પીએમ મોદીએ 12,850 કરોડના સ્વાસ્થ્ય પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે(29મી ઑક્ટોબરે) ધન્વંતરી જયંતિ અને 9મા આયુર્વેદ દિવસ પર તમામ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. આજના દિવસે પીએમ મોદીએ દિલ્હીના ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ (AIIA)માં આયોજિત એક કાર્યક્રમમાં લગભગ 12,850 કરોડ રૂપિયાની વિકાસ કાર્યોનો શુભારંભ કર્યો. સ્વાસ્થ્ય ક્ષેત્રમાં આ મોટા પગલાંની શરૂઆત નવમાં આયુર્વેદ દિવસ અને હિન્દુ ચિકિત્સાના દેવતા ધન્વંતરીની જયંતીના અવસરે કરાઈ.
આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) નું કવરેજ વિસ્તરણ કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત હવે 70 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના લોકોને 5 લાખ રૂપિયાની મફત સારવાર મળશે. દેશના લગભગ 4.5 કરોડ પરિવારોના 6 કરોડથી વધુ વડીલોને લાભ મળશે. અત્યાર સુધી આ યોજનામાં ઓછી આવક વર્ગના પરિવારોને સામેલ કરાતા હતા. જ્યારે વડીલો માટે શરૂ કરાયેલી આ યોજનામાં હવે કોઈ આવક મર્યાદા નહીં રહે. આ સુવિધા કોઈ પણ આવક વર્ગના વૃદ્ધોને મળી શકશે.
મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, બિહાર સહિત 18 રાજ્યોમાં આરોગ્ય પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા હતા. આ સાથે તેમણે દેશની પ્રથમ એર એમ્બ્યુલન્સ સેવા ‘સંજીવની’ એઈમ્સ ઋષિકેશમાં શરૂ કરી.
દિલ્હી અને બંગાળની સરકાર આ યોજનામાં જોડાઈ નથી
આ દરમિયાન PM મોદીએ કહ્યું કે ‘હું દિલ્હી અને બંગાળના 70 વર્ષથી વધુ ઉંમરના વડીલોની માફી માગું છું કે હું તમારી સેવા કરી શકીશ નહીં. હું માફી માગુ છું કે હું જાણું છું કે તમે પીડામાં છો, પરંતુ હું મદદ કરી શકીશ નહીં. કારણ કે, દિલ્હી અને બંગાળની સરકારો આ યોજનામાં જોડાઈ રહી નથી.
જકીય હિત માટે તમારા પોતાના રાજ્યના બીમાર લોકો સાથે આવો વ્યવહાર ન કરો
વધુમાં તેમણે કહ્યું કે, તમારા રાજકીય હિત માટે તમારા પોતાના રાજ્યના બીમાર લોકો સાથે આવો વ્યવહાર ન કરો. આ એક વલણ નથી જે માનવતાના કોઈપણ ધોરણોને પૂર્ણ કરે છે. હું માફી માંગુ છું કે હું દેશવાસીઓની સેવા કરવા સક્ષમ છું, પરંતુ રાજકીય સ્વાર્થની વૃત્તિ મને દિલ્હી-બંગાળમાં સેવા કરવા દેતી નથી. મારા હૃદયમાં કેટલી પીડા હશે તે હું શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી.
ચૂંટણી સમયે મેં બાંહેધરી આપી હતી, જે આજે પૂરી થઈ
તેમણે જણાવ્યું કે ચૂંટણી સમયે મેં બાંહેધરી આપી હતી કે ત્રીજી ટર્મમાં 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વૃદ્ધોને આ યોજના હેઠળ લાવવામાં આવશે. આ ગેરંટી આજે ધન્વંતરી જયંતિ પર પૂરી થઈ રહી છે. હવે 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધને હોસ્પિટલમાં મફત સારવાર મળશે. આવા વૃદ્ધોને “આયુષ્માન વયવંદના કાર્ડ” આપવામાં આવશે. સરકાર આ કામ વહેલી તકે થાય તે માટે પ્રયાસ કરી રહી છે. આ એક એવી સ્કીમ છે જેમાં આવક પર કોઈ પ્રતિબંધ નથી. દરેક વ્યક્તિ લાભાર્થી બની શકે છે.
આ આયુષ્યમાન કાર્ડ BIS પોર્ટલ/આયુષ્યમાન એપના માધ્યમથી બની શકશે
પીએમ મોદીએ દિલ્હીમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન અનેક વડીલોને કાર્ડ સોંપ્યા. આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા સહિત અનેક અન્ય મંત્રી અને ઓફિસર હાજર હતા. આ આયુષ્યમાન કાર્ડ BIS પોર્ટલ/આયુષ્યમાન એપના માધ્યમથી બની શકશે અને તેના માટે વડીલ વ્યક્તિએ પોતાના આધાર કાર્ડ અપડેટ અને KYC પણ કરાવવું પડશે. જે વૃદ્ધ નાગરિકોના પ્રાઈવેટ હેલ્થ ઈન્શ્યુરન્સ છે તેમની પાસે પ્રાઈવેટ અને આયુષ્યમાન ભારત યોજના એમ બંને ઈન્શ્યુરન્સમાંથી એક પસંદ કરવાનો વિકલ્પ રહેશે.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સર્વિસ વર્ધક પ્રોજેક્ટ, જેનો શિલાન્યાસ થયો
હિમાચલ પ્રદેશમાં બિલાસપુર, પશ્ચિમ બંગાળમાં કલ્યાણી, બિહારમાં પટના, ઉત્તર પ્રદેશમાં ગોરખપુર, મધ્ય પ્રદેશમાં ભોપાલ, આસામમાં ગુવાહાટી અને નવી દિલ્હીમાં AIIMS સુધી સુવિધાઓ અને સેવાઓનો વિસ્તાર કરવામાં આવ્યો હતો. તેમાં જન ઔષધિ કેન્દ્રનો પણ સમાવેશ થાય છે.
સરકારી મેડિકલ કોલેજ, બિલાસપુર, છત્તીસગઢ ખાતે સુપર સ્પેશિયાલિટી બ્લોક અને બારગઢ, ઓડિશા ખાતે ક્રિટિકલ કેર બ્લોકનું ઉદ્ઘાટન કર્યું. આયુષ્માન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન હેઠળ હિમાચલ પ્રદેશ, કર્ણાટક, મણિપુર, તમિલનાડુ અને રાજસ્થાનમાં 21 ક્રિટિકલ કેર બ્લોકનો શિલાન્યાસ કર્યો.
હરિયાણાના ફરીદાબાદ, કર્ણાટકમાં બોમ્માસન્દ્રા અને આંધ્રપ્રદેશના નરસાપુર, અચ્યુતાપુરમ ખાતે ESIC હોસ્પિટલોનો શિલાન્યાસ કર્યો. આ પ્રોજેક્ટ્સમાંથી લગભગ 55 લાખ ESI લાભાર્થીઓને હેલ્થકેરનો લાભ મળશે.
ઓડિશાના ખોરધા અને છત્તીસગઢના રાયપુરમાં નેચરોપેથી સંશોધન કેન્દ્રનો શિલાન્યાસ કરવામાં આવ્યો.
મેડિકલ સાધનો માટે ગુજરાતમાં અમદાવાદ, જથ્થાબંધ દવાઓ માટે તેલંગાણામાં હૈદરાબાદ, ફાર્માસ્યુટિકલ્સ માટે આસામમાં ગુવાહાટી અને એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટિ-વાયરલ દવાઓના સંશોધન માટે પંજાબમાં મોહાલી સેન્ટરનો શિલાન્યાસ કર્યો.
એવા પ્રોજેક્ટ કે જેનું લોન્ચિંગ થયું…
મંદસૌર, નીમચ અને સિઓનીમાં ત્રણ મેડિકલ કોલેજનું પણ ઉદ્ઘાટન કર્યું. રાજ્યમાં કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) ની સૌથી મોટી હોસ્પિટલ ઇન્દોરમાં તૈયાર છે. PM એ 3.78 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી આ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું. આ સિવાય તેમણે શિવપુરી, રતલામ, ખંડવા, રાજગઢ અને મંદસૌરમાં પાંચ નર્સિંગ કોલેજનો શિલાન્યાસ પણ કર્યો હતો.
PM મોદીએ છત્તીસગઢમાં 290 કરોડ રૂપિયાના પ્રોજેક્ટની શરૂઆત કરી. આ પ્રોજેક્ટ્સમાં બિલાસપુરમાં સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ સિમ્સનું ઉદ્ઘાટન અને સેન્ટ્રલ યોગ અને નેચરોપેથી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના શિલાન્યાસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, રાયપુરમાં 100 પથારીવાળી સેન્ટ્રલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ યોગ એન્ડ નેચરોપેથી (CRIYN) નો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.
મેરઠના કાંકરખેડાની માર્શલ પીચ પર 100 બેડની ESI હોસ્પિટલનું ભૂમિપૂજન અને શિલાન્યાસ સમારોહ કરવામાં આવ્યો હતો. અંદાજે રૂ. 148 કરોડના ખર્ચે 5.8 એકરમાં તૈયાર થનારી આ હોસ્પિટલનું કામ ટૂંક સમયમાં શરૂ થશે. સીએમ યોગી આદિત્યનાથે મેરઠમાં હોસ્પિટલનું ભૂમિપૂજન કર્યું હતું. પીએમ મોદીએ હોસ્પિટલના શિલાન્યાસ સમારોહમાં વર્ચ્યુઅલ રીતે ભાગ લીધો હતો.