તેલંગણા સરકારની નોટિસનો દિલજીત દોસાંઝે આપ્યો જવાબ, બોલિવૂડ સ્ટાર્સ પર સાધ્યું નિશાન, મારા જ્યાં શૉ હોય તે દિવસે ડ્રાય ડે જાહેર કરો
પંજાબી ગાયક દિલજીત દોસાંઝે ગુજરાતમાં તેમના કોન્સર્ટ દરમિયાન તેલંગાણા સરકાર દ્વારા જારી કરવામાં આવેલી નોટિસ અંગે તેમના ચાહકો વચ્ચે આપ્યો જવાબ, તેમણે સરકારને કહ્યું કે, દેશના તમામ રાજ્યો પોતાને ડ્રાય સ્ટેટ જાહેર કરે તો બીજા દિવસથી હું શરાબ ઉપર કોઈ ગીત નહીં ગાઉં.
હાલમાં જ ગુજરાતના ગાંધીનગરમાં દિલજીત દોસાંજના કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં તેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. કોન્સર્ટમાં પરફોર્મ કરતી વખતે સિંગરે તેલંગાણા સરકાર દ્વારા આપવામાં આવેલી નોટિસ પર પોતાની પ્રતિક્રિયા શેર કરી હતી
પંજાબી સિંગર દિલજીત દોસાંઝ થોડા મહિનાઓથી તેમની લ્યુમિનાટી ટૂરના કારણે ખૂબ ચર્ચામાં આવ્યા છે. આ પહેલા તેમણે કોન્સર્ટ વિદેશોમાં કર્યા બાદ ઘણો પ્રેમ ચાહકોનો મળ્યો. પરંતુ ભારતમાં ટુર શરૂ થતાં પહેલા સિંગર વિવાદમાં સપડાયા, દિલજીતનો કોન્સર્ટ હૈદરાબાદમાં 15 નવેમ્બરે હતો. આ અંગે તેલંગાણા સરકાર દ્વારા ઈવેન્ટના આયોજકોને પાઠવીને કોન્સર્ટમાં આલ્કોહોલ, હિંસા અને ડ્રગ્સવાળા ગીતો ન ગાવાની સૂચના આપી હતી. નોટિસમાં ‘પંજ તારા’ અને ‘પટિયાલા પેગ’ જેવા ગીતોનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. દિલજીતે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે સરકાર પર વળતો જવાબ આપતો દેખાઈ રહ્યાં છે.
હકીકતમાં હૈદરાબાદમાં દિલજીતના કોન્સર્ટના થોડા સમય પહેલા એક નોટિસ મળી હતી જેમાં તેમને દારૂ, ડ્રગ્સ અને હિંસા આધારિત ગીતો ન ગાવા અને બાળકોને સ્ટેજ પર આમંત્રિત ન કરવા કહેવામાં આવ્યું હતું.
દિલજીતે શું બોલ્યા જાણો
એક સારા સમાચાર છે કે આજે મને કોઈ નોટિસ મળી નથી. આના કરતા પણ વધુ સારી ખુશખબરી એ છે કે આજે પણ હું કોઈ ગીત શરાબ ઉપર નહીં ગાઉં…. પૂછો કે હું કેમ નહિ ગાઉં ગીત.? ગુજરાત એક ડ્રાય સ્ટેટ છે. મેં એક ડઝનથી વધુ ડીવોશનલ સોંગ્સ ગાયાં છે. છેલ્લા 10 દિવસમાં મેં બે ડીવોશનલ સોંગ્સ ગાયા છે. એક શિવ બાબા પર અને એક ગુરુ નાનક બાબાજી પર છે. પરંતુ કોઈ તેના વિષે વાત નથી કરતુ. દરેક વ્યક્તિ ટીવી સામે બેસીને પટિયાલા પેગની વાત કરે છે.
બોલિવૂડ સ્ટાર્સ પર સાધ્યું નિશાન
ગાંધીનગરમાં કોન્સર્ટ દરમિયાન સ્ટેજ પર કહ્યું કે, બોલિવૂડમાં શરાબ પર હજારો ગીતો બન્યા છે, મેં વધુમાં વધુ 2 થી 4 ગીતો બનાવ્યા છે અને હવે હું તે પણ નહીં ગાઉં, કોઈ ટેન્શન નથી. મારા માટે આ કોઈ મુશ્કેલ કામ નથી કારણ કે હું પોતે દારૂ પીતો નથી અને બોલિવૂડ કલાકારોની જેમ દારૂની જાહેરાત પણ કરતો નથી.
કોરોનામાં દારૂના અડ્ડા બંધ થયા ન હતા: દિલજીત
કોરોના સમયમાં બધુ બંધ હતું. પરંતુ દારૂના ઠેકા બંધ નહોતા થયા સાહેબ. તમે શું વાત કરો છો! તમે યુવાનોને પાગલ નથી બનાવી શકતા.
મારા જ્યાં શૉ હોય તે દિવસે ડ્રાય ડે જાહેર કરો
મારા જ્યાં પણ શૉ છે. ત્યાં તે દિવસે તમે ડ્રાય ડે જાહેર કરો, હું દારૂ પર ગીત નહીં ગાઉં, હું કોઈ નવો કલાકાર નથી અને તમે મને કહેશો કે તું આ ગીત કે પેલું ગીત ના ગાઈ શકે તો હું કઉ કે અરે હવે હું શું કરીશ! હું ગીત બદલી શકું છું અને તો પણ તમને કોન્સર્ટમાં એટલી જ મજા આવશે.