શિક્ષણના ધામમાં જ દીકરીઓ સલામત નથી, આશ્રમમાં ભણતી બાળાઓને અવાર-નવાર પોતાના અંગત કામ માટે બોલાવી તેમની સાથે અડપલાં કરતો હતો
ગુજરાતમાં શાળામાં બાળકીઓ સાથે છેડતી, શારીરિક શોષણના કિસ્સાઓ દિનપ્રતિદિન વધી રહ્યા છે. હજુ થોડા દિવસ પહેલા દાહોદની પ્રાથમિક શાળાના હવસખોર આચાર્યે દુષ્કર્મના પ્રયાસમાં 6 વર્ષની માસૂમ બાળકીની હત્યા કરી નાખી હતી. ત્યારે હવે સુરતના માંડવીમાં આશ્રમશાળાના આચાર્ય દ્વારા વિદ્યાર્થિનીઓ સાથે શારીરિક અડપલા કર્યા હોવાની ઘટના સામે આવી છે. પોલીસે લંપટ આચાર્યની ધરપકડ કરી છે. અને તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, સુરતના માંડવી તાલુકાની નરેણ આશ્રમ શાળામાં યોગેશ નાથુભાઈ પટેલ(રહે.કબીલપોર, નવસારી) વર્ષ 2003 થી શિક્ષક તરીકે જોડાયો હતો અને વર્ષ 2013 થી આચાર્ય તરીકે ફરજ બજાવે છે. તેમના પર આક્ષેપ છે કે તેઓ આશ્રમ શાળામાં ભણતી વિદ્યાર્થીનીઓને પોતાના અંગત કામ માટે તેમજ દવા પીવા માટે રુમમાં બોલાવતા હતા અને તે દરમ્યાન તેમની સાથે શારીરિક અડપલાં કરતા હતા.
વિદ્યાર્થીનીઓએ આ અંગે અન્ય શિક્ષિકાઓને તેમજ ગૃહમાતાને જાણ કરી હતી. શિક્ષિકા પણ આ સમગ્ર ઘટનાક્રમ સાંભળીને અવાક થઈ ગઈ. ત્યારબાદ શિક્ષિકાએ આ વાત ગાંધીનગર શિક્ષણ વિભાગ સુધી પહોંચાડી. વાત ખૂબ જ ગંભીર હોવાથી શિક્ષણ વિભાગે સહેજ પણ વિલંબ કર્યા વગર એક્શન લઈ આ ઘટના અંગે ઊંડાણપૂર્વકની તપાસ કરવાનો નિર્ણય લેવાયો.
તપાસ કરતા જાણવા મળ્યું કે નરેણ આશ્રમશાળામાં ચાલતી ઘટનાઓ વિશે માહિતી મળી હતી તે સાચી હતી. મહિલા અધિકારી દ્વારા સ્કૂલમાં વિદ્યાર્થિનીઓનો સંપર્ક કરતા વિદ્યાર્થિનીઓએ આચાર્ય દ્વારા કઈ રીતે સેક્સ્યૂઅલ હેરેસમેન્ટ કરવામાં આવતું હતું એ અંગે તમામ બાબતોથી માહિતગાર કર્યા.
શાળામાં ધોરણ 6, 7 અને 8માં ભણતી 80 જેટલી દીકરીઓ સાથે વાતચીત કરતાં માલૂમ પડ્યું છોકરીઓ સાથે છેડતી થયેલી લાગે છે. આ બાળકીઓએ કહ્યું કે જ્યારે તે દવા આપે ત્યારે એકલા બોલાવી છાતી અને કમર પર ક્યારેક હાથ ફેરવે છે. આચાર્યે એક છોકરીને કિસ કરી હોવાની પણ ફરિયાદ કરવામાં આવી છે.
લેખિત-મૌખિક 35 જેટલી વિદ્યાર્થિનીનાં નિવેદન લીધેલાં છે. અલગ અલગ બાળકીઓએ એવું જ કહ્યું કે દવા લેવા જઈએ એટલે અમને ગળા અને છાતીમાં હાથ ફેરવે છે. કોઈએ એમ કહ્યું કે અમને જાંગ પર ગૂમડા જેવું થયેલું તો કપડાં ઊંચાં કરીને જોયેલું. પછી અમને કમરમાં હાથ ફેરવે છે. એક-બે છોકરીઓને પોતાના રૂમમાં બોલાવતો હતો. જે છોકરીને રૂમમાં બોલાવતા હતા તેણે કહ્યું તે મને કિસ કરે છે. એવી પણ છોકરીઓએ ફરિયાદ કરી છે જ્યારે તેઓ નાહવા જતી હતી ત્યારે સર અમને ચોરીછૂપીથી જુએ છે. હાઈ લેવલ પર રિપોર્ટ મોકલી આપેલો છે. આચાર્ય વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.’
પોલીસે 6 ઓક્ટોબરના રોજ આચાર્ય યોગેશ પટેલની ધરપકડ કરી છે. લંપટ આચાર્યને આજે પોલીસ રિમાન્ડ માટે લઈ જશે. પોલીસ તપાસમાં લંપટ આચાર્યના રૂમમાં ખુરશીઓ, ફ્રીઝ, દવાઓના ડબ્બાઓ તથા આચાર્યના આંતરવસ્ત્રો સહિત અનેક વસ્તુઓ વેર વિખેર હાલતમાં જોવા મળી હતી.
વિદ્યાર્થિનીઓ સાથે માત્ર શારીરિક છેડતી થઈ છે કે કોઈની સાથે દુષ્કર્મ જેવી ઘટના પણ બની છે એ અંગે હવે પોલીસ તપાસ કરશે. હાલ પોલીસ દ્વારા પીડિતાઓ અને વાલીઓનાં નિવેદન લેવામાં આવ્યાં છે તેમજ શિક્ષકો સાથે પણ વાતચીત કરીને તેમનાં નિવેદન સત્તાવાર રીતે નોંધી લેવામાં આવ્યાં છે.
ઉલ્લેખનીય છે કે આજ આશ્રમશાળામાં 23 વર્ષ પહેલા પણ પ્રિન્સીપાલ વિરુદ્ધ વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ કરવાની ફરિયાદ નોંધાઈ ચુકી છે. ત્યારે વિદ્યાર્થિનીઓની છેડતી બાભતે ફરી આશ્રમશાળા વિવાદમાં આવી છે.