેન્દ્રીય ગૃહ વિભાગ અથવા NIA આ મામલે સત્તાવાર માહિતી આપી શકે છે. અનમોલ પર સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરવાનો આરોપ છે. ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યામાં પણ અનમોલનું નામ સામે આવ્યું હતું.

બે અઠવાડિયા પહેલા, મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ (MCOCA) સંબંધિત કેસોની વિશેષ અદાલતે અનમોલ બિશ્નોઈની ધરપકડ માટે બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું. આ પછી અમેરિકાએ કહ્યું હતું કે અનમોલ તેમના દેશમાં હાજર છે.

અહેવાલ છે કે મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલને અમેરિકાથી ભારત લાવવાની પ્રક્રિયા શરૂ કરી છે. સૂત્રોએ જણાવ્યું કે અનમોલને ભારત લાવવાના પ્રયાસોની અસર પણ દેખાવા લાગી છે.

અનમોલ પર NIAએ 10 લાખનું ઈનામ રાખ્યું હતું
તાજેતરમાં જ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ ગેંગસ્ટર લોરેન્સના ભાઈ અનમોલ બિશ્નોઈ પર 10 લાખ રૂપિયાનું ઈનામ રાખ્યું હતું. એજન્સીએ 2022માં નોંધાયેલા 2 કેસમાં અનમોલ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. NIAની મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં અનમોલનું નામ પણ સામેલ છે.

અનમોલ લોરેન્સ ગેંગમાં ભાનુ તરીકે ઓળખાય છે. તેના પર 2012માં પંજાબના અબોહરમાં હુમલો, મારપીટ અને આર્મ્સ એક્ટની કલમો હેઠળ પ્રથમવાર કેસ નોંધવામાં આવ્યો હતો. વર્ષ 2015 સુધીમાં પંજાબમાં અનમોલ વિરુદ્ધ 6થી વધુ કેસ નોંધાયા હતા. અનમોલ બિશ્નોઈ 2022માં પંજાબના ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યામાં પણ સામેલ હતો. હાલ સમગ્ર દેશમાં અનમોલ વિરુદ્ધ લગભગ 22 કેસ નોંધાયેલા છે. જેમાં હત્યા, ટાર્ગેટ કિલિંગ, ખંડણી, આર્મ્સ એક્ટ સહિતની વિવિધ કલમો સામેલ છે. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, અનમોલ બિશ્નોઈ એ શૂટરોના સંપર્કમાં પણ હતો જેમણે 12 ઓક્ટોબરે NCP નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન બાબા સિદ્દીકીને ગોળી મારી હતી.

સલમાનની હત્યા માટે પાકિસ્તાનથી AK-47 મગાવતો હતો
મુંબઈ પોલીસની તપાસમાં તાજેતરમાં જ ખુલાસો થયો હતો કે ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ફાયરિંગ કર્યા બાદ લોરેન્સ ગેંગ ફરીથી સલમાન ખાન પર હુમલો કરવાની યોજના બનાવી રહી હતી. 1 જૂનના રોજ નવી મુંબઈ પોલીસે આ કેસમાં લોરેન્સ ગેંગના ચાર લોકોની ધરપકડ કરી હતી. આ તમામ પનવેલમાં સલમાનની કાર પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા.

આ માટે તેણે પાકિસ્તાનમાંથી AK-47 સહિત અનેક હથિયારો આયાત કરવાની યોજના બનાવી હતી. લોરેન્સ ગેંગ પણ તુર્કી બનાવટની ઝિગાના પિસ્તોલ વડે સલમાનને મારવાની યોજના બનાવી રહી હતી. પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની પણ આ જ પિસ્તોલથી હત્યા કરવામાં આવી હતી. ગોરેગાંવ ફિલ્મ સિટીમાં પણ રેકી કરવામાં આવી હતી જેમાં સલમાનના ફાર્મ હાઉસ અને કેટલાક શૂટિંગ સ્થળોનો સમાવેશ થાય છે. વાસ્તવમાં, આ બધા લોરેન્સ બિશ્નોઈ ગેંગના સોશિયલ મીડિયા ગ્રુપ સાથે જોડાયેલા હતા. આ ગ્રુપમાં જ સલમાનને મારવાની પ્લાનિંગ કરવામાં આવી રહી હતી.