PM મોદી આજે એક દિવસીય ગુજરાતની મુલાકાતે છે. આજે સવારે તેમણે સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ સાથે રોડ શો યોજ્યા બાદ ટાટા-એરબસ દ્વારા સ્થાપિત સૈન્યના કાર્ગો પ્લેનના એસેમ્બલ માટેના પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ તેઓ અમરેલીના દુધાળા પહોંચ્યા હતા, જ્યાં તેમણે 35 કરોડના ખર્ચે નિર્માણ કરાયેલા ભારત માતા સરોવરનું લોકાર્પણ કર્યું અને બાદમાં જાહેર સભાને સંબોધન કર્યું. આ દરમિયાન તેમણે સૌરાષ્ટ્રના 9 જિલ્લાને રૂ. 4800 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી. આ કામોમાં જળસંચય, રેલવે, રાષ્ટ્રીય ધોરી માર્ગ સહિતના કામોનો સમાવેશ થાય છે. તેનો લાભ અમરેલી, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, કચ્છ, ભાવનગર અને બોટાદ જિલ્લાઓને મળશે.
પીએમ મોદીનું જનસભાને સંબોધન
PM મોદીએ સભાને સંબોધન કરતા કહ્યું કે, દિવાળી દરવાજે ટકોરા મારી રહી છે. આ સમય મંગળ કાર્યોનો છે. એક તરફ સંસ્કૃતિનો ઉત્સવ અને બીજી તરફ વિકાસનો ઉત્સવ છે. આજ ભારતની એક નવી તાસીર છે. આજે આખી દુનિયા ભારતની વાત ગંભીરતાથી સાંભળે છે, ધ્યાનથી સાંભળે છે. રાજકોટ,મોરબી,જામનગર આ એવો ત્રિકોણ છે, કે જે ભારતના મેન્યુફેક્ચરિંગ હબ તરીકેની નામના થાય એવી તાકાત ધરાવે છે, આ મિની જાપાન થવાની તાકાત ધરાવે છે.’
‘સૌરાષ્ટ્ર અને અમરેલીની ધરતી એટલે રત્નોની ધરતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ‘સૌરાષ્ટ્ર અને અમરેલીની ધરતી એટલે રત્નોની ધરતી એવી આ ભૂમિ છે. અમરેલી એ ભૂમિ છે જેણે યોગીજી મહારાજ, ભોજા ભગત, દુલા ભાયા કાગ, કલાપી, રમેશ પારેખ, કે.લાલ, જીવરાજ મહેતા આપ્યા છે. ગુજરાતના સાર્વજનિક જીવનમાં કોઈ સાંજ એવી ન હોય કે, ગુજરાતના કોઈને કોઈ ખૂણામાં દુલા ભાયા કાગને કોઈ યાદ ના કરતું હોય, એક એવો ડાયરો ના હોય, એવી કોઈ લોકસાહિત્યની વાત ન હોય જેમાં કાગ બાપુની ચર્ચા ના હોય.’
લાઠીના દુધાળામાં ભારત માતા સરોવરનું પીએમના હસ્તે લોકાર્પણ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલનું દુધાળા-લાઠી સ્થિત હેલિપેડ પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. લાઠીમાં સભા સ્થળ પર જનમેદની ઉમટી પડી. જામનગરના સાંસદ પૂનમબેન માડમ અને રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા પહોંચ્યા. વડોદરાથી ભાવનગર એરપોર્ટ પર પીએમ મોદી પહોંચ્યા હતા.
પાણીનું શું મહત્વ છે તે ગુજરાત કે સૌરાષ્ટ્રના લોકોને સમજાવવું ન પડે.
ગુજરાતમાં ભાજપ સરકાર બની ત્યારથી પાણીને આપણે પ્રાથમિકતા આપી છે. ગુજરાતના લોકોને પાણીનું મહત્વ સમજાવવું ન પડે. ધોળકીયા પરિવારે નદીઓની જીવતી કરી. નદીઓને જીવતી કરવાનો આ જ રસ્તો છે. આપણે નર્મદાથી 20 નદીઓ જોડી હતી અને નદીઓ, નાના તળાવો બનાવવાની આપણી કલ્પના હતી. જેથી માઈલો સુધી પાણીને સાચવી શકે. પાણી જમીનમાં ઉતરે એટલે અમી આવ્યા વગર રહે જ નહીં. પાણીનું શું મહત્વ છે તે ગુજરાત કે સૌરાષ્ટ્રના લોકોને સમજાવવું ન પડે.
માતા નર્મદા ખુદ પરિક્રમા કરીને ગામડે ગામડે પહોંચીને પુણ્ય વહેંચી રહી છે
આ દરમિયાન તેમણે નર્મદાની વાત કરતા કહ્યું હતું કે ‘એક સમય હતો, નર્મદાની પરિક્રમા જઈએ ને તો પૂણ્ય મળે, યુગ બદલાયો માતા નર્મદા ખુદ પરિક્રમા કરીને ગામડે ગામડે પહોંચીને પુણ્ય વહેંચી રહી છે, પાણી પણ વહેંચી રહી છે. આજે નર્મદાનું પાણી જ્યાં જ્યાં પહોંચ્યું છે ત્યાં ત્રણ-ત્રણ પાક લેવાઈ રહ્યા છે, જે ખેડૂતને એક પાક લેવાના સાસા પડતા હતા આજે તે ત્રણ-ત્રણ પાક લેતો થયો છે.’
સૌની યોજનાએ કચ્છ-સૌરાષ્ટ્રને નવું જીવન આપ્યું: PM મોદી
18-20 વર્ષના યુવકોને ખબર પણ નહીં હોય કે પાણી વગર કેવી રીતે તરસતા હતા. તેઓને ભૂતકાળની સમસ્યાની ખબર નહીં હોય. આઝાદીના 75 વર્ષ થયા ત્યારે સરકાર જાતજાતના કાર્યક્રમો કરી શકી હોત. પણ, અમે ગામડે ગામડે અમૃત સરોવર બનાવવાની યોજના બનાવી. જાફરાબાદના બાજરાના તો હું દિલ્હીમાં વખાણ કરતો હોવ છું. હીરાભાઈ મને બાજરો મોકલતા હોય છે.
ગુજરાતમાં 2 લાખ ઘરો પર સોલાર પેનલ લાગી ગઈ
દરેક પરિવારને વર્ષે 25 થી 30 હજાર વીજળીના બીલના બચે અને એટલું જ નહીં વધારાની વીજળી વેચીને કમાણી કરે તેવું મોટુ કામ આપણે ઉપાડ્યું છે. ગુજરાતમાં 2 લાખ ઘરો પર સોલાર પેનલ લાગી ગઈ છે. વીજળી ઉત્પાદન થઈ રહ્યું છે. દુધાળા ગામ એ અમરેલીનું પ્રથમ સોલાર વિલેજ બની રહ્યું છે એના માટે ગોવિંદભાઈને અભિનંદન. ગુજરાતનો સમુદ્ર તટ ગુજરાતની જ નહીં દેશની સમૃદ્ધિનું દ્વાર બને એના માટે આપણે કામ કરી રહ્યા છીએ.
‘મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ’નાં અભિયાનને વેગ મળશે
કેન્દ્ર સરકારની યોજનાઓ અંગે વાત કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ‘ભારતમાં ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ ઇકો સિસ્ટમ નવી ઊંચાઈઓ સર કરી રહી છે. C-295 એર ક્રાફ્ટ ફેક્ટરી નવા ભારતની નવી કાર્ય સંસ્કૃતિનું પ્રતિબિંબ છે. આ પ્લાન્ટથી બંને દેશો વચ્ચેનાં સંબંધો મજબૂત થવાની સાથે ‘મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ’નાં અભિયાનને વેગ મળશે. વડોદરા ખાતે ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિ. ની ફાઇનલ એસેમ્બ્લી લાઇન (FAL) C-295 એરક્રાફ્ટ ફેસિલિટીનું ઉદ્ઘાટનએ ભારતની એરોસ્પેસ ઇન્ડસ્ટ્રી માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે. જે ભારતના ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ (સંરક્ષણ સંસાધનોનું ઉત્પાદન) ક્ષેત્ર માટે એક સીમાચિહ્નરૂપ છે.’
લોથલમાં દુનિયાનું મોટામાં મોટુ મેરીટાઈમ મ્યુઝિયમ બની રહ્યું છે
સમુદ્રના વિકાસ અંગે કહ્યું કે, આ લોથલ કોઈ મોદી આવ્યા પછી આવ્યું નથી. 5 હજાર વર્ષ જૂનું છે. હું સીએમ હતો ત્યારે મારુ સપનું હતું કે, લોથલને દુનિયાના નકસા પર મૂકવું છે. હવે લોથલમાં દુનિયાનું મોટામાં મોટુ મેરીટાઈમ મ્યુઝિયમ બની રહ્યું છે. દેશ અને દુનિયાને ભારતની આ ગૌરવશાળી સમુદ્રી વિરાસતથી પરિચિત કરવાનો પ્રયાસ છે.