કેન્દ્રીય કર્મચારીઓને દિવાળી ભેટ: કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો કર્યો

D.A.

દિવાળી પહેલા જ મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓને મળનારા મોંઘવારી ભથ્થા(DA)માં 3%નો વધારો કર્યો છે. આજે મળેલી કેબિનેટની બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું એટલે કે DA વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

મળેલી માહિતી મુજબ, કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું જે પહેલા 50% હતુ તેમાં 3 ટકાનો વધારો થતા હવે તે વધીને 53% થઈ ગયું છે. લગભગ 52 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 60 લાખ પેન્શનરોને આનો લાભ મળશે. આ મોંઘવારી ભથ્થામાં વધારો થયો તે 1 જુલાઈ 2024થી લાગુ થશે. જેથી દરેક કર્મચારીઓને 3 મહિલાનું એરિયર્સ મળશે.

ઉલ્લેખનિય છે કે, સરકારી કર્મચારીઓને વધતી મોંઘવારીથી રાહત આપવા માટે મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે જાન્યુઆરી અને જુલાઈમાં બે વખત ડીએ વધારો જાહેર કરવામાં આવે છે. જાન્યુઆરીથી લાગુ થતા ડીએની જાહેરાત માર્ચમાં હોળીની આસપાસ અને જુલાઈથી લાગુ થતા ડીએની જાહેરાત સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં કરવામાં આવે છે. આ પછી કર્મચારીઓને પગાર વધારાની સાથે એરિયર પણ આપવામાં આવે છે. આ વર્ષે જુલાઈથી લાગૂ થતું ડીએ બાકીના વર્ષની સરખામણીમાં મોડું થયું છે. આ પહેલા માર્ચ મહિનામાં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો.