ઘણા વખતથી ચર્ચામાં રહેલા અને આખું વિશ્વ જેની પાછળ ઘેલું થયું છે એ કોલ્ડપ્લેનો કોન્સર્ટ ગુજરાતમાં યોજાવા જઈ રહ્યો છે. અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 25 જાન્યુઆરી 2025ના રોજ બ્રિટિશ બેન્ડ કોલ્ડપ્લેનો લાઈવ કોન્સર્ટ યોજાવાનો છે. આ કોન્સર્ટ માટેનું બુકિંગ 16 નવેમ્બર ને શનિવારે બપોરના 12:00 વાગ્યાથી શરૂ થયું હતું. જેની તમામ ટિકિટ મિનિટોમાં જ વેચાઈ ગઈ હતી. જોકે ફેન્સને બીજા શૉનું સરપ્રાઈઝ આપવામાં આવ્યું હતું. એક અંદાજ મુજબ આશરે અઢી લાખ લોકો કોલ્ડપ્લેનો કોન્સર્ટ અટેન્ડ કરશે.
મુંબઈમાં ત્રણ શો હાઉસફુલ થઈ ગયા છે. તેની ટિકિટો પણ બ્લેકમાં લાખો રૂપિયામાં વેચાઈ હતી. બ્રિટિશ રોક બેન્ડ કોલ્ડપ્લેના ‘મ્યૂઝિક ઓફ ધ સ્પીયર્સ’ વર્લ્ડ ટૂર હેઠળ ભારતમાં ચોથા કોન્સર્ટની જાહેરાત કરવામાં આવી છે. કોલ્ડપ્લેનો આ ચોથો શૉ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 26 જાન્યુઆરી, 2025ના રોજ આયોજીત કરવાની જાહેરાત કરી છે.
કોલ્ડપ્લેના 25 જાન્યુઆરીના શોની ટિકિટો મિનિટોમાં જ વેચાઇ થતાં બુક માય શો દ્વારા કોલ્ડપ્લેના ચાહકો માટે 26 જાન્યુઆરીએ બીજો શો જાહેર કરવામાં આવ્યો હતો. તો બીજા શોની ટિકિટો પણ થોડીક મિનિટોમાં જ વેચાઈ ગઈ હતી. જેના પગલે ટિકિટ ન મેળવી શકનાર ચાહકો ફરી નિરાશ થયા છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 10 અલગ અલગ પ્રકારના સ્ટેન્ડ દર્શકો માટે બનાવાયા છે. મોદી સ્ટેડિયમમાં 1.25 લાખ જેટલી કેપેસિટી હોવાથી શહેરમાં બે દિવસ મ્યુઝિક રસિકોનું ઘોડાપૂર ઊમટશે.
કોલ્ડપ્લેનો કોન્સર્ટ માટે વિશ્વભરમાંથી લોકો અમદાવાદ આવશે અને હોટલમાં રોકાશે. જેનો ફાયદો ઉઠાવતા અમદાવાદમાં હોટલના ભાવમાં ધરખમ વધારો થયો છે. અમદાવાદની જાણીતી અને ફાઈવસ્ટાર હોટલમાં કોન્સર્ટના અગાઉના દિવસના હોટલના ભાવ સામાન્ય દિવસ કરતાં 13 ગણા સુધી વધ્યા છે. જે હોટલમાં રૂમનું ભાડું સામાન્ય દિવસમાં 6થી 10 હજાર સુધી હતું એ 80 હજાર સુધી પહોંચ્યું છે. તો કેટલીક જાણીતી હોટલમાં અત્યારથી જ તમામ રૂમ બુક થઈ ગયા હોવાથી હોટલ પણ હાઉસફુલ થઈ ચૂકી છે. ફ્લાઇટ અને હોટલોની બુકિંગ માટે જાણીતી વેબસાઇટ અગોડામાં અત્યારે 23થી 26 જાન્યુઆરીની તારીખોમાં અમદાવાદની 80 % હોટલો બુક બતાવી રહી છે.