મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લાના રાજકોટ કિલ્લામાં મરાઠા રાજા છત્રપતિ શિવાજી મહારાજની 35 ફૂટ ઉંચી પ્રતિમા તૂટી પડી હતી. ત્યાર બાદ રાજકીય હંગામો થતા હવે રાજ્ય સરકારે નવી પ્રતિમા બનાવવા માટે ટેન્ડર બહાર પાડ્યું છે.
છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પડી ગયાના એક મહિનાથી પણ ઓછા સમયમાં રાજ્ય સરકારે હવે રાજકોટના કિલ્લા પર શિવાજી મહારાજની પ્રતિમાના પુનઃનિર્માણ માટે પ્રથમ નક્કર પગલું ભર્યું છે. રાજ્યના જાહેર બાંધકામ વિભાગે પ્રતિમા બનાવવા માટે ટેન્ડર બહાર પાડ્યું છે. રાજ્ય સરકારે પ્રતિમાના નિર્માણ માટે 20 કરોડ રૂપિયા ફાળવ્યા છે. જ્યારે કામ પૂર્ણ કરવા માટે 6 મહિનાની સમય મર્યાદા આપવામાં આવી છે.
PWDના કણકવલી વિભાગે મંગળવારે ટેન્ડર પ્રસિદ્ધ કર્યું હતું. PWDના એક્ઝિક્યુટિવ એન્જિનિયર અજય કુમારે કહ્યું કે, હવે અમે ખૂબ કાળજી રાખીશું. ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની તર્જ પર નવી પ્રતિમા બનાવવામાં આવશે. અગાઉની પ્રતિમા 33 ફૂટ ઊંચી હતી, જ્યારે હવે નવી પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે તે 60 ફૂટ ઊંચી હશે. જે પણ કંપની ટેન્ડર મેળવશે તેણે ઓછામાં ઓછી 100 વર્ષની ગેરંટી આપવી પડશે. એટલે કે તે કંપનીએ ખાતરી આપવી પડશે કે પ્રતિમા 100 વર્ષ સુધી બરાબર રહેશે. આ સિવાય કંપનીએ 10 વર્ષ સુધી તેનું ધ્યાન(જાળવણી) પણ રાખવું પડશે. આ શિવાય ટેંડરમાં એવી પણ શરત મૂકવામાં આવી છે કે 6 મહિનામાં પ્રતિમાનું નિર્માણ કરવામાં આવશે.
ટેન્ડરમાં જણાવ્યા મુજબ ઈચ્છુક શિલ્પકારોએ 3 ઓક્ટોબર સુધીમાં શિવાજી મહારાજની પ્રસ્તાવિત પ્રતિમાનું 3 ફૂટ ઉંચુ ફાઈબર મોડલ સબમિટ કરવાનું રહેશે. ત્યારબાદ 4 ઓક્ટોબરે શ્રેષ્ઠ મોડલની પસંદગી કરી રાજકોટ કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા બનાવવાની આગળની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
ઉલ્લેખનિય છે કે, શિવાજી મહારાજની પ્રતિમા ધરાશાયી થઈ હતી, તે પ્રતિમાનું અનાવરણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 4 ડિસેમ્બરે કર્યું હતું. 26 ઓગસ્ટે ત્યાં ભારે વરસાદ પડ્યો હતો, અને પ્રતિમાં તૂટી પડી હતી. આ પછી રાજ્ય સરકારે પ્રતિમા કેમ તૂટી પડી, તેની તપાસ કરવા માટે બે કમિટીની રચના કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે આ માટે જાહેરમાં માફી માગી હતી.
કેટલાક અહેવાલોમાં એવું કહેવામાં આવ્યું હતું કે અગાઉ અહીં માત્ર 6 ફૂટ ઊંચી પ્રતિમા બનાવવાની પરવાનગી આપવામાં આવી હતી. પરંતુ બાદમાં તેને 33 ફૂટ ઉંચો બનાવવામાં આવ્યો હતો. આ સાથે જ વિપક્ષે આ મુદ્દે સરકારને ઘેરી હતી. વિપક્ષ એકનાથ શિંદેના રાજીનામાની માંગ કરી રહ્યો હતો.
નાયબ મુખ્યમંત્રી અજિત પવારે પહેલા જ કહ્યું હતું કે છત્રપતિ શિવાજી મહારાજ આપણા ભગવાન છે અને ઈતિહાસ તેમના પર ગર્વ કરે છે. આવી સ્થિતિમાં તેમનું સ્મારક ફરીથી બનાવવામાં આવશે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.