હિઝબુલ્લાહે ઈઝરાયલના PM નેતન્યાહુના ઘર પર ડ્રોન હુમલો કર્યો: એર ડિફેન્સ સિસ્ટમ ભેદીને મકાન પર પડ્યુ

drone-attack-on-israel

થોડા દિવસો પહેલા હિઝબુલ્લાના ડેપ્યુટી ચીફ નઈમ કાસિમે કહ્યું હતું કે ઈઝરાયેલના તમામ વિસ્તાર તેના નિશાના પર છે.

ઈઝરાયલ અને લેબનાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમ્યાન હિઝબુલ્લાહે આજે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના ઘર પર ડ્રોન હુમલો કર્યો છે. IDF(ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ)એ જણાવ્યું કે લેબનનથી ત્રણ ડ્રોન છોડવામાં આવ્યાં હતાં. જેમાંથી એક સિઝેરિયા શહેરમાં એક મકાન પર પડ્યું. સિઝેરિયા ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનું પૈતૃક ઘર છે.

IDF અનુસાર, લેબનનથી છોડવામાં આવેલ ત્રણ ડ્રોનમાંથી બાકીનાં બે ડ્રોનને ઈઝરાયલી સેનાએ તોડી પાડ્યા હતા, જેના કારણે ગિલોટ સૈન્ય મથક પર એલાર્મ વાગવા લાગ્યા હતા. IDFએ કહ્યું હતું કે તેઓ ડ્રોન ઘૂસણખોરીની તપાસ કરી રહ્યા છે.

જે માહિતી સામે આવી રહી છે તેમાં કહેવામાં આવ્યું છે કે, ડ્રોન તેના ટાર્ગેટને ડાયરેક્ટ નિશાન સાધવામાં સક્ષમ હતું. ઇઝરાયલી સેનાએ સ્વીકાર્યું કે તેની હવાઈ સંરક્ષણ પ્રણાલી ડ્રોન હુમલાને રોકવામાં નિષ્ફળ રહી, જેના કારણે આ હુમલો થયો. ડ્રોન લેબનોનથી લગભગ 70 કિલોમીટરના અંતરેથી ઉડાન ભરી હતી અને સીઝેરિયાની એક ઇમારતને સીધી ટક્કર મારી હતી.

સીઝેરિયામાં થયેલા ડ્રોન હુમલાને લઈને ઈઝરાયલના વડાપ્રધાન કાર્યાલયે પણ આ વાતની પુષ્ટિ કરી છે. એક નિવેદન જાહેર કર્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે બેન્જામિન નેતન્યાહુ અને તેમની પત્ની હુમલા સમયે તેમના સીઝરિયા નિવાસસ્થાન પર ન હતા. હિઝબુલ્લાહનો ડ્રોન હુમલો વડાપ્રધાનના નિવાસસ્થાનને નિશાન બનાવવાનો પ્રયાસ હતો જેવો હિઝબુલ્લાના ડ્રોન આ વિસ્તારમાં પ્રવેશ્યા કે તરત જ સાયરન વાગવા લાગ્યું. જે બાદ ઈઝરાયેલ સેનાએ હેલિકોપ્ટરથી ડ્રોનને નિશાન બનાવ્યું હતું.

ઑક્ટોબરના પ્રથમ સપ્તાહમાં, ઇઝરાયેલે નસરાલ્લાહના ઉત્તરાધિકારી સફીદ્દીનની હત્યા કરવાનો દાવો પણ કર્યો હતો. ત્યારપછી હિઝબુલ્લાએ ઈઝરાયેલ પર હુમલા તેજ કર્યા છે, થોડા દિવસો પહેલા હિઝબુલ્લાના ડેપ્યુટી ચીફ નઈમ કાસિમે કહ્યું હતું કે ઈઝરાયેલના તમામ વિસ્તાર તેના નિશાના પર છે.

ટાઈમ્સ ઑફ ઈઝરાયલના જણાવ્યા અનુસાર, શનિવાર સવારથી જ લેબનનથી ઈઝરાયલના તિબેરિયા અને આસપાસના વિસ્તારોને નિશાન બનાવીને ડ્રોન અને રોકેટ હુમલા થઈ રહ્યા છે. તેલ અવીવ અને શહેરના ઉત્તરીય વિસ્તારોમાં ડ્રોન હુમલાની ચેતવણીના સાયરન પણ સાંભળવા મળ્યા હતા.