ઝારખંડ વિધાનસભા ચૂંટણી 2024 માટે ભાજપની પ્રથમ યાદી જાહેર, 66 ઉમેદવારોની જાહેરાત

bjp-jharkhand

ધનવરથી બાબુલાલ મરાંડી અને જામતારાથી સીતા સોરેનને ટિકિટ.

ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (BJP)એ પ્રથમ યાદી જાહેર કરી છે. પ્રથમ યાદીમાં 66 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. ભાજપે પોતાની પ્રથમ યાદીમાં જૂના ચહેરાઓ સાથે નવા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. 81 સભ્યોની ઝારખંડ વિધાનસભા માટે નવેમ્બર-ડિસેમ્બરમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે.

બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહે કહ્યું કે પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક 15 ઓક્ટોબરે જેપી નડ્ડાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય ચૂંટણી સમિતિના અન્ય સભ્યો હાજર હતા. કેન્દ્રીય ચૂંટણી સમિતિએ ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કામાં 66 નામોને મંજૂરી આપી હતી.

ભાજપે જાહેર કરેલ યાદી અનુસાર, ભાજપના પ્રદેશ અધ્યક્ષ બાબુલાલ મરાંડીને ધનવર વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ ઝારખંડ મુક્તિ મોરચા (JMM)ના નેતા ચંપાઈ સોરેન સરાઈકેલાથી ચૂંટણી લડશે.

આ સિવાય સીતા સોરેન જામતારાથી અને નીરા યાદવ કોડરમાથી ચૂંટણી લડશે. મુનિયા દેવી ગાંડેમાં ભાજપના ઉમેદવાર હશે, જ્યારે ભાજપે સિંદરીમાં તારા દેવીને અને નિરસામાં અપર્ણા સેનગુપ્તાને મેદાનમાં ઉતાર્યા છે. રાગિણી સિંહને ઝરિયાથી, ગીતા બાલમુછુને ચાઈબાસાથી અને પુષ્પા દેવી ભુઈયાને છતરપુરથી ટિકિટ આપવામાં આવી છે.