તમામ ધમકીઓ એક જ વ્યક્તિ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આપવામાં આવી હતી
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા એક પછી એક એમ 5 ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી હતી. જેમાંથી 4 ફ્લાઈટે ભારતમાંથી ઉડાન ભરી હતી. ફ્લાઈટ્સમાં બોમ્બ હોવાની માહિતી મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓએ એલર્ટ જાહેર કરીને તમામ ફ્લાઈટ્સનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું. જોકે, ફ્લાઈટ્સમાં હજુ સુધી કંઈ શંકાસ્પદ મળી આવ્યું નથી.
તપાસમાં જાણવા મળ્યું છે કે તમામ ધમકીઓ એક જ વ્યક્તિ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આપવામાં આવી હતી. જેના કારણે હજારો મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, બાદમાં આ ધમકીઓ ખોટી હોવાનું બહાર આવ્યું હતું.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પાંચ વિમાનોને ધમકી આપવામાં આવી, જેમાં એર ઈન્ડિયા એક્સપ્રેસની જયપુરથી અયોધ્યા થઈને બેંગાલુરૂ જનારી ફ્લાઈટ (IX765), સ્પાઈસજેટની દરભંગાથી મુંબઈ જનારી ફ્લાઈટ (SG116), અકાસા એરની સિલીગુડીથી બેંગાલુરૂ જનારી (QP 1373) અને એર ઈન્ડિયાની દિલ્હીથી શિકાગો જનારી ફ્લાઈટ (AI 127) સામેલ હતી. આ સિવાય અન્ય એક ફ્લાઈટને પણ ધમકી મળી હતી.
એર ઈન્ડિયાની દિલ્હીથી શિકાગો જતી ફ્લાઈટને પણ ધમકી મળી હતી. ધમકી મળ્યા બાદ તેને કેનેડા ડાયવર્ટ કરવામાં આવી હતી. ફ્લાઈટ કેનેડાના ઈક્લુઈટ એરપોર્ટ પર લેન્ડ થઈ હતી. જ્યાં મુસાફરો અને તેમના સામાનની તપાસ કરવામાં આવી હતી. ફ્લાઈટ 24 રડાર મુજબ, વિમાને આજે સવારે 3 વાગ્યે દિલ્હીથી ટેકઓફ કર્યું હતું અને સાંજે 4:30 વાગ્યે શિકાગો પહોંચવાનું હતું.
આ અંગે એક અધિકારીએ જણાવ્યું હતું કે, ’15 ઓક્ટોબર, 2024ના રોજ એરક્રાફ્ટ AI 127એ દિલ્હીથી શિકાગો માટે ઉડાન ભરી હતી. સુરક્ષા ખતરા અંગે એક મેઈલમાં ઓનલાઈન પોસ્ટ કરાઈ હતી. ત્યાર પછી સાવચેતીના ભાગરૂપે તેને કેનેડાના ઈકાલુઈટ એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યું હતું.’