ચેમ્પિયન્સ ટ્રોફી 15 થી 26 જાન્યુઆરી સુધી ભારત લવાશે, આ સિવાય બાકીના દેશોમાં પણ આ ટ્રોફી ટૂર માટે લઈ જવાશે
ICCએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા ટ્રોફી ટૂર જાહેર કરી છે. આ ટૂર્નામેન્ટની ટ્રોફી 14 નવેમ્બરે પાકિસ્તાનના ઈસ્લામાબાદ પહોંચી ગઈ છે. પાકિસ્તાની સરકારે આ ટ્રોફીને પાકિસ્તાનના કબજા વાળા કાશ્મીર (PoK)માં ફેરવવાનું એલાન કર્યું હતું. પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની આપત્તિ બાદ ICCએ તેને રદ કરી દેતા ચેમ્પિયન્સ ટ્રોફી PoKના કોઈ પણ શહેરમાં જશે નહીં. ત્યારે હવે ICCએ ટ્રોફી ટૂરનું નવુ શેડ્યૂલ જાહેર કરી દીધું છે.
ICCએ જારી કરેલ નવા શેડ્યૂલ અનુસાર, આ ટૂર 16 નવેમ્બરથી શરૂ થશે અને 26 જાન્યુઆરી સુધી ચાલશે. આ ટ્રોફી 12 દિવસની ટૂર માટે ભારત પણ આવશે. 15 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી સુધી આ ટ્રોફી ભારત લવાશે. ટ્રોફી 26મી જાન્યુઆરીએ ભારતમાં જ રહેશે. 26 જાન્યુઆરી એ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે. આ દિવસ ગણતંત્ર દિવસ છે. આ સિવાય બાકીના દેશોમાં પણ આ ટ્રોફી ટૂર માટે લઈ જવાશે.
ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું સંપૂર્ણ શેડ્યૂલ
16 નવેમ્બર – ઈસ્લામાબાદ, પાકિસ્તાન
17 નવેમ્બર – તક્ષશિલા અને ખાનપુર, પાકિસ્તાન
18 નવેમ્બર – એબટાબાદ, પાકિસ્તાન
19 નવેમ્બર – મુર્રી, પાકિસ્તાન
20 નવેમ્બર – નથિયા ગલી, પાકિસ્તાન
22 – 25 નવેમ્બર – કરાચી, પાકિસ્તાન
26-28 નવેમ્બર – અફઘાનિસ્તાન
10-13 ડિસેમ્બર – બાંગ્લાદેશ
15-22 ડિસેમ્બર – દક્ષિણ આફ્રિકા
25 ડિસેમ્બર-5 જાન્યુઆરી – ઓસ્ટ્રેલિયા
6-11 જાન્યુઆરી – ન્યુઝીલેન્ડ
12-14 જાન્યુઆરી – ઈંગ્લેન્ડ
15-26 જાન્યુઆરી – ભારત
27 જાન્યુઆરી – ટૂર્નામેન્ટની શરૂઆતનું સ્થળ – પાકિસ્તાન
ICCએ ટ્રોફી PoKમાં લઈ જવાની મનાઈ ફરમાવી
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પણ ચેમ્પિયન્સ ટ્રોફીને પીઓકે લઈ જવા ઈચ્છતું હતું. ચેમ્પિયન્સ ટ્રોફીનો ટેમ્પો જમાવવાના બહાને પાકિસ્તાને ચેમ્પિયન ટ્રોફીને પાકિસ્તાનના જુદા જુદા શહેરોમાં ચાહકોને જોવા માટે ફેરવવાનું નક્કી કર્યું હતું. પરંતુ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની જે હરકત બહાર આવી છે તેનો ICCએ ઉધડો લીધો છે અને ટ્રોફી PoKમાં લઈ જવાની મનાઈ ફરમાવી છે.
ઉલ્લેખનિય છે કે, આવતીકાલથી 24 નવેમ્બર દરમ્યાન ટ્રોફી પાકિસ્તાન શહેરોમાં યાત્રા કરવાની હતી અને ચાહકો તેને જોવા ઉમટે તેવો આશય હતો. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ ટ્રોફી યાત્રામાં પાકિસ્તાન હસ્તકના કાશ્મીર (પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર- પીઓકે)ના મુરી, સ્કાર્ડુ, હુન્ઝા અને મુઝફરાબાદ જેવા શહેરોને પણ આવર્યા હતા.
પાકિસ્તાન જો આમ કરવામાં સફળ થાય અને ભારતીય ક્રિકેટ બોર્ડ અને ICC પાકિસ્તાનની આ ચાલને નજરઅંદાજ કરે તો ભવિષ્યમાં પાકિસ્તાન એવો દાવો કરી શકે કે ‘જુઓ, અમે ચેમ્પિયન્સ ટ્રોફીની યાત્રા પણ પીઓકેમાં કરાવી હતી.’ આમ પીઓકે પાકિસ્તાનનું છે તે પૂરવાર થાય. હકીકતમાં PoK ભારત સરકારના મતે વિવાદિત છે અને તેને પાકિસ્તાન હસ્તક કહી ન શકાય.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા ચેમ્પિયન્સ ટ્રોફીની જુદા જુદા શહેરોની યાદીમાં PoKના ત્રણ શહેરોના નામ જોતાં જ ભારતીય ક્રિકેટ બોર્ડના સેક્રેટરી જય શાહે ICC સમક્ષ તાત્કાલિક વિરોધ વ્યક્ત કર્યો કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને PoKના શહેરો બાકાત કરવાની તાકીદ કરવામાં આવે. ત્યારબાદ ICCએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને જણાવી દીધું છે કે ચેમ્પિયન્સ ટ્રોફીની પાકિસ્તાન યાત્રામાંથી PoKના ત્રણ શહેરો બાકાત કરી દેવામાં આવે. ICCની આ ફટકાર પછી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ટ્રોફીની આ યાત્રાનો કાર્યક્રમ બંધ રાખ્યો છે.
આગામી 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ દરમ્યાન યોજાનાર વન ડે ક્રિકેટની ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં રમાનાર છે પણ ભારતે પાકિસ્તાનમાં તેની મેચો રમવાનો ઈન્કાર કરી દીધો હોઈ ચેમ્પિયન્સ ટ્રોફી ક્યા અથવા તો ક્યા મોડેલથી યોજવી તેનો કોયડો ગૂંચવાયો છે.