અંબાજી નજીક ત્રિશુલિયા ઘાટ પર ત્રિપલ અકસ્માત, 32થી વધુ લોકો ઘાયલ, મોટી જાનહાની ટળી

ambaji-accident

ખાનગી ટ્રાવેલ્સની બસ બ્રેક ફેલ થતાં અકસ્માત સર્જાયો, બસે બીજી બે ગાડીઓને ટક્કર વાગતા બંને ગાડીઓ પણ પલ્ટી મારી ગઈ હતી

બનાસકાંઠાના અંબાજી નજીક આવેલા ત્રિશૂળિયા ઘાટ પર આજે એક ભયાનક ત્રિપલ અકસ્માત સર્જાયો છે. અંજારના ભક્તો અંબાજી ખાતે દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી.ખાનગી ટ્રાવેલ્સની બસ બ્રેક ફેલ થતાં પલટી મારી ગઈ હતી. બસે બીજી બે ગાડીઓ અલ્ટો અને બોલેરો કારને અડફેટે લેતા બંને ગાડીઓ પણ પલ્ટી મારી ગઈ હતી. એક તરફ ઊંડી ખીણ હોવાથી ડ્રાઈવરે બસને રોંગ સાઈડમાં પલ્ટી મારી હતી. બસમાં કુલ 28 મુસાફરો સવાર હતા.

આ અકસ્માતમાં 20થી વધુ લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્ત મુસાફરોને તાકીદે સારવાર માટે ખસેડાયા હતા. અલ્ટો અને બોલેરોમાં કુલ 6 લોકો ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોનો આંકડો મોટો હોવાથી 6 ઈજાગ્રસ્તોને પાલનપુર રિફર કરાયા છે. હાલ તમામ ઈજાગ્રસ્તોને દાંતાની રેફરફ હૉસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે. ઘટનાની જાણ થતાં તાત્કાલિક 4 જેટલી 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલોને સારવાર માટે દાંતા રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.

દાંતા સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ ડોક્ટર કે. કે. સિંહે જણાવ્યું હતું કે અંબાજી અને દાંતાની વચ્ચે અકસ્માત થયો હતો. અમને મળેલી માહિતી મુજબ એક લકઝરી અને બે ગાડી પલટી મારી ગઈ હતી. અમારે ત્યાં કુલ 32 ઈજાગ્રસ્તો આવ્યા હતા, જેમાંથી 6 લોકોને પાલનપુર રિફર કરવામાં આવ્યા છે. બીજા લોકો હાલ અહીં સારવાર હેઠળ છે.

ઉલ્લેખનીય છે કે, અંબાજીનો ત્રિશુલિયા ઘાટ અકસ્માતનું હૉટસ્પૉટ માનવામાં આવે છે. ગત 7 ઓક્ટોબરે પણ અહીં મોટો અકસ્માત થયો હતો, જેમાં 4 લોકોના મોત નિપજ્યા હતા.