ભવનાથમાં પાણી જ પાણી, ભવનાથના રસ્તા ઉપર 15થી વધારે વાહનો પાણીમાં તણાયા
ગુજરાતમાં હવે ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે મેઘરાજાએ ભાદરવામાં જતા જતા પણ ભુક્કા બોલાવ્યા છે. સતત ત્રીજા દિવસે ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અનેક જિલ્લામાં ભરપૂર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે જૂનાગઢમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જૂનાગઢ શહેરમાં આજે બપોરના 4 વાગ્યાના અરસામાં ધોધમાર વરસાદ વરસતા ચારેકોર પાણી પાણી જોવા મળ્યું હતું.
ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ વરસતા ભવનાથ અને દામોદરકુંડમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે. ભવનાથ ક્ષેત્રમાં નદીના પૂરની માફક પાણી વહેતા થયા હતા. ગિરનાર પર્વતની સીડી પરથી પણ ધોધની માફક પાણી વહેતા થયા હતા. ગિરનાર પર્વત પરનું પાણી ભવનાથ અને દામોદરકુંડમાં આવતા પાણીના ડરામણા દ્રશ્યો સર્જાયા હતા. ગિરનાર પર ધોધમાર વરસાદ થયો છે. જેમાં ભવનાથના રસ્તા ઉપર 15થી વધારે બાઇક તણાયા છે. ધોધમાર વરસાદથી જનજીવનને અસર થઇ છે.
ગિરનાર નજીકના રસ્તાઓ પર ઘૂંટણ સમા પાણી ભરાયા છે. જેમાં એક બસ પણ ફસાઈ હતી. જ્યારે દામોદર કુંડ ઓવરફ્લો થયો છે અને ઘોડાપુર જેવા દ્રશ્યો સર્જાયા છે. નદી-વોકળામાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો છે. હાલ, ધોધમાર વરસાદથી જનજીવનને અસર થઈ છે.
અમરેલીના વડીયા પંથકમાં ત્રણ ઈંચથી વધુ ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેના પગલે વડીયાના સૂરવો ડેમના ત્રણ દરવાજા એક-એક ફૂટ ખોલાયા હતા. આ અગાઉ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવાયા હતા. તો વડીયાના ઉજળા ગામમાં આવેલી કમોત્રી નદીમાં પાણીનો પ્રવાહ વધતા 6 થી 7 જેટલી ગાય તણાઈ હતી. ગાયોને બચાવવાના પ્રયાસ પણ કરાયા છે. જેનો વીડિયો સામે આવ્યો છે.
આ વરસાદ પડતા જ ભાદરવા મહિનાની આકરી ગરમીમાંથી લોકોને રાહત મળી છે. રાજ્ય પર સર્જાયેલી બે સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આજે 6 જિલ્લા અને બે સંઘપ્રદેશમાં રેડએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ત્રણ જિલ્લા અને એક સંઘપ્રદેશમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે.