ઈઝરાયેલે તેના સૌથી મોટા દુશ્મન અને હમાસ ચીફ યાહ્યા સિનવારને ઠાર કર્યો, ઈઝરાયલે જાહેર કર્યો વીડિયો, ડીએનએ ટેસ્ટ દ્વારા મૃત્યુની પુષ્ટિ થઈ

yahya-sinvar-death

ઇઝરાયેલ પર 7 ઓક્ટોબર, 2023ના રોજ થયેલા આતંકવાદી હુમલાનો માસ્ટરમાઇન્ડ યાહ્યા સિનવાર હતો. છેલ્લા એક વર્ષથી ઇઝરાયેલ તેને શોધી રહ્યુ હતું. ઇઝરાયેલની સૈન્ય અને ગુપ્તચર એજન્સી શિન બેટના જણાવ્યા અનુસાર, યાહ્યા સિનવાર બુધવારે રફાહમાં થયેલા ગોળીબારમાં માર્યો ગયો હતો. ઇઝરાયેલે ઠીક એક વર્ષ અને 9 દિવસ પછી સિનવારને મારીને પોતાનો બદલો પુરો કર્યો છે.

નસરાલ્લાહ બાદ ઈઝરાયેલે તેના સૌથી મોટા દુશ્મન અને હમાસના વડા યાહ્યા સિનવારને મોતને ઘાટ ઉતારી દીધો છે. લોહીથી લથબથ શરીર, માથાથી લઈને પગ સુધી ધૂળ જ ધૂળ અને બચીને ભાગવાનો નિષ્ફળ પ્રયાસ કરતો શખશ, હમાસ ચીફ યાહ્યા સિનવારનો આ અંતિમ વીડિયો છે, જે ઈઝરાયલી સેનાએ બહાર પાડ્યો છે. પોતાની અંતિમ પળોમાં હમાસ ચીફ લાચાર દેખાઈ રહ્યો છે. તેનો એક હાથ પણ કપાઈ ગયો છે. 7 ઓક્ટોબર, 2023ના રોજ ઈઝરાયલ પર થયેલા હુમલાનો માસ્ટરમાઈન્ડ હમાસ ચીફ યાહ્યા સિનવાર માર્યો ગયો છે.

ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂ અને વિદેશ મંત્રી ઇઝરાયલ કાત્ઝએ ગુરુવારે રાત્રે સિનવારના મૃત્યુની પુષ્ટિ કરી હતી. નેતન્યાહુએ વીડિયો સંદેશમાં કહ્યું કે, હવે હિસાબ બરાબર છે, પરંતુ યુદ્ધ હજુ ચાલુ છે. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF)એ 16 ઓક્ટોબરના રોજ રૂટિન ઓપરેશનમાં મધ્ય ગાઝામાં એક ઇમારત પર હુમલો કર્યો હતો. હમાસના 3 સભ્યો માર્યા ગયાના સમાચાર હતા. પાછળથી ખબર પડી કે તેમાંથી એક યાહ્યા સિનવાર હતો.

ડીએનએ ટેસ્ટ દ્વારા મૃત્યુની પુષ્ટિ થઈ
ઇઝરાયેલની સેનાએ રફાહમાં ત્રણ આતંકીઓને ઠાર કર્યા હતા. પરંતુ સેનાને ખબર ન હતી કે તેમાંથી એક ઈઝરાયેલનો સૌથી મોટો દુશ્મન પણ હતો. ઇઝરાયેલની સેના ગુરુવારે ઘટનાસ્થળે પહોંચી હતી. નિરીક્ષણ દરમિયાન સૈનિકોને ખબર પડી કે આ ત્રણ આતંકવાદીઓમાંથી એક યાહ્યા સિનવાર છે. આ પછી સૈનિકોએ સિનવારની આંગળી કાપી અને તેને ડીએનએ ટેસ્ટિંગ માટે મોકલી દીધી. તપાસ રિપોર્ટમાં સિનવરના મૃત્યુની પુષ્ટિ થઈ છે. આ પછી તેના મૃતદેહને ઈઝરાયેલ લાવવામાં આવ્યો હતો.

યાહ્યા સિનવાર અને તેના બે આતંકવાદી સહયોગીઓને ઈઝરાયેલની 828મી બિસલામાચ બ્રિગેડે ઠાર કર્યો છે. ઈઝરાયલ આર્મીના જણાવ્યા અનુસાર ત્રણ આતંકીઓને પહેલા જોવામાં આવ્યા હતા. તેમના પર તરત જ ગોળીબાર કરવામાં આવ્યો હતો. ઘાયલ થયા બાદ બે આતંકીઓ એક ઈમારતમાં ઘૂસ્યા હતા જ્યારે સિનવાર બીજી ઇમારતમાં પ્રવેશ્યો હતો. આ પછી ઈઝરાયેલની સેનાએ ટેન્કમાંથી ઈમારત પર ફાયરિંગ કર્યું હતું. માર્યા ગયેલા અન્ય બે આતંકવાદીઓ સિનવારના અંગરક્ષક હતા.

ઇઝરાયેલની પાયદળ જ્યારે ઈમારત તરફ આગળ વધવા લાગી ત્યારે તેના પર બે ગ્રેનેડ ફેંકવામાં આવ્યા હતા. જેમાંથી માત્ર એક જ વિસ્ફોટ થયો હતો. આ પછી સૈનિકો પાછળ હટી ગયા અને ડ્રોનને બિલ્ડિંગની અંદર તલાશી માટે મોકલ્યું. ડ્રોનના કેમેરામાં દેખાયું કે અહીં એક વ્યક્તિ સોફા પર બેઠો હતો. તેનો હાથ લોહીલુહાણ હતો. ધૂળથી ઢંકાયેલો હતો. પરંતુ તેણે પોતાનો ચહેરો કપડાથી ઢાંકી રાખ્યો હતો. જ્યારે ડ્રોન નજીક પહોંચ્યું ત્યારે તેણે લાકડી વડે ડ્રોન પર હુમલો કર્યો. આ પછી ઈઝરાયેલની સેનાએ ટેન્કમાંથી શેલ છોડ્યો અને ખુરશી પર બેઠેલા યાહ્યા સિનવારને ઠાર કરી દીધો હતો.

બાદમાં, મૃતદેહોની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તે સિનવાર છે. હગારીએ કહ્યું કે તેની પાસેથી બુલેટપ્રૂફ જેકેટ, ગ્રેનેડ અને 40,000 ઈઝરાયલની કરન્સી મળી આવી છે. સીએનએન અનુસાર, સિનવાર જ્યાં છેલ્લે રહેતો હતો તે વિસ્તાર લાંબા સમય સુધી ઇઝરાયલી હુમલાથી અસ્પૃશ્ય રહ્યો. IDFએ 28 ઓગસ્ટે અહીં પહેલીવાર હુમલો કર્યો હતો.