ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં રમાશેઃ પાકિસ્તાન ફેબ્રુઆરી 2025માં ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની કરવાની છે, પરંતુ ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન જવાનો ઇનકાર કરી દીધો છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે BCCIના વાંધા બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ચેમ્પિયન્સ ટ્રોફીની ટૂર કરવાનો ઇનકાર કરી દીધો છે.
BCCI સેક્રેટરી જય શાહે PoKમાં ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર યોજવાની PCBની જાહેરાત સામે વાંધો વ્યક્ત કર્યો હતો. શાહે આ મામલો ICC સમક્ષ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે આ મામલે કોઈ રાજકીય હસ્તક્ષેપ ન થવો જોઈએ. ICCએ આ અંગે કાર્યવાહી કરવી જોઈએ.
ICCના એક અધિકારીએ જણાવ્યું હતું કે ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનો પ્લાન ICC દ્વારા જ જારી કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, ટ્રોફી ટૂરને લઈને કંઈ પણ નકારવાનો કે સ્વીકારવાનો પ્રશ્ન જ નથી. અત્યારે અમે ટ્રોફી ટૂરના શિડ્યૂલની ચર્ચા કરી રહ્યા છીએ.
અગાઉ, PCBએ ગુરુવારે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર ટ્રોફી ટૂરને લઈને એક પોસ્ટ શેર કરી લખ્યું હતું કે, ‘આ પ્રવાસ 16 નવેમ્બરે ઈસ્લામાબાદથી શરૂ થશે. આ પછી, તે ઘણા શહેરોમાંથી પસાર થઈને PoKના સ્કર્દુ, હુન્ઝા અને મુઝફ્ફરાબાદ પણ જશે.’ પાકિસ્તાન સરકારે પ્લાન બનાવ્યો હતો કે તે આ ટ્રોફીને 16થી 24 નવેમ્બર વચ્ચે આખા પાકિસ્તાનમાં ફેરવશે. પણ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે વાંધો ઉઠાવ્યા બાદ આઈસીસીએ તેના પર ધ્યાન દોર્યું. સાથે જ પાકિસ્તાનને એ આદેશ આપ્યો કે તે ટ્રોફી હવે પીઓકેમાં લઈ જઈ શકશે નહીં.
ત્રણ દિવસ પહેલાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ICC પાસે ટીમ ઈન્ડિયાના પાકિસ્તાન ન જવા અંગે જવાબ માંગ્યો હતો. ક્રિકબઝના અહેવાલ મુજબ, PCBના પ્રવક્તાએ કહ્યું હતું કે જો ભારત અને પાકિસ્તાન સુરક્ષા મુદ્દાઓને કારણે નથી આવી રહ્યા, તો ન્યૂઝીલેન્ડ, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટીમે તાજેતરમાં પાકિસ્તાનની મુલાકાત લીધી છે. તો પછી ટીમ ઈન્ડિયા કેમ મુશ્કેલીનો સામનો કરી રહી છે?
BCCI ઈચ્છે છે કે ટીમ ઈન્ડિયાની મેચ UAE અથવા દુબઈમાં યોજવામાં આવે, જોકે PCB પહેલાથી જ સ્પષ્ટ કરી ચૂક્યું છે કે તે હાઈબ્રિડ મોડલમાં ચેમ્પિયન્સ ટ્રોફી નહીં યોજે. હાઇબ્રિડ મોડલનો અર્થ એ છે કે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત સામેની મેચ તટસ્થ સ્થળોએ રમવી જોઈએ અને બાકીની ટુર્નામેન્ટ પાકિસ્તાનમાં રમવી જોઈએ.
ચેમ્પિયન્સ ટ્રોફી આગામી વર્ષે 19 ફેબ્રુઆરીથી 9 માર્ચે યોજાવાની છે. પણ તેનું શિડ્યૂલ હજુ સુધી આવ્યું નથી. ત્યારે આવા સમયે આઈસીસીના ઈતિહાસમાં આ પહેલી વાર થયું છે કે શિડ્યૂલ જાહેર થતાં પહેલા મેજબાન દેશમાં ટ્રોફી પહોંચી ગઈ છે.