જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગથી મોટા સમાચાર આવી રહ્યા છે. અહીં ભારતીય સેનાના વાહન પર આતંકી હુમલો થયો છે. હુમલામાં 5 જવાન ઘાયલ થયા છે.
જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં ભારતીય સેનાના વાહન પર આતંકી હુમલો થયો છે. આતંકવાદીઓએ ગુલમર્ગના નાગિન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલા સેનાના વાહન પર આડેધડ ગોળીબાર કર્યો છે. આતંકવાદીઓએ ગોળીબાર કર્યા બાદ સેનાના જવાનો પણ વળતો જવાબ આપી રહ્યા છે. હુમલામાં 5 જવાન ઘાયલ થયા છે. સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. સેનાએ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.
ગુલમર્ગમાં સેનાના વાહન પર થયેલા આતંકવાદી હુમલાના થોડા કલાકો પહેલા પુલવામામાં શંકાસ્પદ આતંકવાદી હુમલામાં એક બિન-સ્થાનિક મજૂર ઘાયલ થયો હતો. અધિકારીઓએ જણાવ્યું કે આતંકવાદી ગોળીબારમાં ઘાયલ થયેલા મજૂરની ઓળખ ઉત્તર પ્રદેશના રહેવાસી શુભમ કુમાર તરીકે થઈ છે. તેને આજે સવારે બાટાગુંડ ગામમાં આતંકવાદીઓએ ગોળી મારી હતી. ગોળી તેના હાથમાં વાગી હતી. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આપને જણાવી દઈએ કે, આ પહેલા જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લા સ્થિત સોનમર્ગ વિસ્તારમાં 20મી ઓક્ટોબરે આતંકવાદીઓએ આડેધડ ગોળીબાર કરતા સાત લોકોના મોત થયા હતા. મૃતકોમાં બે અધિકારી વર્ગના અને ત્રણ શ્રમિકો હતા. અહીં એક ટનલનું બાંધકામ ચાલી રહ્યું છે, ત્યારે અચાનક આતંકવાદીઓ હથિયારો લઈને પહોંચી ગયા હતા અને ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જે અધિકારીઓ અને શ્રમિકો મધ્ય કાશ્મીર અને ગાંદરબલ જિલ્લાને જોડતી જેડ મોડ ટનલ બાંધકામનું કામ કરી રહ્યા હતા, આતંકવાદીઓએ તેમને નિશાન બનાવ્યા હતા.