પોલીસ પર ફાયરીંગ કરતા જવાબી કાર્યવાહીમાં બંને આરોપીઓને પગમાં ગોળી વાગી
ઉત્તર પ્રદેશના બહરાઈચમાં દુર્ગા મૂર્તિ વિસર્જન દરમિયાન રામ ગોપાલ મિશ્રા પર ફાયરિંગ કરનાર બે આરોપીઓનું એન્કાઉન્ટર થયું હોવાનું સામે આવ્યું છે. નેપાળ સીમા પાસે આરોપીઓ અને પોલીસ વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં આરોપી સરફરાઝ અને તાલીબને પગમાં ગોળી વાગી હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ નેપાળ ભાગી જવાના પ્લાનમાં હતા. પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.
આ એન્કાઉન્ટર નેપાળ બોર્ડરથી 50 કિલોમીટર પહેલા નાનપારા કોતવાલી વિસ્તારમાં હાંડા બસહેરી નહેર પાસે થયું હતું. STF અને બહરાઈચ પોલીસે સરફરાઝ અને તાલિબ ઉપરાંત અન્ય લોકોને ઘેરી લીધા હતા.આરોપીઓએ પોલીસ પર ગોળીબાર કર્યો હતો. જવાબી કાર્યવાહીમાં સરફરાઝ અને તાલિબને ગોળી વાગી હતી.
પોલીસે સરફરાઝના ભાઈ ફહીમ, પિતા અબ્દુલ હમીદ અને અન્ય એકની પણ ધરપકડ કરી છે. એક દિવસ પહેલા સરફરાઝ ફાયરિંગ કરતો હોવાની તસવીર સામે આવી હતી.
બહરાઈચના એસપી વૃંદા શુક્લા જિલ્લા હોસ્પિટલ પહોંચી ગયા છે. તેમણે કહ્યું કે બંને આરોપીઓને ગોળી વાગી છે. બંને નેપાળ ભાગી જવા માંગતા હતા.
વધુમાં એસપી વૃંદા શુક્લાએ જણાવ્યું હતું કે, “જ્યારે પોલીસની ટીમ હત્યામાં વપરાયેલ હથિયારને રિકવર કરવા માટે નાનપારા વિસ્તારમાં પહોંચી હતી, પોલીસે નાનપારા કોતવાલી વિસ્તારમાં હાંડા બસહેરી નહેર પાસે આરોપીઓને ઘેરી લીધા હતા. ત્યારે મોહમ્મદ સરફરાઝ ઉર્ફે રિંકુ અને મોહમ્મદ તાલિબ ઉર્ફે સબલુએ હત્યામાં વપરાયલ હથિયાર(બંદૂક) લોડ કરીને રાખેલ હતું, અને તેના દ્વારા પોલીસ પર ફાયરીંગ પણ કર્યું હતું. સ્વબચાવમાં પોલીસે પણ ગોળીબાર કર્યો હતો, જેમાં બંને આરોપીઓ ગોળી વાગતા ઘાયલ થયા હતા. અમે તમામ 5 આરોપીઓની ધરપકડ કરી લીધી છે…અન્ય આરોપીઓની શોધ ચાલુ છે…. ઘાયલ આરોપીઓની સારવાર ચાલુ છે અને તેઓ જીવિત છે. “
પોલીસ ઘટનાસ્થળેથી ઈજાગ્રસ્ત બંને આરોપીઓને હોસ્પિટલમાં લઈ ગઈ હતી. નાનપારા સામુદાયિક આરોગ્ય કેન્દ્રના ડૉક્ટરે કહ્યું- બંનેને પગમાં ગોળી વાગી છે. બંનેની હાલત ઠીક છે. ગોળી હજુ પણ તેના પગમાં ફસાયેલી છે. ત્યારબાદ તેમને બહરાઈચ મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોની ટીમ તેમની સારવાર કરી રહી છે.
અમે પોલીસ અને યોગીજીની કાર્યવાહીથી સંતુષ્ટ છીએ
હિંસામાં માર્યા ગયેલા રામ ગોપાલ મિશ્રાના પિતાએ કહ્યું કે અમે પોલીસની કાર્યવાહી અને યોગીજીની કાર્યવાહીથી સંતુષ્ટ છીએ. અમે યોગીજીનો આભાર માનીએ છીએ. હું જીવનભર તેમનો આભારી રહીશ.
CM યોગીને એન્કાઉન્ટર અપડેટ જણાવાયું
લખનૌમાં ADG ઓફિસમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની બેઠક યોજાઈ રહી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જણાવવામાં આવ્યું છે કે બહરાઇચ હિંસાના આરોપીઓ પોલીસ એન્કાઉન્ટરમાં ઘાયલ થયા છે તે પણ કહેવામાં આવ્યું છે કે બહરાઇચ હિંસાના તમામ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સીએમ યોગીએ અધિકારીઓને બહરાઈચમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા સૂચના આપી છે.
આ એન્કાઉન્ટર અંગે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બહરાઈચ હિંસામાં મૃત્યુ પામનાર રામગોપાલ મિશ્રાની હત્યામાં બંને આરોપીઓ સામેલ હતા. આ બંનેએ જ સાથીઓ સાથે મળીને રામગોપાલ પર ગોળીઓ વરસાવી હતી. આ ઘટનાના કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં અબ્દુલ હમીદના ધાબા પર ચારથી પાંચ લોકો જોવા મળી રહ્યા છે. આ જ ધાબા પર રામગોપાલને ગોળી મારવામાં આવી હતી.
હિંસાના પાંચમા દિવસે રામ ગોપાલને ગોળી મારવાનો નલો વીડિયો સામે આવ્યો
રામ ગોપાલ મિશ્રાનો એક નવો વીડિયો ગુરુવારે સામે આવ્યો છે. છત પર ધ્વજ ફરકાવ્યા બાદ રામ ગોપાલ બીજો ધ્વજ લપેટી રહ્યા દેખાય છે. આ દરમિયાન, સામેથી એક ગોળી મારવામાં આવે છે, જે તેમની છાતીમાં વાગી હતી. તેઓ નીચે પડી જાય છે. વીડિયોમાં બાળકોની બુમો સંભળાય છે – મર ગયા…મર ગયા, ભાગ..ભાગ. વીડિયો જોઈને લાગે છે કે તેને સામેના ટેરેસ પરથી બનાવવામાં આવ્યો છે.