જો તમને તાવ અથવા દુખાવો થાય ત્યારે તમે તરત જ પેરાસિટામોલ લો છો, તો સાવચેત રહો. દેશના ડ્રગ રેગ્યુલેટર સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ્સ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) એ નવીનતમ માસિક દવા ચેતવણી જારી કરી છે.
સ્વાસ્થ્યને લઈને ચિંતા વધીઃ જો તમે પણ પેરાસિટામોલ કે વિટામિનની દવાનો ઉપયોગ કરો છો? તો હવે સાવચેત થઈ જજો. દેશના ડ્રગ રેગ્યુલેટર સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ્સ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) ના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, પેરાસિટામોલ સહિત 53 દવાઓ ગુણવત્તા પરીક્ષણ(ક્વોલિટી ટેસ્ટ) પાસ કરવામાં નિષ્ફળ થઇ ગઇ છે. જેમાં કેલ્શિયમ, વિટામિન D3ની ગોળીઓ, ડાયાબિટીસની દવાઓ અને હાઇ બ્લડપ્રેશરની દવાઓ સહિત 50 અન્ય દવાઓ સામેલ છે. આ રિપોર્ટથી સામાન્ય માણસના સ્વાસ્થ્યને લઈને ચિંતા વધી ગઈ છે.
આ પરીક્ષણમાં તે મોટી કંપનીઓ દ્વારા બનાવાતી અનેક દવાઓ નિષ્ફળ ગઇ છે. જેમાં હેટેરો ડ્રગ્સ, એલ્કેમ લેબોરેટરીઝ, હિન્દુસ્તાન એન્ટિબાયોટિક્સ લિમિટેડ (એચએએલ) અને કર્ણાટક એન્ટિબાયોટિક્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડનો સમાવેશ થાય છે. આ પરીક્ષણમાં પેટના ચેપમાં ઉપયોગમાં લેવાતી એચએલની દવા મેટ્રોનીડાઝોલ, એલ્કેમ હેલ્થ સાયન્સની એન્ટિબાયોટિક્સ ક્લેવમ 625 અને પાન ડી પણ ગુણવત્તાના ધોરણોને પૂર્ણ કરતા નથી. આ ઉપરાંત બાળકોને આપવામાં આવતી સેપોડેમ એક્સપી 50 ડ્રાઇ સસ્પેન્શનની ગુણવત્તા પણ નબળી હોવાનું સામે આવ્યું હતું.
CDSCOએ આ 53 દવાઓને નોટ ઓફ સ્ટાન્ડર્ડ ક્વોલિટી (NSQ) એલર્ટ જાહેર કરી છે. NSQ ચેતવણીઓ રાજ્યના દવા અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવેલા રેન્ડમ માસિક નમૂનામાંથી જનરેટ થાય છે. જે દવાઓ ગુણવત્તા પરીક્ષણમાં પાસ થઈ નથી તેમાં વિટામિન સી અને ડી3 ગોળીઓ શેલકલ (Shelcal),, વિટામિન બી કોમ્પ્લેક્સ અને વિટામિન સી સોફ્ટજેલ્સ, એન્ટિએસીડ પાન-ડી, પેરાસિટામોલ ટેબ્લેટ IP 500 મિલિગ્રામ, ડાયાબિટીસની દવા ગ્લિમેપીરાઈડ (Glimepiride)નો સમાવેશ થાય છે.
રિપોર્ટમાં કર્ણાટકના એન્ટિબાયોટિક્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સની પેરાસિટામોલ દવાની ગુણવત્તા સામે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. પ્યોર એન્ડ ક્યોર હેલ્થકેર દ્વારા બનાવવામાં આવતી શેલ્કેલ પણ આ પરીક્ષણમાં ફેલ થઇ ગઇ છે. આ ઉપરાંત હાઇ બ્લડપ્રેશરના નિદાન માટે વપરાતી ટેલ્મિસર્ટન, વિટામિન B કોમ્પલેક્ષ અને વિટામિન C સોફ્ટજેલ, પેરાસિટામોલની દવા IP 500 MG, ડાયાબિટીસની દવા ગ્લિમેપિરાઇડ પણ આ ધોરણોને અનુરૂપ નથી છે.
સીડીએસસીઓએ ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ રહેલી દવાઓની બે યાદી બહાર પાડી છે. એક યાદીમાં ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ ગયેલી દવાઓના નામ છે, જ્યારે બીજી યાદીમાં તેનું ઉત્પાદન કરતી કંપનીઓના જવાબો છે. મોટાભાગની કંપનીઓએ તેમના પ્રતિભાવમાં કહ્યું કે જે દવાઓ પરીક્ષણમાં નિષ્ફળ ગઈ છે તે નકલી છે અને અસલ કંપનીઓ દ્વારા બનાવવામાં આવતી નથી. જો કે, કંપનીઓએ કહ્યું છે કે તેઓ તેમની બનાવેલી દવાઓની પુનઃ તપાસ કરશે.
નોંધનીય છે કે, પાછલા મહિને (ઓગસ્ટ) આરોગ્ય મંત્રાલયે એક કરતાં વધુ સંયોજનો ધરાવતી 156 ફિક્સ ડોઝ દવાઓ (FDCs) પર પ્રતિબંધ મૂક્યો હતો. એફડીસી એવી દવાઓ છે, જે એક નિશ્ચિત પ્રમાણમાં બે કે તેથી વધુ દવાઓના રસાયણોના સંયોજનથી બનાવવામાં આવે છે. તે સમયે એસેક્લોફેનાક 50 એમજી, પેરાસીટામોલ 125 એમજી ટેબ્લેટ્સ, પેરાસીટામોલ અને ટ્રેમાડોલ, ટૌરીન અને કેફીન સહિતની કેટલીક દવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.