વડોદરાના ભાયલીમાં ગેંગરેપની ઘટનાઃ મિત્ર સાથે બેસેલી સગીરા પર 3 શખ્સોએ દુષ્કર્મ આચર્યું

gangrape-vadodara

આરોપી 30 થી 35 વર્ષના હોવાનું પોલીસનું અનુમાન
આરોપીઓ હિન્દી-ગુજરાતી બન્ને ભાષામાં વાતો કરતા હતા

રાજ્યમાં નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે. લોકો ભારે શ્રદ્ધા અને ધામધૂમ પૂર્વક નવરાત્રીની ઉજવણી કરી રહ્યા છે. પોલીસ પણ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા હોવાના દાવા કરે છે. ત્યારે વડોદરા શહેરમાં એક યુવતિ પર ગેંગરેપની ઘટના સામે આવી છે. બનાવની જાણ થતાં વડોદરા તાલુકા પોલીસે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસ સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર, વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં અંદાજીત 16 વર્ષીય સગીરા તેના બાળપણના મિત્રને મળવા ઘરેથી નિકળી હતી. પીડિતા પોતાના મિત્રને રાત્રીના 11.30 વાગે લક્ષ્મીપુરા વિસ્તારમાં મળી હતી. ત્યારબાદ બંને જણા ભાયલી વિસ્તારમાં સનસિટી વિસ્તાર છે ત્યાં પહોંચીને બેઠા હતા. ત્યારે રાત્રે 12 વાગ્યાની આસપાસ બે બાઈક પર પાંચ લોકો આવ્યા, જેમાં એક બાઈક પર બે અને બીજી બાઈક પર ત્રણ યુવકો હતા.

આ પાંચેય યુવકોએ પહેલા અભદ્ર શબ્દોમાં વાત કરી હતી, જેનો પ્રતિકાર પીડિતા અને તેના મિત્રએ કર્યો હતો. ત્યારબાદ બે યુવક ત્યાંથી નીકળી ગયા હતા. બાકીના ત્રણમાંથી એક યુવકે પીડિતાના મિત્રને પકડી રાખ્યો હતો અને બે યુવકોએ પીડિતા પર દુષ્કર્મ આચર્યું હતું અને પછી ત્યાંથી ભાગી ગયા હતા.

ત્યાર બાદ પીડિતાએ પોતાની જાતને સંભાળીને મિત્ર સાથે પોલીસને જાણ કરતા પોલીસે ત્યાં પહોંચી ઘટનાસ્થળને કોર્ડન કરી લીધું હતું. સ્થળ પરથી ઘણા બધા પુરાવા મળ્યા હતા. ઘટનાસ્થળેથી પીડિતાએ પહેરેલા એક-બે દાગીના મળ્યા છે અને આરોપીઓના અમુક ગેઝેટ્સ મળ્યા છે. આરોપીઓને શોધવા માટે આખી ટીમ લાગેલી છે.

સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડા રોહન આનંદે જાણવ્યું હતું કે, હાલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે પરંતુ ઘટના ગંભીર હોવાથી જિલ્લા પોલીસની સાથે શહેર પોલીસ પણ તપાસમાં જોડાઈ છે. સગીરા પીડિતા પરપ્રાંતીય છે અને તે ગરબા રમવા માટે ગઈ નહોતી. ગરબા સાથે આ ઘટનાને કોઈ સંબંધ નથી. પીડિતાએ ચણિયાચોળી નહોતી પહેરી પરંતુ તે નોર્મલ ડ્રેસમાં જ હતી. સુરક્ષા વ્યવસ્તાનાં દાવા વચ્ચે આ કેસ પોલીસ માટે ખુબ ચેલેન્જિંગ છે.

રોહન આનંદે વધુમાં જણાવ્યું હતું કે પીડિતા અને તેનો મિત્ર આરોપીઓના ચહેરા ઓળખી શક્યા નથી, પણ તેમની વાતની શૈલી કેવી હતી, શરીરનો બાંધો કેવો હતો એ અમને જણાવ્યું છે. આરોપી 30 થી 35 વર્ષના હોવાનું પોલીસ અનુમાન છે. આરોપીઓ હિન્દી-ગુજરાતી બન્ને ભાષામાં વાતો કરતા હતા. આરોપીઓને ઝડપી પાડવા માટે જિલ્લા પોલીસતંત્રની એલસીબી, એસઓજી સહિતની કુલ 5 ટીમ કામે લાગી છે. ટૂંક સમયમાં આરોપીઓ ઝડપાઇ જશે, એમ જિલ્લા પોલીસવડા રોહન આનંદે ઉમેર્યું હતું.