વડોદરામાં સગીરા પર થયેલા સામૂહિક દુષ્કર્મનો આજે આમ આદમી પાર્ટીએ રાજ્યભરમાં વિરોધ નોંધાવ્યો હતો. કાળાં કપડાં પહેરીને અને કાળી પટ્ટી ધારણ કરી ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માગ કરી હતી..
વડોદરામાં ગેંગરેપની ઘટના બાદ આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકરો દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, ભરૂચ સહિત રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરીને દુષ્કર્મ પીડિતાને ન્યાય અપાવવા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. આ સાથે જ કાળાં કપડાં – કાળી પટ્ટી ધારણ કરી ‘ગૃહમંત્રી તમારા રાજમાં દીકરીઓને ડર લાગે છે…’ ‘ગૃહમંત્રી શરમ કરો’ તેવા બેનર સાથે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માગ કરી હતી.
સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ભાજપ વિરુદ્ધના નારા અને બેનરો-પોસ્ટર સાથે રેલી યોજવામાં આવી હતી. વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ કહ્યું હતું કે જો તમારાથી મહિલાઓની સુરક્ષા ન થતી હોય તો તમને એ ખુરસી પર બેસવાનો કોઈ હક નથી.
સુરતમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા આમ આદમી પાર્ટીનું કહેવું છે કે, ગુજરાતમાં છેલ્લા 15 દિવસમાં સાતથી વધુ દુષ્કર્મની ઘટનાઓ બની છે. ગૃહમંત્રી મહિલાઓને સુરક્ષિત રાખવામાં તદ્દન નિષ્ફળ નિવડ્યા છે, ત્યારે તેને લઈને આમ આદમી પાર્ટીએ સુરત દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું.
વડોદરાની દીકરીને ન્યાય આપો, ગૃહમંત્રી ફાંકા ફોજદારી બંધ કરો, ગૃહમંત્રી શરમ કરો, ગૃહમંત્રી તમારા રાજમાં દીકરીઓને ડર લાગે છે, નિષ્ફળ ગૃહમંત્રીને પદભ્રષ્ટ કરો જેવાં બેનરો સાથે વિરોધ નોંધાવ્યો હતો.
રાજ્યમાં મહિલા સુરક્ષાને ળઈને અનેક સવાલો થઈ રહ્યાં છે, AAP દ્વારા અમદાવાદ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો. AAP દ્વારા રાજકોટ ખાતે પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્માબહેન પટેલની આગેવાની હેઠળ વિરોધ પ્રદર્શન કરીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.
AAP ભાવનગર દ્વારા કાર્યકારી પ્રમુખ રાજુભાઇ સોલંકીની ઉપસ્થિતિમાં કલેક્ટરને આવેદનપત્ર આપીને મુખ્યમંત્રી સુધી ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માગ કરી. આ સિવાય ભરૂચમાં પણ ગૃહમંત્રીના રાજીનામાની માગ સાથે ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.