ગરબા રમવા જવાની ના પાડતા યુવતીએ ગળે ફાંસો ખાધો, વડોદરામાં અભ્યાસ કરતી હતી, નવરાત્રી કરવા ઘરે આવી હતી

bhumika-rajkot

તાવ આવતો હોવાથી પિતાએ ગરબા રમવા જવાની ના પાડતા તેણીને મનમાં લાગી આવ્યુ હતું

ખેલૈયાઓ ગરબા રમવા માટે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે નવરાત્રી ચાલુ થઈ ગઈ છે. ખેલૈયાઓ મન ભરીને ગરબા રમી રહ્યા છે. ત્યારે રાજકોટથી એક દૂઃખદ ઘટના સામે આવી છે. જે મુજબ ગરબા રમવા જવાની પિતાએ ના પાડતા યુવતિએ ગળે ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેનું આજે સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

વડોદરામાં અભ્યાસ કરતી કોલેજીયન છાત્રા નવરાત્રી કરવા માટે પોતાનાં ઘરે આવી હતી. પરંતુ તેને તાવ આવતો હોવાથી પિતાએ ગરબા રમવા જવાની ના પાડી હતી. ગરબે રમવા જવાની ના પાડતા તેણીને મનમાં લાગી આવતા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટના કોઠારિયા રોડ વિસ્તારમાં સુભાષનગર મેઈન રોડ પર કેશવ વિદ્યાલય પાસે રહેતી ભૂમિકા અશ્વિનભાઈ વાળા નામની યુવતિએ ગત તા. 2ના રોજ બપોરે 3 વાગ્યાના અરસામાં પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતા તેણીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું સારવાર દરમિયાન આજે હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા મોત નિપજ્યું હતું. આ અંગે ભક્તિનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક ભૂમિકા વડોદરામાં પારૂલ યુનિવર્સિટીમાં BBAનો અભ્યાસ કરતી હતી. નવરાત્રી કરવા માટે તે રાજકોટ સ્થિત પોતાના ઘરે આવી હતી, પરંતુ તેણીને તાવ આવતો હોવાથી પિતા અશ્વિનભાઈએ ગરબા રમવા જવાની ના પાડી હતી અને તાવ ઉતરી જાય પછી ગરબા રમવા જવાનું કહ્યું હતું. આથી માઠુ લાગી આવતા આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે. ભૂમિકા ત્રણ બહેનમાં મોટી હતી. તેના પિતા ફેબ્રિકેશનનું કારખાનું ચલાવે છે.