વડોદરા ગેંગરેપ કેસનાં પાંચેય આરોપીઓની ધરપકડ, ત્રણ આરોપીઓ વિધર્મી હોવાનો ખૂલાસો

vadodara-gangrap-aaropi

ધરપકડ બાદ આરોપીઓને મેડિકલ તપાસ માટે સ્ટ્રેચર પર હૉસ્પિટલ લઈ જવા પડ્યા
45 કિ.મીના 1100 સીસીટીવી ચેક કરીને આ પાંચેય આરોપીઓને ઝડપી પાડ્યા

નવરાત્રિના બીજા દિવસે ભાયલીમાં સગીરા પર થયેલ સામૂહિક દુષ્કર્મ કેસમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આજે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. ઝડપાયેલ પાંચ આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓ વિધર્મી અને ઉત્તરપ્રદેશના હોવાનું સામે આવ્યું છે. આરોપીઓને હાલ મેડિકલ ચેકઅપ માટે સયાજી હોસ્પિટલ લઈ જવાયા છે. આરોપીઓ વિરુદ્ધ BNS અને POCSO હેઠળ ગુનો નોંધાયો છે.

ગેંગરેપ કેસમાં મુન્ના અબાસ વણજારા (ઉ.વ.27, રહે. તાંદલજા, મૂળ યુપી), મુમતાઝ ઉર્ફે આફતાબ સુબેદાર બનજારા (ઉ.વ.36, રહે. તાંદલજા, મૂળ યુપી) અને શાહરૂખ કિસ્મતઅલી બનજારા (ઉ.વ.26, રહે. તાંદલજા, મૂળ યુપી) આ ત્રણેય મુખ્ય આરોપીઓ છે. જેઓ POPના વ્યવસાય સાથે સંકળાયેલા છે. આરોપીઓને મેડિકલ તપાસ માટે વડોદરાની સયાજી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યારે આરોપીઓ બરાબર ચાલી પણ નહોતા શકતા જેથી તેમને સ્ટ્રેચર પર લઈ જવાયા હતા.

48 કલાક બાદ પોલીસને આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી છે. પોલીસે પડિતાને સાથે રાખીને આરોપીઓની ઓળખ સહિતનું વેરિફિકેશન કરી લીધુ છે. ઘટના સ્થળે પણ આરોપીઓને લઈ જવામાં આવ્યા હતા. હવે આરોપીઓનું તબીબી પરીક્ષણ સહિત અન્ય કાનુની કાર્યવાહી કરી તેમની વિધિવત ધરપકડ કરવામાં આવશે. મેડિકલ તપાસ બાદ પોલીસે કડક પૂછપરછ હાથ ધરી છે. દુષ્કર્મ આચર્યા બાદ આ આરોપીઓ ક્યા હતા, ક્યા છુપાયા હતા અને શું આયોજનબદ્ધ રીતે આ ઘટનાને અંજામ આપ્યો હતો કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.

આ આરોપીઓ વડોદરાના તાંદલજામાં રહી કડિયાકામ અને પ્લાસ્ટર ઓફ પેરિસના કામ સાથે સંકળાયેલા હોવાની વિગતો મળી છે. આરોપીઓ મૂળ યુપીના હોવાનું સામે આવતા ત્યાં તેમના વતનમાંથી પણ આ ત્રણેયનો રેકોર્ડ મગાવવામાં આવ્યો છે. આ ગુનાને જોતા ભૂતકાળમાં પણ આવી કોઈ ઘટનાને અંજામ આપ્યો છે કે કેમ તેની પણ તપાસ હાથ ધરાઈ છે. આ ગુનામાં બીજું કોઈ સંડોવાયેલું છે કે કેમ, તે અંગેના તમામ પ્રશ્નોના જવાબ શોધવા માટે ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરામાં ગેંગરેપ મામલે પોલીસ કમિશનર નરસિંમ્હા કોમારે જણાવ્યું કે શહેર ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓને ઝડપી પાડયા છે. આરોપીઓને પકડવા માટે પોલીસે ત્રણ કિમી વિસ્તારના એક હજાર ઘરોમાં તપાસ કરી હતી. 200થી વધુ પોલીસકર્મીઓ તથા વડોદરા ક્રાઇમ બ્રાન્ચે 45 કિ.મી સુધીના 1100થી વધુ સીસીટીવી ચેક કર્યા હતા. ફુટેજમાં બે બાઈક પર 5 શખ્સો દેખાયા હતા. નંબર પ્લેટના આધારે પોલીસે આ પાંચેય આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ઓપરેશનમાં વડોદરા ગ્રામ્ય પોલીસ સાથે ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ જોડાયા હતા.

તપાસ દરમિયાન ફિઝિકલ પૂરાવા પણ એકત્રિત કર્યા છે. ઘટનાસ્થળ પર સૌથી પહેલાં એક ચશ્મા મળ્યા હતા. આરોપીઓ ગેંગરેપ બાદ પીડિતાનો મોબાઈલ પણ પોતાની સાથે લઇ ગયા હતા. તેના પર ફોન કરતા તેમણે ઉઠાવ્યો અને 5થી 7 સેકન્ડ કોલ ચાલું રાખ્યો હતો. તેમાં ક્રાઈમ બ્રાન્ચ આરોપીઓ સુઘી પહોંચી હતી. બાદમા આરોપીઓ એ મોબાઇલને તોડી નાખ્યો હતો. આ કેસમાં અંદાજિત એક લાખ કોલ ટ્રેસ કર્યાં હતા. ત્રણેય આરોપીઓ પોતાનાં ઘરેથી ઝડપાયા છે. તેઓ એક કોમ્યુનિટીના અને એક સાથે પીઓપીનું કામ કરતા હતા.

સગીરા પર સામૂહિક દુષ્કર્મ બાદ આરોપીઓએ તેનો મોબાઇલ પણ લૂંટી લીધો હતો. પુત્રી મોડી રાત સુધી ઘરે નહીં આવતાં તેની માતા તેના મોબાઇલ પર સતત ફોન કરતી હતી. ત્યારે નરાધમોએ માતાનો ફોન ઉપાડ્યો હતો અને માત્ર પાંચ સેકન્ડ ચાલુ રહ્યા બાદ ફોન સ્વીચ ઑફ થઈ ગયો હતો. આ મોબાઇલ રાત્રે 1:20 મિનિટ સુધી ચાલુ હતો અને તેનું લોકેશન અટલાદરા વિસ્તારમાં જાણવા મળ્યું હતું.

ઉલ્લેખનીય છે કે આ ગેંગરેપની ઘટના સામે આવ્યા બાદ વડોદરા પોલીસની કામગીરી સામે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે અનેક સવાલ ઉઠ્યા હતા. અસામાજિક તત્વોની હિંમત એટલી હદે વધી ગઈ છે કે બળાત્કાર જેવા જઘન્ય અપરાધને અંજામ આપવામાં તેમને કાયદાનો બિલકુલ ડર સતાવતો નથી.

શું હતી સમગ્ર ઘટના?
વડોદરા શહેર નજીક આવેલા ભાયલી ગામની સીમમાં એક અવાવરું જગ્યા પર સગીરા તેના મિત્ર સાથે બેઠી હતી. તે સમયે બે બાઈક પર આવેલા પાંચ શખ્સોએ છેડતી કરી હતી. જે પૈકી ત્રણ શખ્સોએ સગીરા પર દુષ્કર્મ આચર્યુ હતુ. બે લોકોએ સગીરાના બોયફ્રેન્ડને પકડી રાખ્યો હતો અને એક શખ્સે સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ. સુમસામ રોડ પર મિત્ર સાથે બેસેલી સગીરા સાથે આ આરોપીઓ નક્લી પોલીસ બની પહેલા ધમકાવવાનું શરૂ કર્યુ હતુ અને ત્યારબાદ સગીરાને ખેંચી જઈ તેની છેડતી કરવાની શરૂ કરી હતી.