પોલીસે બુટલેગરની ટણી કાઢી નાખી, હવે ચાલી પણ નથી શકતો, બેસવા માટે કરગરવા લાગ્યો
સુરતનાં ભેસ્તાન વિસ્તારમાં માથાભારે બુટલેગર યુનુસખાન પઠાણ ઉર્ફે ‘ટેણી’એ સ્કોર્પિયો કાર દ્વારા પોલીસની PCR વાનને ટક્કર મારીને ટ્રાફિક કૉન્સ્ટેબલને કચડી નાંખવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે ભેસ્તાન પોલીસે આજે બુટલેગર આરોપી યુનુસ ઉર્ફે ટેણીને ઝડપી પાડી તેની સ્કોર્પિયો કાર પણ જપ્ત કરી છે. પોલીસે તેને કાયદાનું ભાન કરાવ્યુ હતુ. અને પછી તો આરોપી ચાલી પણ નહોતો શકતો અને બેસવા માટે રીતસરનો કરગરતો હતો. જે પોલીસકર્મીને મારી નાખવાની ધમકી આપી હતી તેની સામે જ બેસવા આજીજી કરતો નજરે પડ્યો હતો.
બે દિવસ પહેલા ઉન પાટિયા નજીક આવેલા હયાતનગર પાસે માથાભારે તરીકે પંકાયેલા બુટલેગર યુનુસખાન ઉર્ફે ટેણી એક વ્યક્તિ સાથે જાહેરમાં ઝઘડો કરતો હતો. આ બાબતની જાણ થતાં નાઈટ પેટ્રોલિંગમાં રહેલા ડીસ્ટાફના બે કર્મચારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. જ્યાં માથાભારે યુનુસખાને ડી-સ્ટાફના કર્મચારીઓ સાથે પણ ઝઘડો કર્યો હતો. ત્યારબાદ કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવતા PCR વાન આવી પહોંચી હતી.
પીસીઆર વાન આવતા આરોપીએ પોતાની સ્કોર્પિયો કારથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જેથી PCR વાન અને ડીસ્ટાફના કર્મચારીઓને તેને પકડવા પીછો કર્યો હતો. ત્યારે આરોપીએ સ્કોર્પિયોથી પોલીસ વાનને ટક્કર મારી હતી. તેને રોકવા માટે ઉભા રહેલા ટ્રાફિક કૉન્સ્ટેબલને પણ કચડવાનો પ્રયાસ કર્યો હતો અને ધમકી આપી હતી કે, ‘મારી મેટરમાં વચ્ચે પડશો, તો હું તમને જાનથી મારી નાંખીશ. હું કોઈને નહીં છોડું. ‘ જે બાદ આરોપી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ મામલે ભેસ્તાન પોલીસે આરોપી યુનુસખાન ઉર્ફે ટેણી વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરીને તેની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
માથાભારે યુનુસ ઉર્ફે ટેણી દમણમાં કાર લઈને નીકળી ગયો હોવાની બાતમીના આધારે પોલીસે તેનું પગેરૂ દબાવીને ગેરેજમાંથી સ્કોર્પિયો કાર મળી આવતાં કબજે કરી હતી.જયારે આજે સાંજે દમણથી ટ્રેન દ્રારા ભેસ્તાન આવતો હોવાની બાતમીના આધારે સ્ટેશન વિસ્તારમાંથી યુનુસ ઉર્ફે ટેણીને પકડી પાડયો હતો.આરોપી પકડાયેલ યુનુસ ટેણી અગાઉ પ્રોહિબીશનના ગુનામાં સચીન જીઆઈડીસી,પાંડેસરા અને વાપી પોલીસના હાથે ઝડપાયો હોવાનું બહાર આવ્યું છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી વિરુદ્ધ સુરતમાં મારામારી, પ્રોહીબિશન અને જુગારના કેસો પણ દાખલ થયા છે. તેમજ સુરત સિટી બહાર પણ પ્રોહીબીશનના કેસો દાખલ થયા છે. આ ઉપરાંત જે તે સમયે આરોપી જેની સાથે બોલચાલી કરી હતી, તેણે પણ ભેસ્તાન પોલીસ મથકમાં ફરિયાદ આપી છે. આથી આ મામલે પણ કાર્યવાહી ચાલુ છે.