ઘટનાને લઇને પોલીસ અને હોસ્પિટલની સિક્યુરિટી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે
બાબર પઠાણને ફાંસી આપી દો કાં તો પછી આરોપી અમને સોંપી દોઃ મૃતકના માતા
વડોદરામાં પૈસાની ઉઘરાણી માટે ગયેલા બે યુવક પર લઘુમતી કોમના યુવકોએ હુમલો કર્યો હતો, જેમાં ઈજાગ્રસ્તને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ લઈ ગયા હતા. ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ રાજા પરમાર અને તેમના પુત્ર તપન રમેશ પરમાર સહિત સ્થાનિક યુવકો સયાજી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. આ જ સમયે આરોપી બાબર ખાનને પણ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યો હતો. જ્યાં પોલીસની હાજરીમાં બાબર પઠાણે રમેશ પરમાર પર તલવારથી હુમલો કરી તેની હત્યા કરી હતી. ઘટનાના પગલે રાત્રે સયાજી હોસ્પિટલ પર લોકોના ટોળાં એકઠા થતાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. હાલ પણ ઘટનાને લઈને હોસ્પિટલમાં ભારે પોલીસ ફોર્સ તહેનાત કરવામાં આવી છે.
આ સમગ્ર ઘટના પોલીસની હાજરીમાં જ બની હતી. આ ઘટનાને લઇને પોલીસ અને હોસ્પિટલની સિક્યુરિટી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે. સમગ્ર મામલે કારેલી બાગ પોલીસ મથકમાં ગુનો નોંધીને તજવીજ હાથ ધરવામાં આવી છે. આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ માટે ક્રાઈમ બ્રાન્ચની કચેરી ખાતે લઈ જવાયો.
આરોપી બાબર પઠાણની વધુ પૂછપરછ માટે ક્રાઈમ બ્રાન્ચ કચેરી લઈ જવાયો હતા. આ વખતે મૃતકના પરિવારજનો સહિતના લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં ટોળાએ આરોપીને લઈ જતી પોલીસની વાન પર પથ્થરમારો કર્યો અને મૃતકના પરિવારજનો સહિતની મહિલાઓ આરોપીને મારવાની કોશિશ કરી હતી.
બાબર પઠાણને ફાંસી આપી દો કાં તો પછી આરોપી અમને સોંપી દો
ઘટના બાદ મૃતક તપન પરમારના માતા વીણાબેન પરમારે જણાવ્યું હતું કે, “બે મહિના પછી મારા દીકરાના લગ્ન લેવાના હતા. મારા દીકરાના દીકરાને રમાડવાના મારા ઓરતા અધૂરા રહી ગયા છે. અમારી સામે જ બાબર પઠાણને ફાંસી આપી દો કાં તો પછી આરોપી અમને સોંપી દો.”
જાણો શું હતો સમગ્ર મામલો
સમગ્ર ઘટનાને લઇને મૃતકના પિતા રમેશ પરમારે મીડિયાને જણાવ્યું કે, નવી ધરતી ગોલવાડમાં બે લોકો વચ્ચે ઝઘડો થયો હતો. વિક્રમ અને ભયલુને આરોપી બાબર ખાને માર્યા હતા. જેમાં ઇજાગ્રસ્તોને SSG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.આ લોકોને જોવા માટે મારો દિકરો SSG હોસ્પિટલ ખાતે આવ્યો હતો. હું પણ અહિંયા જ હતો. ઇજાગ્રસ્તોનો કેસ કઢાવીને તેમને બોટલ ચઢાવીને ઇન્જેક્શન પણ અપાવ્યા હતા. મેં મારા દિકરાને કહ્યું કે, આ લોકોની સારવાર પતી જાય એટલે તું ઘરે આવી જજે. જે પછી હું ઘરે ગયો અને તેવામાં મને કોઇ બોલાવવા આવ્યું હતું. તેણે મને કહ્યું કે, તમારા દિકરા તપનને આરોપીએ તલવાર મારી દીધી છે. જેથી હું તુરંત પાછો હોસ્પિટલ આવ્યો હતો. અને જોયું કે, બાબરે તપનને છરીના ઘા ઝીંકી દીધા હતા.
આરોપી પાસે તલવાર કેવી રીતે આવી
પોલીસ જાપ્તામાંથી નજર ચૂકવી તલવાર સાથે તપન પરમાર પર જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ રાજાએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે, પોલીસની હાજરીમાં બાબર પઠાણને સયાજી હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. આ દરમિયાન તેના હાથમાં કઈ રીતે તલવાર આવી તે પણ એક તપાસનો વિષય છે.
પોલીસ હુમલાખોરને સયાજી હોસ્પિટલમાં લાવી ત્યારે તેના હાથમાં કોઈ હથિયાર હતું નહીં, પરંતુ પોલીસની પાછળ કોઈ એક બે મહિલા આવી હતી અને તેણીએ બાબર પઠાણને તલવાર આપી હોવાનું માનવામાં આવે છે. આ સમગ્ર ઘટનાની તપાસ કરી જવાબદાર ગુનેગારોને કડકમાં કડક સજા થવી જોઈએ તેવી માંગણી કરી હતી. આ લઘુમતી કોમના યુવક બાબર પઠાણ માથાભારે વ્યક્તિ છે તેની સામે અનેક ગુનાઓ નોંધાયા છે અને પાસામાં પણ જઈ આવ્યો છે.’