હરિયાણાના પરિણામોને નકારવાના કોંગ્રેસના નિવેદનોને ચૂંટણી પંચે વાણી સ્વાતંત્ર્યનો દુરુપયોગ ગણાવ્યો

election-commission-of-india

કોંગ્રેસના નિવેદનોથી ચૂંટણી પંચ નારાજ, કહ્યુંઃ આવું પહેલાં ક્યારેય નથી બન્યું

કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામોનો અસ્વિકાર કર્યો હતો. ચૂંટણી પંચે બુધવારે કોંગ્રેસ નેતાઓનાં નિવેદનોને વાણી સ્વાતંત્ર્યનો દુરુપયોગ ગણાવ્યો હતો. કમિશને કહ્યું કે દેશના સમૃદ્ધ લોકતાંત્રિક ઈતિહાસમાં આ પ્રકારના નિવેદનો પહેલા ક્યારેય નથી થયા.

હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 ના પરિણામો જાહેર થયા બાદ મંગળવારે કોંગ્રેસે તેને સંપૂર્ણ રીતે નકારી દીધા હતા. રાજ્યમાં તેની હાર બાદ કોંગ્રેસે કહ્યું કે તે વિધાનસભા ચૂંટણીના પરિણામોને સ્વીકારશે નહીં. હવે કોંગ્રેસના આ નિવેદન પર ચૂંટણી પંચે કડક વલણ અપનાવ્યું છે અને બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખ્યો છે. ચૂંટણી પંચે પોતાના પત્રમાં હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામોને નકારી કાઢતા કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓના નિવેદનોને વાણી સ્વાતંત્ર્યનો દુરુપયોગ ગણાવ્યો હતો. પંચે કહ્યું કે દેશના સમૃદ્ધ લોકતાંત્રિક ઈતિહાસમાં આ પ્રકારના નિવેદનો પહેલા સાંભળવા મળ્યા નથી અને આ વાણી સ્વાતંત્ર્યની પણ બહાર છે.

કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને લખેલા પત્રમાં પંચે સ્પષ્ટતા કરી છે કે પાર્ટીના નેતાઓ જયરામ રમેશ અને પવન ખેરાની ટિપ્પણીઓ લોકોની ઇચ્છાને અલોકતાંત્રિક રીતે અસ્વીકાર કરવા તરફ લઈ જાય છે. પંચે કહ્યું કે તેણે ખડગે અને રાહુલ ગાંધીના નિવેદનોની નોંધ લીધી છે, જેમાં હરિયાણાના પરિણામોને અણધાર્યા ગણાવ્યા છે.

તમને જણાવી દઈએ કે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામોને અણધાર્યા ગણાવતા કહ્યું કે, વિધાનસભા મતવિસ્તારોમાંથી આવી રહેલી ફરિયાદોની જાણકારી ચૂંટણી પંચને આપવામાં આવશે. તેમણે પાર્ટીના અન્ય નેતાઓ સાથે ચૂંટણી પંચનો સંપર્ક કરવાનો પણ પ્રસ્તાવ મૂક્યો હતો.

પંચે કોંગ્રેસના નેતાઓની ફરિયાદ સાંભળવા માટે 12 સભ્યોના પ્રતિનિધિમંડળની બેઠક માટે સમય આપ્યો છે, જેમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સામેલ હશે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, “ચૂંટણી પરિણામો પર પક્ષ પ્રમુખનું નિવેદન પક્ષનું ઔપચારિક વલણ છે તે ધ્યાનમાં રાખીને, ચૂંટણી પંચ આજે સાંજે 6 વાગ્યે પ્રતિનિધિમંડળને મળવા માટે સંમત થયું છે.”

નોંધનીય છે કે ચૂંટણી પંચ સાથેની આ બેઠક કોંગ્રેસે હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામોને ફગાવી દીધાના એક દિવસ બાદ થવા જઈ રહી છે. આ પ્રતિનિધિમંડળમાં કોંગ્રેસના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ, મહાસચિવ જયરામ રમેશ, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત, પાર્ટીના કોષાધ્યક્ષ અજય માકન, હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા સહિત અનેક અગ્રણી નેતાઓ સામેલ થશે.