ગુજરાત હાઈકોર્ટે 16 ફેબ્રુઆરીના રોજ સંજય સિંહ અને કેજરીવાલની અરજીને ફગાવી દીધી હતી
PM મોદીની શૈક્ષણિક ડિગ્રીને લઈને વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ માનહાનિના આરોપોનો સામનો કરી રહેલા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટનો આંચકો લાગ્યો છે. ગુજરાત હાઈકોર્ટના આદેશ સામે કેજરીવાલની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.
ગુજરાત યુનિવર્સિટી દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં ટ્રાયલ કોર્ટે કેજરીવાલને સમન્સ જારી કર્યા હતા. અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહની ટિપ્પણીઓ સામે ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પીયૂષ પટેલે ટ્રાયલમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.
કેજરીવાલે તેને રદ કરાવવા માટે પહેલા હાઈકોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના સમન્સ પર સ્ટે આપવાનો ઈન્કાર કરી દીધો હતો. આ પછી કેજરીવાલે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. કેજરીવાલે માંગ કરી છે કે તેમની સામેનો માનહાનિનો કેસ બંધ કરવામાં આવે. જો કે સુપ્રીમ કોર્ટે કેજરીવાલની અરજી ફગાવી દીધી છે. જો તેમને અહીંથી રાહત નહીં મળે તો કેજરીવાલે ટ્રાયલ કોર્ટમાં હાજર થવું પડશે.
ઉલ્લેખનિય છે કે, આ પહેલા સંજય સિંહે પણ આ કેસમાં રાહત માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટે આ વર્ષે એપ્રિલમાં તેમની અરજી ફગાવી દીધી હતી.
16 ફેબ્રુઆરીના રોજ, ગુજરાત હાઈકોર્ટે સિંહ અને કેજરીવાલની અરજીને ફગાવી દીધી હતી, જેમાં તેઓએ કેસમાં તેમની સામે જારી કરાયેલા સમન્સને રદ કરવાની માંગ કરી હતી. બંને નેતાઓએ ગુજરાત યુનિવર્સિટી દ્વારા દાખલ કરાયેલા કેસમાં ટ્રાયલ કોર્ટ દ્વારા જારી કરાયેલા સમન્સ અને સેશન્સ કોર્ટના સમન્સ સામેની તેમની રિવિઝન અરજીને ફગાવી દેવાના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો.
ગુજરાત યુનિવર્સિટી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી
કેજરીવાલ અને સંજય સિંહ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે બંને નેતાઓએ પીએમ મોદીની ડિગ્રીને લઈને ગુજરાત યુનિવર્સિટી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી. ગયા વર્ષે એપ્રિલમાં એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ દ્વારા બંને વિરુદ્ધ સમન્સ ઇસ્યુ કરવામાં આવ્યા હતા. આ બંને નેતાઓએ હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે અરજી મેન્ટેનેબલ નથી કારણ કે તેઓએ યુનિવર્સિટી અંગે કોઈ નિવેદન આપ્યું નથી. ગુજરાત યુનિવર્સિટી વતી એવું કહેવામાં આવ્યું હતું કે તેની છબીને નુકસાન થયું છે અને આ માટે તેને ટ્રાયલનો સામનો કરવો જોઈએ.