ભારત-પાકિસ્તાન વચ્ચેના બગડતા સંબંધો માટે ઈમરાનખાન જવાબદાર
ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર તાજેતરમાં SCO સમિટ માટે પાકિસ્તાન ગયા હતાં, આ મુલાકાતને બંને દેશો વચ્ચેના સંબંધો સુધારવાના પહેલા પગલાં તરીકે જોવામાં આવી રહી છે. ત્યારે હવે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કહ્યું કે એસ જયશંકરની પાકિસ્તાનની મુલાકાત ખૂબ જ સારી શરૂઆત કહી શકાય. અહીંથી ભારત અને પાકિસ્તાને પોતાના ભૂતકાળ(ઈતિહાસ)ને પાછળ છોડીને આગળ ભવિષ્ય વિશે વિચારવુ જોઈએ.
આપણે 75 વર્ષ ગુમાવ્યાં છે, હવે આગામી 75 વર્ષ વિશે વિચારવું જોઈએ
એક ન્યૂઝ એજન્સી અનુસાર, નવાઝ શરીફ ગુરુવારે SCO બેઠક માટે પાકિસ્તાન ગયેલા ભારતીય પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા. એસ જયશંકરની પાકિસ્તાન મુલાકાત વિશે શરીફે કહ્યું- મામલો આ રીતે આગળ વધે છે. આનો અંત ન આવવો જોઈએ. વધુમાં તેમણે કહયું કે મોદી સાહેબ પોતે અહીં આવ્યા હોત તો સારું થાત, પરંતુ જયશંકર આવ્યા તે પણ સારું જ છે. હવે આપણે જ્યાંથી છોડ્યું હતું ત્યાંથી શરૂ કરવું જોઈએ. આપણે 75 વર્ષ ગુમાવ્યાં છે, હવે આપણે આગામી 75 વર્ષ વિશે વિચારવું જોઈએ.
ભારત-પાકિસ્તાન વચ્ચેના બગડતા સંબંધો માટે ઈમરાનખાન જવાબદાર
ભારત-પાકિસ્તાન વચ્ચેના બગડતા સંબંધો માટે તેમણે પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને જવાબદાર ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે ઈમરાનખાન દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કરવામાં આવેલી કેટલીક ટિપ્પણીઓમાં તેમણે જે ભાષાનો ઉપયોગ કર્યો હતો, તેનાથી ભારત સાથેના સંબંધોને વધુ નુકસાન થયું છે. આવી ભાષા બોલવાનું તો છોડો, નેતાઓએ વિચારવું પણ ન જોઈએ.
મોદી અમને મળવા લાહોર આવ્યા હતા આ કોઈ નાની વાત નહોતી
વડાપ્રધાન મોદીએ વર્ષ 2015માં અચાનક લાહોરની મુલાકાત લીધી હતી. આ અંગે તેમણે કહ્યું કે મોદીની મુલાકાત એકદમ સરપ્રાઈઝ હતી. મોદી અમને મળવા લાહોર આવ્યા હતા. તેમણે કાબુલથી ફોન કર્યો અને મને શુભેચ્છા પાઠવી હતી. તેમણે મારી માતા સાથે પણ લાંબા સમય સુધી વાત કરી. આ કોઈ નાની વાત નહોતી. ખાસ કરીને આપણા દેશમાં તેનો મોટો અર્થ છે.
સાથે બેસીને દરેક મુદ્દા પર ઊંડાણપૂર્વક વિચારવું જોઈએ
તેમણે એમ પણ કહ્યું કે આપણે પાડોશી છીએ અને આપણે આપણા પડોશીઓને બદલી ન શકીએ. ન તો પાકિસ્તાન બદલી શકાય કે ન ભારત. બંને દેશોએ સારા પાડોશી તરીકે રહેવું જોઈએ. આપણે ભૂતકાળમાં ન જવું જોઈએ, પરંતુ ભવિષ્ય તરફ જોવું જોઈએ. આપણે સાથે બેસીને દરેક મુદ્દા પર ઊંડાણપૂર્વક વિચારવું જોઈએ.
બંને દેશો વચ્ચેના સંબંધો સુધારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સંબંધો વારંવાર બગડતા ગયા
નવાઝ શરીફે એમ પણ કહ્યું કે મારા પિતાના પાસપોર્ટમાં તેમનું જન્મસ્થળ અમૃતસર લખેલું છે. અમે સમાન સંસ્કૃતિ, પરંપરા, ભાષા, ખોરાક વહેંચીએ છીએ. તેમણે કહ્યું કે તેમણે બંને દેશો વચ્ચેના સંબંધો સુધારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સંબંધો વારંવાર બગડતા ગયા. હું ખુશ નથી કે અમારા સંબંધોમાં લાંબો વિરામ છે. નેતાઓમાં ભલે સારું વર્તન ન હોય, પરંતુ લોકો વચ્ચેના સંબંધો ખૂબ સારા છે. હું પાકિસ્તાનના લોકો વતી બોલી શકું છું જે ભારતના લોકો માટે વિચારે છે અને હું ભારતીય લોકો માટે પણ તે જ કહીશ.
ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ સંબંધો ફરી શરૂ કરવાની હિમાયત કરી
નવાઝ શરીફે ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ સંબંધો ફરી શરૂ કરવાની હિમાયત કરી અને એમ પણ કહ્યું કે જો બંને ટીમ પડોશી દેશમાં કોઈ મોટી ટુર્નામેન્ટની ફાઈનલમાં રમશે તો તેઓ ભારતની મુલાકાત લેવા ઈચ્છશે. શરીફે કહ્યું કે એકબીજાના દેશોમાં ટીમ ન મોકલવામાં અમને કોઈ ફાયદો નથી.
વાજપેયીની લાહોર મુલાકાત આજે પણ પ્રેમથી યાદ કરવામાં આવે છે
જ્યારે તેમને કલમ 370 અને કાશ્મીર વિશે પૂછવામાં આવ્યું તો તેમણે જવાબ આપ્યો કે આ મુદ્દાઓ પર ચર્ચા કરવાનો આ યોગ્ય સમય નથી. શરીફે 1999માં વાજપેયીની લાહોર મુલાકાતને પણ યાદ કરતા કહ્યું કે વાજપેયીની લાહોર મુલાકાત આજે પણ પ્રેમથી યાદ કરવામાં આવે છે. તેમનું ભાષણ ઘણું સારું હતું. કેટલીક વાર તે જૂની યાદોને તાજી કરવા માટે તેમના પાકિસ્તાન પ્રવાસ અને ભાષણના યુટ્યુબ વીડિયો જુએ છે.
બંને પક્ષો વચ્ચે વેપાર સંબંધો પુનઃસ્થાપિત કરવાની વાત કરી
શરીફે બંને પક્ષો વચ્ચે વેપાર સંબંધો પુનઃસ્થાપિત કરવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે શા માટે ભારતીય અને પાકિસ્તાની ખેડૂતો અને ઉત્પાદકોએ તેમનો માલ વેચવા માટે બહાર જવું જોઈએ? હવે માલ અમૃતસરથી લાહોર થઈને દુબઈ જાય છે. આનાથી કોને ફાયદો થઈ રહ્યો છે? જે બે કલાક લેવો જોઈએ તે હવે બે અઠવાડિયા લે છે.