CJI ચંદ્રચૂડનાં 2 વર્ષના કાર્યકાળના મુખ્ય નિર્ણયોમાં કલમ 370, રામ જન્મભૂમિ મંદિર, વન રેન્ક-વન પેન્શન, મદ્રેસા કેસ, સબરીમાલા મંદિર વિવાદ, ચૂંટણી બોન્ડની માન્યતા અને CAA-NRC જેવા નિર્ણયોનો સમાવેશ થાય છે
ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ 10 નવેમ્બર રવિવારે નિવૃત્ત થશે. પરંતુ તા.9 અને 10ના શનિવાર અને રવિવારે કોર્ટ બંધ રહેશે. તેથી સુપ્રીમ કોર્ટમાં આજે તેમનો છેલ્લો કામકાજનો દિવસ હતો. તેમના માનમાં આજે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જસ્ટિસ મનોજ મિશ્રા, જસ્ટિસ જેબી પારડીવાલા ઉપરાંત વરિષ્ઠ વકીલો, 10 નવેમ્બરથી CJI તરીકેનો કાર્યભાર સંભાળનાર જસ્ટિસ સંજીવ ખન્ના પણ તેમની સાથે જોડાયા હતા.
વિદાય સમારંભમાં જસ્ટિસ ચંદ્રચુડ ભાવુક થઈ ગયા અને કહ્યું, ‘રાત્રે હું વિચારી રહ્યો હતો કે બપોરે 2 વાગ્યે કોર્ટ ખાલી થઈ જશે અને હું મારી જાતને સ્ક્રીન પર જોઈ રહ્યો છું. આપ સૌની હાજરીથી હું અભિભૂત છું.’ CJIએ કહ્યું, ‘જ્યારે હું નાનો હતો ત્યારે હું સુપ્રીમ કોર્ટમાં આવતો હતો અને અહીંની કાર્યવાહી અને કોર્ટમાં બે તસવીરો જોતો હતો. તેમણે કહ્યું હતું કે, બોમ્બે હાઈકોર્ટમાં પણ જસ્ટિસ છાગલાનો ઘણો પ્રભાવ હતો.’
‘અમે બધા અહીં મુસાફરોની જેમ થોડા સમય માટે આવીએ છીએ…’
તેમણે આગળ કહ્યું, ‘આપણે બધા અહીંયા મુસાફરો જેવા છીએ, જેઓ થોડો સમય આવે છે, પોતાનું કામ કરે છે અને પછી ચાલ્યા જાય છે. કોર્ટના રૂપમાં આ સંસ્થા હંમેશા ચાલશે અને તેમાં વિવિધ વિચારો ધરાવતા લોકો આવતા રહેશે. મને પૂરો વિશ્વાસ છે કે મારા પછી જસ્ટિસ ખન્ના આ સંસ્થાને તાકાત અને ગૌરવ સાથે આગળ લઈ જશે.’
CJI એ એમ પણ કહ્યું કે તેઓ જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રા સાથે કામ કરવાનો અનુભવ ચૂકી જશે. તેણે કહ્યું, ‘આ કોર્ટ છે જે મને આગળ વધવાની પ્રેરણા આપે છે. અમે એવા લોકોને મળીએ છીએ જેમને અમે જાણતા ન હતા અને આ અનુભવો જીવનને નવો પરિપ્રેક્ષ્ય આપે છે.’
‘જો કોઈને દુઃખ થયું હોય તો હું માફી માંગુ છું…’
તેણે આગળ કહ્યું, ‘હું આજે ઘણું શીખ્યો છું. કોઈ પણ કેસ અગાઉના કેસ જેવો નથી. જો કોર્ટમાં કોઈને દુઃખ થયું હોય તો હું નમ્રતાપૂર્વક માફી માંગુ છું. અંતમાં આભાર માનતા જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું, મારા હૃદયના ઊંડાણથી આપ સૌનો આભાર, તમે આટલી મોટી સંખ્યામાં અહીં આવ્યા છો. આ માટે હું હંમેશા આભારી રહીશ.’
જસ્ટિસ ચંદ્રચુડ બાદ જસ્ટિસ સંજીવ ખન્ના તેમની જગ્યા લેશે. તેઓ દેશના 51મા મુખ્ય ન્યાયાધીશ હશે. જસ્ટિસ ચંદ્રચુડે 9 નવેમ્બર 2022ના રોજ ભારતના 50મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા હતા. તેમને 13 મે 2016ના રોજ અલ્હાબાદ હાઈકોર્ટમાંથી બઢતી આપવામાં આવી હતી. તેમણે કુલ 612 ચુકાદા લખ્યા. CJI ચંદ્રચૂડે સુપ્રીમ કોર્ટના વર્તમાન ન્યાયાધીશોમાં સૌથી વધુ ચુકાદાઓ લખ્યા છે. છેલ્લા દિવસે પણ તેમણે 45 કેસની સુનાવણી કરી હતી.
CJI ચંદ્રચૂડનાં 2 વર્ષના કાર્યકાળના મુખ્ય નિર્ણયોમાં કલમ 370, રામ જન્મભૂમિ મંદિર, વન રેન્ક-વન પેન્શન, મદ્રેસા કેસ, સબરીમાલા મંદિર વિવાદ, ચૂંટણી બોન્ડની માન્યતા અને CAA-NRC જેવા નિર્ણયોનો સમાવેશ થાય છે.
CJI ચંદ્રચૂડના કાર્યકાળ દરમિયાન કોર્ટ વધુ હાઈટેક બની હતી. એમાં ઈ-ફાઈલિંગ, પેપરલેસ સબ્મિશન, પેન્ડિંગ કેસ માટે વ્હોટ્સએપ અપડેટ્સ, ડિજિટલ સ્ક્રીન, વાઈ-ફાઈ કનેક્ટિવિટી, એડવાન્સ્ડ વીડિયો-કોન્ફરન્સિંગ, પેન્ડિંગ કેસનું લાઈવ ટ્રેકિંગ, તમામ કોર્ટ રૂમમાંથી લાઈવ સ્ટ્રીમિંગમાં સુધારાનો સમાવેશ થાય છે.