હરિયાણામાં હાર પર I.N.D.I.A ગઠબંધનના નેતાઓની પ્રતિક્રિયાઃ શિવસેનાએ કહ્યુંઃ કોંગ્રેસ જાણે છે કે જીતને હારમાં કેવી રીતે ફેરવવી, TMCએ કહ્યુંઃ કોંગ્રેસની હારનું કારણ અભિમાન છે

shivsena-tmc-congress

હરિયાણામાં કોંગ્રેસની હાર પર પ્રતિક્રિયા આપતા રાહુલ ગાંધીએ કહ્યું કે “હરિયાણાનાં પરિણામ ખૂબ જ અણધાર્યાં છે”

લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ જમ્મુ-કાશ્મીરમાં I.N.D.I.A ગઠબંધનની જીત પર લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. રાહુલે બુધવારે હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો પર પ્રતિક્રિયા આપતા X પર એક પોસ્ટ કરી કહ્યું કે હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો અણધાર્યાં છે. ‘અમે હરિયાણાના અણધાર્યા પરિણામનું વિશ્લેષણ કરી રહ્યા છીએ. અનેક વિધાનસભા મતવિસ્તારોમાંથી ફરિયાદો આવી રહી છે. અમે આ અંગે ચૂંટણી પંચને જાણ કરીશું. અમે અધિકારો, સામાજિક અને આર્થિક ન્યાય અને સત્ય માટે આ સંઘર્ષ ચાલુ રાખીશું.

હરિયાણામાં કોંગ્રેસની હાર પર I.N.D.I.A ગઠબંધનના અનેક નેતાઓએ કોંગ્રેસની નીતિ પર સવાલ ઉઠાવ્યા છે. શિવસેના(ઉદ્ધવ જૂથ)એ તેના મુખપત્ર સામનાના તંત્રીલેખમાં લખ્યું છે કે કોંગ્રેસ જાણે છે કે જીતને હારમાં કેવી રીતે બદલવી. ટીએમસી નેતા સાકેત ગોખલેએ કોંગ્રેસનું નામ લીધા વિના કહ્યું કે ઘમંડ(અભિમાન) અને પ્રાદેશિક પક્ષોની અવગણના કરવી એ હારનું કારણ બન્યું. નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે કોંગ્રેસે હરિયાણામાં પોતાની હારના કારણો શોધવા માટે મંથન કરવું પડશે.

ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે મેં પહેલેથી જ કહ્યું છે કે અમે આ એક્ઝિટ પોલ પર વિશ્વાસ કરીને અમારો સમય બગાડી રહ્યા છીએ. એક્ઝિટ પોલ આટલા ખોટા હશે એવું કોઈએ વિચાર્યું પણ નહીં હોય.

હરિયાણા ચૂંટણીનાં પરિણામો બાદ કોંગ્રેસના નેતાઓ પવન ખેડા અને જયરામ રમેશે પ્રેસ-કોન્ફરન્સ કરી ચૂંટણીપંચ પર આરોપ લગાવ્યો અને કહ્યું હતું કે આ લોકતંત્રની નહીં, પણ સિસ્ટમની જીત છે. પાર્ટી પરિણામ સ્વીકારતી નથી. હરિયાણાનાં પરિણામો ખૂબ જ અણધાર્યાં છે, અમે તેને સ્વીકારી શકીએ નહીં.

ઉલ્લેખનિય છે કે, વિધાનસભા ચૂંટણીમાં 48 બેઠક જીતીને ભાજપ સત્તા જાળવી રાખવા અને સતત ત્રીજી વખત સરકાર બનાવવા માટે તૈયાર છે, જ્યારે કોંગ્રેસને 37 બેઠક મળી છે.