લંપટ આચાર્ય વિદ્યાર્થીઓના શરીર પર હાથ ફેરવતો હતો અને ગંદી હરકતો કરતો હતો, આ અંગે કોઇને જાણ કરી તો જાનથી મારી નાખવાની અને પરીક્ષામાં નાપાસ કરવાની ધમકીઓ આપતો હતો.
રાજ્યમાં શિક્ષણ જગતને લાંછન લગાવતા કિસ્સાઓ અવાર નવાર સામે આવી રહ્યા છે. ગત 19 ઓક્ટોબરે રાજકોટના મોટાવડા ગામે એક વિદ્યાર્થીએ શિક્ષકના ત્રાસથી કંટાળી સુસાઇડ નોટ અને વીડિયો બનાવી આત્મહત્યા કરી લીધી છે. જ્યારે દાહોદના તોયણી પ્રાથમિક શાળાના આચાર્યએ ધોરણ 1ની માસુમ બાળકી પર દુષ્કર્મના પ્રયાસ બાદ મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્યારે હવે પાટણના હારીજમાં આવેલ દુનાવાડા પ્રાથમિક શાળાનો આચાર્ય શાળામાં ભણતી બાળકીઓ સાથે શારીરિક અડપલાં કરતો હોવાની ઘટના સામે આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર પાટણના હારીજમાં આવેલી દુનાવાડા પ્રાથમિક શાળાના આચાર્ય તરીકે ફરજ બજાવતા પ્રવીણ ભલાભાલ પટેલે શાળામાં અભ્યાસ કરતી બાળકીઓ સાથે શારીરિક અડપલાં કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા છે. આચાર્યએ એક બે નહીં અનેક બાળકીઓની છેડતી કરી હોવાની ઘટના સામે આવી છે. આ અંગે પરિવારજનોને જાણ થતા સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો. વાલીઓએ બાળકીઓને સાથે રાખીને હારીજ પોલીસ સ્ટેશનમાં આચાર્ય પ્રવીણ ભલાભાઇ પટેલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.
લંપટ આચાર્ય વિદ્યાર્થીઓના શરીર પર હાથ ફેરવતો હતો અને ગંદી હરકતો કરતો હતો, આ અંગે કોઇને જાણ કરી તો જાનથી મારી નાખવાની અને પરીક્ષામાં નાપાસ કરવાની ધમકીઓ આપતો હતો. જેથી બાળકીઓ ડરી જતી હોવાથી કોઈને વાત કરતી ન હતી. પરંતું એક બાળકીએ શાળાએ જવાની નાં પાડતા તેના વાલીએ પૂછતા બાળકીએ કારણ જણાવતા કહ્યું હતું કે, પપ્પા, સાહેબ મારી સાથે ગંદી હરકતો કરે છે, જે શરીરે ગમે ત્યાં, જ્યાં ફાવે ત્યાં હાથ અડાડે છે અને કોઇને કહીશ તો મારી નાખવાની અને નાપાસ કરવાની ધમકી આપે છે. પોતાની દીકરીની વાત સાંભળીને પિતાએ પોતાના મહોલ્લાની અન્ય બાળકીઓના પિતા સાથે વાત કરી હતી અને અન્ય બાળકીને પુછ્યું તો અન્ય બાળકીઓએ પણ શાળાનો આચાર્ય ગંદી હરકતો કરતો હોવાનું જણાવ્યું હતું.
એક બે નહીં પણ અનેક બાળકીઓ સાથે શાળાના આચાર્ય પ્રવીણ પટેલે ગંદી હરકતો કરી હોવાની વાલીઓને જાણ થતાં વાલીઓ ભેગા મળીને પોતાની દીકરીઓ સાથે શાળાએ પહોંચ્યા હતા. જ્યાં પણ દીકરીઓએ આચાર્ય ખરાબ વર્તન કરતો હોવાનું જણાવ્યું હતું. આ દરમિયાન આચાર્ય પોતાનો લૂલો બચાવ કરતો હતો. જેથી રોષે ભરાયેલા એક વાલીએ આચાર્યને લાફો માર્યો હતો.
ત્યાર બાદ વાલીઓએ આચાર્ય પ્રવીણ પટેલ સામે હારીજ પોલીસ મથકમાં છેડતીની ફરિયાદ નોંધવાતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોકે આ અંગે આચાર્યએ પોતાની ભૂલ સ્વિકારી માફી માંગી લીધી છે. પરંતુ વાલીઓએ આ લંપટ આચાર્ય વિરૂદ્ધ તપાસ કરી કડક કાર્યવાહીની માંગ કરી છે.