ઓક્ટોબર મહિનાના પગાર તેમજ પેન્શનની એડવાન્સ ચુકવણી તારીખ 23 થી 25 ઓક્ટોબર દરમ્યાન થઈ જશે
રાજ્ય સરકારના કર્મચારી અને પેન્શનરો દિવાળીનો તહેવાર ધામધુમથી અને આનંદ ઉલ્લાસથી ઉજવી શકે તે માટે રાજ્ય સરકારે મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
આ વર્ષે દિવાળીના તહેવારો ઓક્ટોબર મહિનાની આખર અને નવેમ્બર મહિનાના પ્રારંભે આવતા હોવાને ધ્યાનમાં લઈને, રાજ્ય સરકારના કર્મચારીઓને મળતા માસિક પગાર તેમજ પેન્શનર્સને પેન્શનની રકમની ચુકવણી એડવાન્સમાં કરવાનો નિર્ણય ગુજરાત સરકારે કર્યો છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અંગે નાણાં વિભાગને આપેલા દિશાનિર્દેશ અનુસાર રાજ્ય સરકારના કર્મચારીઓ, પેન્શનર્સને ઓક્ટોબર મહિનાનો પગાર અને પેન્શન તારીખ 23 થી 25 ઓક્ટોબર દરમિયાન એડવાન્સ કરવામાં આવશે.
મુખ્યમંત્રી સમક્ષ વિવિધ કર્મચારીમંડળો, એસોસિયેશન અને અગ્રણીઓની આ સંદર્ભમાં મળેલી રજૂઆતનો સકારાત્મક પ્રતિસાદ આપતાં તેમણે ઓક્ટોબર-2024નાં પગાર-પેન્શન એડવાન્સમાં ચૂકવવાનો આ નિર્ણય કર્યો છે.