સુરત શહેરમાં રખડતાં ઢોરોના ત્રાસથી શહેરીજનોને મુક્તિ આપવા માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)દ્વારા આ ઢોરને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ આજે આ કામગીરી દરમિયાન પશુપાલકો સાથે ઘર્ષણના દૃશ્યો સામે આવ્યા છે.
સુરત મનપાની ટીમ દ્વારા કાપોદ્રા વિસ્તારમાં ઢોર પકડવાની કામગીરી કરી રહી હતી. એ સમયે પશુ માલિકો અને પાલિકાની ટીમ વચ્ચે માથાકૂટ થઇ હતી. પશુ માલિકોએ મનપાની ટીમ સાથે દાદાગીરી કરી હતી અને પકડેલી ગાયોને દોરડા કાપી છોડાવી ગયા હતા. આ દરમિયાન પાલિકાની ટીમ અને માલધારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું.
પાલિકાના કર્મચારીઓ વારંવાર તેમને આ પ્રકારનું કૃત્ય ન કરવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ પશુપાલકોના સામે તેમનું કંઈ ચાલ્યું ન હતું. પશુપાલકોએ ત્યાં કહ્યું હતું કે, જે પણ દંડ હશે, તે અત્યારે જ અમે અહીં ચૂકવી દઈશું. પરંતુ ઢોરને સાથે ન લઈ જાવ. પાલિકાના કર્મચારીઓએ ઢોર ન લઈ જવા કહેવા છતાં પણ માલધારીઓ પોતાના ઢોર છોડાવી ગયા હતા.
પાલિકાની ટીમ દ્વારા આ બાબતે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં અરજી આપવામા આવી હતી. લાકડીઓ લઈને માલધારીઓ ગાયોને ભગાવીને લઈ ગયા હતા. પાલિકાના કર્મચારીઓ દ્વારા કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અરજી કરાતા પોલીસ દ્વારા જે માલધારીઓ વીડિયોમાં દેખાઈ રહ્યા છે તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે અને સમગ્ર ઘટના અંગે તપાસ પણ કરવામાં આવી રહી છે.