પોરબંદરથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આજે વહેલી સવારે પોલીસે બોરિચા ગામે ગુપ્ત રીતે દરોડા પાડીને મોટું ઓપરેશન પાર પાડ્યું હતું. આદિત્યાણા નજીક બોરિચા ગામથી કુખ્યાત ગેંગ લીડર ભીમા દુલા ઓડેદરા સહિત ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. દરોડા દરમિયાન પોલીસને 70 જેટલા હથિયારોનો મોટો જથ્થો અને રૂ.50 લાખથી વધુની રકમ પણ જપ્ત કરાઈ છે. થોડા દિવસ અગાઉ થયેલ મારામારીના કેસમાં તેની ધરપકડ થઈ હોવાની જાણવા મળેલ છે.
મળતી માહિતી અનુસાર, જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત મોટા પોલીસ કાફલા સાથે પોલીસે ઓપરેશન પાર પાડ્યુ હતું. પોરબંદર એસપી ભગીરથી જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને સમગ્ર ઓપરેશન અંગે માહિતી આપી હતી.
પોરબંદર નજીકના બોરિચા ગામથી બખરલા ગામ બાજુ જતા રસ્તા પર કેટલાક દિવસો પહેલા મારામારીનો બનાવ બન્યો હતો. ગત 24 સપ્ટેમ્બર 2024 ના રોજ સવારના 09:00 વાગ્યાના અરસામાં 62 વર્ષીય દૂધ વિક્રેતા દાના ચાવડા નામના વ્યક્તિ ઉપર ત્રણ જેટલા અજાણ્યા વ્યક્તિઓએ કોદાળી સહિતના હથિયારો વડે ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાબતે ત્રણ શખ્સો વિરુદ્ધ બગવદર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી.
પોરબંદર એસપી ભગીરથસિંહ જાડેજા દ્વારા સમગ્ર મામલાની તપાસ પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચોક્કસ રાહેથી બાતમી મળી હતી કે, મારામારીના ગુનામાં સામેલ 27 વર્ષીય જયમલ કારાવદરા, 26 વર્ષીય વનરાજ ઓડેદરા નામના વ્યક્તિઓ બોરીચા ગામના પાટિયા પાસેથી પસાર થઈ રહ્યા છે. જે બાબતે વોચ રાખતા બંને આરોપીઓ ઝડપાઈ ગયા હતા. ત્યારબાદ બંનેને લોકલ ક્રાઈમ બ્રાન્ચ ખાતે લાવી પૂછપરછ કરતાં ગુનાની કબુલાત આપી હતી. તેમજ પોતાની સાથે રહેલ ત્રીજો વ્યક્તિ મશરી ઓડેદરા (30) હોવાનું જણાવ્યું હતું. આરોપીઓની પૂછપરછમાં દાના ચાવડાને મારવા માટે અગાઉથી પૂર્વ નિયોજિત કાવતરું રચ્યું હોવાનું જણાવ્યું હતું. તેમજ કાવતરું આદિત્યાણા ખાતે રહેતા ભીમા દુલા ઓડેદરાના કહેવાથી રચ્યું હોવાની કબુલાત આપી હતી.
આદિત્યાણાના ભીમા દુલાનું નામ ધ્યાને આવતા તેમજ મસરી ઓડેદરા ભીમા દુલાના ઘરે છુપાયો હોવાની બાતમી મળતા પોલીસે જુદી જુદી 5 ટીમ બનાવી ભીમા દુલાની વાડી (ફાર્મ હાઉસ) પર સવારે પાંચ વાગ્યે રેઈડ કરી હતી. જ્યાંથી 91,65,000 રૂ.ની રોકડ તેમજ 4 ફાયર આર્મ્સ, 12 બોરના 207 કારતૂસ, 38 બોરના 106 કારતૂસ, તેમજ રાયફલના 69 કારતૂસ તેમજ તલવાર, ભાલા, લાકડી સહિતના 70 થી વધુ હથિયારો તેમજ દારૂની બોટલો પણ મળી આવી હતી. આ મામલે અલગથી ગુનો રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવશે. તેવું એસ.પી.ભગીરથસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
ભીમા દુલા સહિત ચાર શખસોની ધરપકડ કરીને પૂછપરછ માટે પોરબંદર લવાયા હતા. ડી.એસ.પી. ભગીરથસિંહ જાડેજા, ડી.વાય.એસ.પી., એણુ.સી.ભી. સહિતના સ્ટાફ સાથે ભીમા દુલા ઓડેદરાની પૂછપરછ કરાઈ હતી.
આ ઉપરાંત ભગીરથ સિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ‘અમારી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ભીમા દુલા ઓડેદરાના ઘરે છેલ્લા 14 વર્ષથી રામગર ભીમગર મેઘનાથી નામનો વ્યક્તિ રહેતો હતો. જેને બોરીચા ગામ ખાતે રહેતા દાના ચાવડા અને તેના પરિવારજનો સાથે મોટર સાયકલ ઓવરટેક કરવા બાબતે 3 મહિના પહેલા માથાકૂટ થઈ હતી. જે બાબતની વાતચીત રામનાથ મેઘનાથીએ ભીમા ઓડેદરાને કરી હતી. ત્યાર બાદ ભીમા દુલા ઓડેદરાએ પોતાના માણસોને લઈ બે ફોર વ્હીલરમાં હથિયારો સાથે બોરીચા ગામે જઈને દાના ચાવડાના સગા સંબંધીઓને ધાકધમકી આપી હતી. ત્યારબાદ ભીમા દુલા ઓડેદરાએ પોતાના માણસોને 20 દિવસ પહેલા સૂચના આપી હતી કે, જ્યારે પણ મોકો મળે ત્યારે દાના ચાવડાને માર મારવાનો છે. જેથી ગત 24 તારીખના રોજ દાના ચાવડા પોતાના ઢોર ચરાવવા માટે નીકળ્યા હતા. ત્યારે આરોપીઓ દ્વારા તેને માર મારવામાં આવ્યો હતો.’
જણાવી દઈએ કે, કુખ્યાત આરોપી ભીમા દુલા પૂર્વ ધારાસભ્ય કરસન દુલાનો ભાઈ છે. તેના વિરુદ્ધ વર્ષ 1975 થી લઈ 2011 સુધીમાં પોરબંદર જિલ્લા ખાતે જુદાજુદા 48 જેટલા ગુના દાખલ થઈ ચૂક્યા છે. જેમાં મર્ડરના 3, એટેમપ્ટ ટુ મર્ડરના 4 તેમજ આર્મ્સ એકટના 7 જેટલા ગુના તેમજ ટાડાના 4 જેટલા ગુના દાખલ થઈ ચૂક્યા છે. ભીમા દુલા ભૂતકાળમાં વોન્ટેડ હતો ત્યારે 3 વર્ષ બરડાના જંગલમાં રહ્યો હતો. બાદમાં પોરબંદર પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. રાણાવાવ ડબલ મેર્ડર કેસમાં તેને સજા થઈ હતી અને જેલમાં રહ્યો હતો. પોરબંદરના ગેંગ વોરમાં નામ આવ્યું હતું.