રાજ્ય સરકારના વર્ગ-4નાં કર્મચારીઓને દિવાળી ભેટ; 17000થી વધુ કર્મચારીઓ માટે કરી બોનસની જાહેરાત

guj.govt.bonus

દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે વર્ગ-4ના કર્મચારીઓ આ તહેવાર ઉત્‍સાહપૂર્વક ઉજવી શકે તે માટે રાજ્ય સરકારે મહત્ત્વની જાહેરાત કરી છે. રાજ્ય સરકારની જાહેરાત મુજબ વર્ગ-4ના કર્મચારીઓને 7000ની મર્યાદામાં એડહોક બોનસ ચૂકવવામાં આવશે.

રાજ્ય સરકારના આ નિર્ણય બાદ અંદાજે 17,700થી વધુ કર્મચારીઓને બોનસનો લાભ મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મહત્ત્વની જાહેરાત કરવાની સાથે રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેનાં જરૂરી નિર્દેશ પણ જારી કર્યા છે.

સરકારના આ દિવાળી બોનસ આપવાના નિર્ણયને ગુજરાત સરકારના વર્ગ-4ના તમામ કર્મચારીઓએ વધાવી લીધો છે અને હાલમાં કર્મચારીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

અગાઉ 17 ઓક્ટોબરે પણ AMCના કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવ્યા હતા. જેમાં દિવાળીના તહેવારને લઈને AMCએ મોટો નિર્ણય લીધો હતો અને આગામી 25 તારીખે પગાર અને પેન્શન ચૂકવી દેવામાં આવશે. આ સાથે જ વર્ગ 4ના કર્મચારીઓને બોનસ સાથે પગાર આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે AMCમાં 23,500 પગારદાર અને 13,700 પેન્શનર છે. ત્યારે AMC પગાર, પેન્શન અને બોનસ પેટે 145 કરોડની રકમ ચૂકવશે.

ઉલ્લેખનીય છે કે દિવાળીના તહેવારને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે, ત્યારે બજારમાં પણ ખરીદીને લઈને લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. ગૃહિણીઓ પણ ઘરની સજાવટ માટે અલગ અલગ પ્રકારની વસ્તુઓની ખરીદી કરી રહી છે તો યુવાનો કપડા, બુટ, ચશ્મા, ઘડીયાળ સહિતની વસ્તુઓ ખરીદવામાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે.