વિધાનસભા ચૂંટણી પહેલા ઝારખંડ CMના પર્સનલ સેક્રેટરીના નિવાસસ્થાને આવક વેરાના દરોડા

સુનીલ શ્રીવાસ્તવ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનના અંગત સચિવ છે. શનિવારે સવારે, કેન્દ્રીય એજન્સીએ રાંચીમાં તેમના નિવાસસ્થાન પર દરોડા પાડવાનું શરૂ કર્યું હતું.

આવકવેરા વિભાગે ઝારખંડના મુખ્યમંત્રી અને ઝારખંડ મુક્તિ મોરચા (JMM)ના નેતા હેમંત સોરેનના નજીકના સાથી સુનીલ શ્રીવાસ્તવના રાંચી સ્થિત નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. વિધાનસભાની ચૂંટણીના થોડા દિવસો પહેલા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેના કારણે રાજ્યમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે. શ્રીવાસ્તવ મુખ્યમંત્રી હેમંત સોરેનના પ્રાઈવેટ સેક્રેટરી (પીએસ) છે.

મીડિયા અહેવાલ અનુસાર, IT ટીમે રાંચી અને જમશેદપુર સહિત 9 સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા છે. હેમંત સોરેનની આગેવાની હેઠળનું જેએમએમ ગઠબંધન કોંગ્રેસ, આરજેડી અને ડાબેરી પક્ષો સાથે મેદાનમાં છે, જ્યારે ભાજપના નેતૃત્વમાં એનડીએ ગઠબંધન મુખ્ય હરીફ તરીકે ઉભરી રહ્યું છે.
આ દરમિયાન હેમંત સોરેને શુક્રવારે ભાજપ પર નિશાન સાધ્યું અને તેમના ‘રોટી, બેટી ઔર માટી’ના નારાઓને માત્ર ‘જુમલો’ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે અમારી સરકારે દીકરીઓની સુરક્ષા માટે સાવિત્રીબાઈ ફૂલે ઝાનો યોજના જેવી યોજનાઓ લાગુ કરી છે, જેમાં 12 લાખ વિદ્યાર્થીનીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

અગાઉ જૂનમાં ઝારખંડ હાઈકોર્ટે હેમંત સોરેનને જમીન કૌભાંડ સંબંધિત કેસમાં જામીન પર મુક્ત કર્યા હતા. આ કેસમાં બળગઈ વિસ્તારમાં 8.86 એકર જમીનના બનાવટી દસ્તાવેજો બનાવવાનો આરોપ છે, જેમાં 31 જાન્યુઆરી, 2024ના રોજ પૂછપરછ બાદ EDએ મુખ્યમંત્રી સોરેનની ધરપકડ કરી હતી.

ઝારખંડમાં 2 તબક્કામાં મતદાન 13 અને 20 નવેમ્બરે
81 સભ્યોની ઝારખંડ વિધાનસભા માટે 13 અને 20 નવેમ્બરે બે તબક્કામાં મતદાન થવાનું છે. ચૂંટણીની મતગણતરી 23 નવેમ્બરે થશે. આ વખતે રાજ્યમાં કુલ 2.6 કરોડ મતદારો મતદાન કરશે, જેમાં 1.31 કરોડ પુરૂષો, 1.29 કરોડ મહિલાઓ, 11.84 લાખ નવા મતદારો અને 66.84 લાખ યુવા મતદારોનો સમાવેશ થાય છે. 2019ની ચૂંટણીમાં, JMMએ 30 બેઠકો, ભાજપને 25 અને કોંગ્રેસને 16 બેઠકો મળી હતી, જ્યારે 2014માં ભાજપે 37 બેઠકો, JMMને 19 બેઠકો અને કોંગ્રેસને માત્ર 6 બેઠકો મળી હતી.