કચ્છમાં 4.0ની તિવ્રતાનો ભૂકંપ, રાપરથી 26 કિમી દૂર કેન્દ્રબિંદુ, ઉત્તર ગુજરાતમાં પણ અનુભવાયા ઝટકા

earthquick-kutch

આજે કચ્છના અનેક વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રાત્રે 8.18 વાગ્યે 4.0ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. ભૂકંપ આવતા રાપર, ભચાઉ, ગાંધીધામ સહિતના વિસ્તારોમાં ધરા ધ્રૂજી હતી. કચ્છના રાપરથી 26 કિ.મી. દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. આ સાથે ઉત્તર ગુજરાતમાં પાટણ સહિતના વિસ્તારોમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. મળતી માહિતી પ્રમાણે, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 4 નોંધાઈ છે. જોકે આ ઘટનામાં કોઈ જ જાનહાની કે નુકસાનના સમાચાર નથી.

ઈન્સ્ટીટ્યુટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ, ગાંધીનગરની માહિતી પ્રમાણે કચ્છના રાપરની પશ્ચિમ દક્ષિણ પશ્ચિમમાં 26 કિમી અંતરે સાંજે 8:18 વાગે અક્ષાંશવૃતઃ23.569, રેખાંશવૃત 70.385 પર આ આંકડા આવ્યા હતા, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.0 માપવામાં આવી હતી.

આજથી ત્રણ દિવસ પહેલાં ઉત્તર ગુજરાતની ધરા ધ્રૂજી હતી. ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયો હતો. 4.2ની તીવ્રતાનો આંચકો પાટણ, પાલનપુર, મહેસાણા, અમદાવાદ સહિતનાં શહેરોમાં અનુભવાયો હતો, જેનું પાટણથી 13 કિલોમીટર દૂર ચાણસ્મા તાલુકાના સેવાળા ગામમાં કેન્દ્રબિંદુ હતું. રાત્રે 10.16 કલાકે ભૂકંપનો આંચકો આવતાં લોકો ઘરની બહાર આવી ગયા હતા.

આપને યાદ અપાવી દઈએ કે, 26 જાન્યુઆરી 2001ની વહેલી સવારે આવેલા ભૂકંપે કચ્છ સહિત આખા ગુજરાતને હલાવી નાખ્યું હતું. એ બાદ પણ કચ્છમાં સતત આંચકા નોંધાઈ રહ્યા છે, જોકે દેવદિવાળીની રાત્રે ઉત્તર ગુજરાતમાં પણ ભૂકંપનો આંચકો આવ્યો હતો.