ઇઝરાયલે ગઈ કાલે(17 ઓક્ટોબર)ના રોજ હમાસના ચીફ યાહ્યા સિનવારને મોતને ઘાટ ઉતાર્યો હતો. ત્યારે હવે હમાસે પોતાના નવા ચીફની જાહેરાત કરી છે. ખલીલ અલ હય્યાને નવા ચીફ બનાવવામાં આવ્યા છે.
ઇઝરાયલ સાથે ચાલી રહેલ યુદ્ધમાં હમાસના ટોચના નેતૃત્વના ઘણાં અગ્રણી સભ્યો માર્યા ગયા છે. આ સ્થિતિમાં સિનવારના ઉત્તરાધિકારીને લઈને કેટલાક નામ ચર્ચામાં આવ્યા હતા. જેમાંથી હમાસે ખલીલ અલ હય્યાને પોતાના નેતા તરીકે પસંદ કર્યો છે. રોયટર્સ મુજબ અલ હય્યા પર હનિયેહ અને સિનવાર બંનેને ભરોસો હતો. હય્યા હાલમાં કતારમાં રહે છે. તેનો આખો પરિવાર 2007માં ગાઝામાં ઈઝરાયલી હવાઈ હુમલામાં માર્યો ગયો હતો.
ઇઝરાયલ સાથે યુદ્ધવિરામ માટે સહમતી દર્શાવી હતી
આ વર્ષે એપ્રિલમાં યુદ્ધવિરામના વાટાઘાટાને લઈને અલ હય્યાએ ઇઝરાયેલ સાથે પાંચ વર્ષ કે તેથી વધુ સમય માટે યુદ્ધવિરામ માટે સહમતી દર્શાવી હતી. મળતી માહિતી અનુસાર, તેણે એમ પણ કહ્યું હતુ કે, જો સ્વતંત્ર પેલેસ્ટિનિયન રાજ્યની સ્થાપના કરવામાં આવે છે તો હમાસ તેના હથિયારો મૂકી દેશે અને રાજકીય પક્ષમાં ફેરવાઈ જશે.
હમાસના કતાર સ્થિત રાજકીય બ્યુરોના સભ્ય ખલીલ અલ-હય્યા, હમાસ વતી ઇઝરાયેલ સાથે શાંતિ મંત્રણા માટે મુખ્ય વાટાઘાટકાર રહ્યા છે. અમેરિકી અધિકારીઓ તેમને શાંતિ વાટાઘાટો માટે સંભવિત નેતા તરીકે જોવે છે. તેમને હમાસના ભૂતપૂર્વ નેતા ઈસ્માઈલ હાનિયાના સંભવિત અનુગામી તરીકે પણ ગણવામાં આવી રહ્યા હતા, પરંતુ બાદમાં સિનવારને આ પદ મળ્યું હતું.
આજે હમાસે પોતાના નેતા યાહ્યા સિનવારની મૃત્યુની પુષ્ટિ કરતા કહ્યું હતું કે, અમે વધુ મજબૂત બનીશું.’ હમાસના નવા ચીફ ખલીલ અલ હ્ય્યાએ પોતાના ગ્રૂપમાં સિનવારની મૃત્યુની પુષ્ટિ કરી હતી.
ખલીલ અલ હ્ય્યાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ‘7 ઓક્ટોબરના રોજ ઇઝરાયલ પર કરવામાં આવેલા હુમલાના પકડાયેલા બંધકોને ત્યાં સુધી ત્યાં સુધી છોડવામાં આવશે નહીં જ્યાં સુધી પેલેસ્ટિનિયન એન્ક્લેવ પર હુમલો બંધ કરવામાં નહી આવે અને ઇઝરાયલની સેના પાછી નથી ફરી જતી.’