સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ, આગામી 72 કલાક ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

heavy-rain

નવરાત્રી દરમિયાન રાજ્યમાં વરસાદ આવી શકે છે, 3 થી 5 ઓક્ટોબર ભારે વરસાદ વરસી શકે છે
મહારાષ્ટ્ર પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ

રાજ્યમાં ફરી એક વખત વરસાદનો રાઉન્ડ જોવા મળી રહ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો ગુરુવારને 26 સપ્ટેમ્બરના રોજ સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં 135 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે ભાવનગરના ઘોઘામાં 4.06 ઇંચ વરસાદ વરસ્યો છે.

ગઈકાલ બાદ આજે પણ વરસાદી માહોલ યથાવત્ છે. આજે ભાવનગર, અમરેલી, ગાંધીનગર સહિત અનેક વિસ્તારોમાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. આજે સવારે 6 વાગ્યા સુધી છેલ્લા 24 કલાકમાં 181 તાલુકામાં વરસાદ વરસ્યો હતો, જેમાં સૌથી વધુ ઉમરપાડામાં 7 ઈંચ વરસાદ ખાબક્યો હતો.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આગામી 72 કલાક રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં 8થી 10 ઈંચ વરસાદ આવી શકે છે.

અંબાલાલ પટેલે કહ્યું કે, દક્ષિણ, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ આવી શકે છે. નવરાત્રી દરમિયાન રાજ્યમાં વરસાદ આવી શકે છે. 3 થી 5 ઓક્ટોબર ભારે વરસાદ વરસી શકે છે.

મધ્ય મહારાષ્ટ્ર પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 42 ટકા વધુ વરસાદ નોંધાયો છે.

વલસાડમાં આજે રેડ એલર્ટ, અમરેલીમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે, દાસના જણાવ્યા અનુસાર, હાલમાં મધ્ય મહારાષ્ટ્ર પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેને કારણે આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્રમાં પણ કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે. આ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને પગલે આજે વલસાડમાં રેડ એલર્ટ તો સુરત, નવસારી, તાપી, ડાંગ જેવા જિલ્લાઓમાં યલો જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ સૌરાષ્ટ્રના અમરેલીમાં પણ ભારે વરસાદની આગાહીને પગલે જાહેર કરવામાં આવ્યું છે.