દાઉદી વોરા સમાજ દ્વારા યોજાયેલ જમણવારમાં ધુમાડાનાં કારણે 20થી વધુ મહિલાઓ બેભાન થઇ હતી
સુરતના ઝાંપાબજાર દેવડી પાછળ નુરપુરાના બેઝમેન્ટમાં આવેલ એક હોલમાં યોજાયેલ પ્રસંગ દરમ્યાન એકાએક ઓક્સિજનનું પ્રમાણ ઘટી જતા 20 જેટલી મહિલાઓ બેભાન થઇને ઢળી પડી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર, સૂરત શહેરનાં ઝાંપાબજાર ડેવડી પાછળ આવેલ નુરપુરા ઇમારતનાં બેઝમેન્ટમાં એસી હોલ બનાવવામાં આવ્યો છે. દાઉદી વોરા સમાજે જમણવાર માટે આ હોલ ભાડે રાખ્યો હતો. જ્યાં દાઉદી વોરા સમાજની મહિલાઓ માટે મીઠી સિતાબીનાં જમણમાં નોન-વેજ સિઝલર પીરસવામાં આવ્યું હતું. જે દરમિયાન સિઝલરનો ધુમાડો બેઝમેન્ટના હોલમાં ફરી વળતા ઓક્સિજન લેવલ ઘટી ગયું હતું. જેનાં લીધે 20 થી વધુ મહિલાઓ ચક્કર ખાઈને બેભાન થઇ જતા ત્યાં અફરા-તફરી મચી ગઇ હતી.
બનાવના પગલે તાત્કાલિક 108ની ટીમને જાણ કરવામાં આવી હતી. એમ્બ્યુલન્સ દ્વારા મહિલાઓને બુરહાની હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર લઇ રહેલી 20માંથી 10 મહિલાઓને પ્રાથમિક સારવાર આપી રજા આપી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. તબીબોએ પરિવારના સભ્યોને જણાવ્યું હતું કે સફોકેશન અને ઓક્સિજન લેવલ ઘટી જવાના કારણે મહિલાઓ બેભાન થઇ ગઇ હતી.