રેલવેમાં ટ્રેન ટિકિટ બુકિંગ કરાવતા પહેલા હાલ લોકોને 120 દિવસનો સમય મળતો હતો. જે હવે માત્ર 60 દિવસ મળશે.
ભારતીય રેલ્વેમાં મુસાફરી કરતા મુસાફરો માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
ભારતીય રેલવેએ એડવાન્સ ટિકિટ બુકિંગના નિયમોમાં ફેરફાર કર્યો છે. 1 નવેમ્બર 2024થી ટ્રેનોમાં એડવાન્સ ટિકિટ બુકિંગ મુસાફરીનાં 60 દિવસ પહેલા જ કરી શકાશે. અત્યારે મુસાફરી કરવાનાં 120 દિવસ પહેલા ટિકિટ બુકિંગ કરી શકાય છે. જે 1 નવેમ્બર પછી 60 દિવસ કરવામાં આવ્યા છે. આમ 1 નવેમ્બર પછી લોકો 120 દિવસ પહેલા નહીં પરંતુ 60 દિવસ પહેલા જ ટ્રેનની ટિકિટ બુક કરાવી શકશે.
ભારતીય રેલવેએ ટિકિટ બુકિંગનો સમય ઘટાડી દીધો છે. હવે ટિકિટ બુકિંગનો સમયગાળો 60 દિવસનો નિર્ધારિત કરવામાં આવ્યો છે. રેલ્વે મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલ નોટિફિકેશન પ્રમાણે, 1 નવેમ્બર, 2024થી ટ્રેનોમાં એડવાન્સ રિઝર્વેશન માટેની વર્તમાન સમય મર્યાદા 120 દિવસથી ઘટાડીને 60 દિવસ કરવામાં આવશે. જોકે, એડવાન્સ ટ્રેન ટિકિટ બુકિંગ માટેના નવા નિયમોની પહેલાથી બુક થયેલી ટિકિટ પર કોઈ અસર નહીં થાય.
ભારતીય રેલ્વે દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, અમુક દિવસની એક્સપ્રેસ ટ્રેનો – જેમ કે તાજ એક્સપ્રેસ, ગોમતી એક્સપ્રેસ વગેરે – જ્યાં એડવાન્સ રિઝર્વેશન માટેની ટૂંકી સમય મર્યાદા હાલમાં લાગુ છે તેવા કિસ્સામાં નિયમોમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. આ ઉપરાંત વિદેશી પર્યટકો માટે રાખવામાં આવેલી 365 દિવસની મર્યાદામાં પણ કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.
IRCTC એ તાજેતરમાં ઘણા ફેરફારો કર્યા છે, જેમાં દરેક પેસેન્જરને કન્ફર્મ બર્થ મળે તેની ખાતરી કરવા માટે આગામી પાંચથી છ વર્ષમાં ટ્રેનોમાં વેઇટિંગ લિસ્ટની લાંબા સમયથી ચાલતી સમસ્યાને દૂર કરવાની યોજનાનો સમાવેશ થાય છે.
એક રેલવે સુપર એપ લોન્ચ કરવાની પણ યોજના છે, જેમાં પેસેન્જર ટિકિટ બુકિંગથી લઈને મુસાફરીના આયોજન સુધીની સેવાઓ હશે. રેલવે એઆઈ સક્ષમ કેમેરા લગાવવાની પણ યોજના ધરાવે છે. આ સાથે, ખાદ્યપદાર્થોની ગુણવત્તા પર દેખરેખ રાખવાની સાથે, ટ્રેનની ઓક્યુપન્સી પર પણ નજર રાખવામાં આવશે.