દરેક પ્રશ્ન પત્રમાં 15 મિનિટનો સમય વધુ ફાળવવામાં આવશે.
રાજ્યના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે (GSHSEB)એ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. 27 ફેબ્રુઆરી 2025થી બોર્ડની પરીક્ષા શરુ થશે અને 13 માર્ચ 2025 સુધી યોજાશે..
ગુજરાત સેકેન્ડરી એન્ડ હાયર સેકેન્ડરી એજ્યુકેશન બોર્ડે (GSHSEB)એ વર્ષ 2025 માટે ધોરણ-10(SSC) અને ધોરણ-12 (HSC) વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ સહિતની બોર્ડની પરીક્ષાની તારીખની જાહેરાત કરી છે. જેમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આગામી 27 ફ્રેબુઆરીથી 13 માર્ચ દરમિયાન યોજાશે.
આ પરીક્ષાનો કાર્યક્રમ બોર્ડની વેબસાઇટ www.gseb.org ઉપર મૂકવામાં આવ્યો છે.
દર વર્ષે બોર્ડની પરીક્ષા 15 માર્ચથી શરૂ કરવામાં આવે છે. પરંતુ ચાલુ વર્ષે 15 દિવસ વહેલી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ધોરણ 10ની અને 12ની સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા પણ 27 ફેબ્રુઆરીથી 10 માર્ચ સુધી યોજાશે. જ્યારે ધોરણ 12ની સામાન્ય પ્રવાહ અને ઉ.ઉ.બુ પ્રવાહની 13 માર્ચ સુધી યોજાશે.
દરેક પ્રશ્ન પત્રમાં 15 મિનિટનો સમય વધુ ફાળવવામાં આવશે. વિદ્યાર્થીને ઉત્તરવહી ઉપરની વિગતો ભરવા માટેની શરૂઆતની પાંચ મિનિટ અને પ્રશ્નપત્ર વાંચવા માટે 10 મિનિટ ફાળવવામાં આવશે. અને જવાબ લખવા માટે નિયમ મુજબ 1 કલાકથી 3 કલાક સુધીનો સમય રહશે.
ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનો સમય 10થી 1.15 સુધીનો રહેશે. જ્યારે ધોરણ 12નો સમય 3થી 6.15 સુધીનો રહેશે. ધોરણ 10ના વોકેશનલ કોર્સ સિવાયના તમામ વિષયોના પ્રશ્નોપત્રો 80 ગુણના રહેશે.
પ્રથમ પરીક્ષાના દિવસે વિદ્યાર્થીઓએ પરીક્ષા સેન્ટર પર શરૂ થવાના 30 મિનિટ પહેલાં પહોંચવાનું રહેશે. બાકીના દિવસોએ 20 મિનિટ અગાઉ રહેવાનું રહેશે.
ગુજકેટ 2025ની પરીક્ષાની તારીખ પણ જાહેર કરાઈ છે. શિક્ષણ વિભાગે વર્ષ 2025 માટે રાજ્યમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પછી ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ A, ગ્રુપ B અને ગ્રુપ A-Bના વિદ્યાર્થીઓની ગુજકેટની પરીક્ષા 23 માર્ચ 2025ના રવિવારના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા યોજવામાં આવશે. 23 માર્ચ 2025ના રવિવારના રોજ સવારે 10 વાગ્યાથી બપોરના 4 વાગ્યા દરમિયાન જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે યોજાશે.
પરીક્ષાર્થીઓ આ અગત્યની સૂચના વાંચીને જવી
- પરીક્ષાર્થીઓએ પોતે જે માધ્યમમાં ઉત્તરો લખવાનાં છે તે ભાષાના કોડ નંબર તેમજ લીધેલા વિષયોના કોડ નંબર તથા તે વિષયોની પરીક્ષાની તારીખ, વાર, સમય બાબતે પોતાની શાળામાંથી સંપૂર્ણ માર્ગદર્શન મેળવી લેવું.
- પરીક્ષાર્થીએ પોતાની મુખ્ય ઉત્તરવહી ઉપર વિષયના નામની આગળ પ્રશ્નપત્રમાં દર્શાવેલ વિષય કોડ નંબર અવશ્ય લખવો, પરંતુ ઉત્તરવહીના મુખ્ય પાના ઉપર કોઈ પણ પ્રકારની ઓળખ નિશાની કરવી નહીં.
- પરીક્ષાના પ્રથમ દિવસે પરીક્ષાર્થીઓએ પરીક્ષા શરૂ થવાના 30 મિનિટ અગાઉ પરીક્ષા સ્થળે અચૂક પહોંચી જવું. બાકીના દિવસોએ પરીક્ષા શરૂ થવાના 20 મિનિટ અગાઉ હાજર રહેવું.
- પ્રશ્નપત્રને લગતું કોઈ પણ સાહિત્ય, પુસ્તક, ગાઈડ, ચાર્ટ તેમજ મોબાઇલ ફોન, ડિજિટલ થડિયાળ જેવા ઇલેક્ટ્રોનિક સાધનો વગેરે પરીક્ષા સ્થળ અને પરીક્ષાખંડમાં લઈ જવાની મનાઈ છે. પરંતુ માત્ર ધોરણ 12 માટે સાદુ કેલ્ક્યુલેટર સાથે લઈ જવાની છૂટ રહેશે. તેમ છતાં પરીક્ષાર્થી પાસે પરીક્ષા શરૂ થયા બાદ નિરીક્ષણ દરમિયાન કોઈ પણ સાહિત્ય મળશે, તો તેમની સામે ગેરરીતિનો કેસ નોંધવામાં આવશે અને શિક્ષાને પાત્ર જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. પરીક્ષાખંડમાં પ્રવેશિકા સિવાય કોઈ પણ પ્રકારનું હાથે લખેલું કે છાપેલું સાહિત્ય પરીક્ષાર્થી પાસેથી મળશે તો ગેરરીતિનો કિસ્સો નોંધવા માટે તેને પૂરતા પુરાવા માનવામાં આવશે તેની ખાસ નોંધ લેવી.
- પરીક્ષાના આ કાર્યક્રમમાં જે વિષય/વિષયોનો સમાવેશ કરેલ છે તે પૈકી શાળાના કોઈ વિદ્યાર્થીને 3 કલાકના નક્કી કરેલ એક જ સમયે (એક જ સેશનમાં) એક કરતાં વધુ વિષયોની પરીક્ષા આપવાની થતી હોય અથવા કોઈ વિષય/વિષયોનો આ કાર્યક્રમમાં સમાવેશ થયેલ ન હોય તો આ બાબતની શાળાના રેકર્ડ સાથે ચકાસણી કરી શાળાએ જૂથ યોજના મુજબના જ વિષયો આવેદનપત્રોમાં દર્શાવલ હોય તો બોર્ડની કચેરીને તાત્કાલિક લેખિત જાણ કરવી. પરીક્ષા બાદ કોઈ રજૂઆત ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
- સામાન્ય પ્રવાહના સંગીત પ્રાયોગિક (147) વિષયની પ્રાયોગિક પરીક્ષા શાળાઓ દ્વારા લેવાની રહેશે અને તેના ગુણ શાળાઓએ ON LINE તા. 21-02-2025 સુધીમાં બોર્ડને મોકલી આપવાના રહેશે.
- વ્યવસાયલક્ષી પ્રવાહના કૃષિ, કોમર્સ, ગૃહ વિજ્ઞાન અને તાંત્રિક જૂથના પ્રાયોગિક પરીક્ષાના વિષયોની પ્રાયોગિક તથા ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહના પ્રાયોગિક પરીક્ષાના વિષયોની પરીક્ષાઓ સંબંધિત શાળાઓ દ્વારા લેવામાં આવશે. આવી શાળાઓ પોતાની શાળાના પરીક્ષાર્થીઓને તા. 31-01-2025 સુધીમાં કાર્યક્રમની જાણ કરવાની રહેશે. તેના ગુણ પણ શાળાઓએ ON LINE તા. 21-02-2025 સુધીમાં બોર્ડને મોકલી આપવાના રહેશે.
- સિંધી ભાષાના પ્રશ્નપત્ર (005) વિષય કોડના પ્રશ્નપત્રના ઉત્તરો સિંધી દેવનાગરી અથવા સિંધી એરેબિક લિપિમાં લખી શકાશે.
- તમામ પ્રવાહોના કમ્પ્યૂટર અધ્યયન વિષયની પ્રાયોગિક પરીક્ષા સંબંધિત શાળા દ્વારા લેવામાં આવશે. શાળાઓએ તેની જાણ વિદ્યાર્થીને કરવાની રહેશે. તેના ગુણ પણ શાળાઓએ ON LINE તા. 21-02-2025 સુધીમાં બોર્ડને મોકલી આપવાના રહેશે.
- ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર સંગીત સૈદ્ધાંતિક (146) વિષયની પરીક્ષાનો સમય 10-30 થી 12-45 નો રહેશે.
- ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર કમ્પ્યૂટર અધ્યયન (331) વિષયની સૈદ્ધાંતિક પરીક્ષા OMR જવાબવહીથી લેવાશે. જેનો સમય 3-00 થી 5-15 નો રહેશે.
- ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર હેલ્થકેર (401), રીટેઇલ (403), બ્યુટી ઍન્ડ વેલનેસ (405), એપ્રિકલ્ચર (409), અપેરલ એન્ડ મેડએપ હોમ ફર્નિશિંગ (411), ઓટોમોટિવ (413), ઈલેક્ટ્રોનિક્સ એન્ડ હાઈવર (415), ટુરિઝમ એન્ડ હોસ્પિટાલિટી (417) વિષયની પરીક્ષાનો સમય 10-30 થી 11-45 નો રહેશે.
- દરેક પ્રશ્નપત્રમાં 15 મિનિટનો સમય વધુ ફાળવવામાં આવશે. જે દરમિયાન ઉમેદવારે ઉત્તરવહી ઉપરની વિગતો ભરવા માટે શરૂઆતની 05 મિનિટ અને 10 મિનિટ પ્રશ્નપત્ર વાંચવા માટે ફાળવવામાં આવશે અને ઉત્તરો લખવા માટે નિયમોનુસાર સમય 1 કલાક / 2 કલાક / 3 કલાક આપવામાં આવશે.