સાઉથના મેગાસ્ટાર ચિરંજીવીનું નામ “ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ”માં સામેલ

chiranjeevi

મેગાસ્ટાર ચિરંજીવીને 45 વર્ષની કારકિર્દીમાં 156 ફિલ્મોના 537 ગીતોમાં 24 હજાર ડાન્સ મૂવ્સ કરવા બદલ મળ્યું સન્માન

સાઉથના મેગાસ્ટાર ચિરંજીવીનું નામ હવે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ થઈ ગયુ છે. તેમને 45 વર્ષની કારકિર્દીમાં 156 ફિલ્મોના 537 ગીતોમાં 24 હજાર ડાન્સ મૂવ્સ કરવા બદલ આ સન્માન મળ્યું હતું. અભિનેતા આમિર ખાને તેમને આ એવોર્ડથી સન્માનિત કર્યા હતા. એવોર્ડ આપ્યા બાદ આમિર ખાને પણ ચિરંજીવીને ગળે લગાવ્યા હતા.

હૈદરાબાદમાં ગિનીઝ વર્લ્ડ રેકોર્ડના રિપ્રેઝેન્ટેટિવ અને આમિર ખાને એક કાર્યક્રમ દરમ્યાન ચિરંજીવીને આ સર્ટિફિકેટ સોંપ્યું છે. આ સર્ટિફિકેટમાં લખ્યું છે કે, “એક્ટર/ડાંસર કોનિડેલા ચિરંજીવી ઉર્ફ મેગાસ્ટર ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી સફળ ફિલ્મ સ્ટાર છે. તેમને આ ઉપલબ્ધિ 20 સપ્ટેમ્બર 2024ના રોજ પ્રાપ્ત કરી છે.”

આ અવસર પર આમિર ખાને ચિરંજીવીના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે, ‘અહીં આવવું મારા માટે આનંદ અને સન્માનની વાત છે. ચિરંજીવીના ચાહકોને જોઈને હું ખુશ છું. મને તમારી વચ્ચે સામેલ કરવા બદલ હું આપ સૌનો આભાર માનું છું. હું તેમનો મોટો પ્રશંસક છું.

ચિરંજીવીના ડાન્સ મૂવ્સના વખાણ કરતા આમિર ખાને કહ્યું, ‘જો તમે તેમના કોઈપણ ગીતને જોશો, તો તમે જોશો કે તેમનું હૃદય ડાન્સમાં ડૂબી જાય છે. તેઓ ખૂબ જ એન્જોય કરે છે. અમે ક્યારેય તેમના પરથી નજર હટાવતા નથી કારણ કે તે ખૂબ જ સારા અભિનેતા છે.

ચિરંજીવીએ આ સન્માન માટે આભાર વ્યક્ત કરતા કહ્યું કે, “મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં જગ્યા મળશે. મારા ફિલ્મી કરિયરમાં ડાન્સ મારી લાઈફનો ભાગ બની ગયો હતો.” હિન્દુસ્તાન ટાઈમ્સે સોર્સના હવાલેથી લખ્યું છે કે ચિરંજીવીએ 45 વર્ષમાં 537 ગીતમાં 24 હજાર ડાન્સ મૂવ્સ કર્યા છે.

તેલંગાણાના મુખ્યમંત્રી કે. રેવંત રેડ્ડીએ પોતાના ઓફિશિયલ એક્સ અકાઉન્ટથી પોસ્ટ કરીને ચિરંજીવીને શુભકામના આપી છે. તેમણે લખ્યું છે કે, “તેલુગુ લોકો માટે ગર્વની વાત છે કે પ્રખ્યાત ફિલ્મ અભિનેતા શ્રી કોનિડેલા ચિરંજીવીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. આ શુભ અવસર પર મારા તેમને અભિનંદન.”

રાજામૌલીએ પોતાના ઓફિશિયલ એક્સ અકાઉન્ટથી પોસ્ટ કરીને ચિરંજીવીને શુભકામના આપી છે. તેમણે લખ્યું છે કે, હમણાં જ વાંચ્યું કે તેણે તેની કારકિર્દીમાં 24,000 ડાન્સ મૂવ્સ કર્યા 🙏🏻🙏🏻🙏🏻

46 વર્ષની અદ્ભુત સફર! ચિરંજીવી ગરુને ભારતીય સિનેમાના સૌથી પ્રસિદ્ધ સ્ટાર તરીકે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ હાંસલ કરવા બદલ અભિનંદન! 👏🏻👏🏻

આપને જણાવી દઈએ કે, 22 સપ્ટેમ્બર એ દિવસ હતો, જ્યારે 1978માં તેણે પોતાનું ડેબ્યૂ કર્યું હતું. ફિલ્મો સિવાય ચિરંજીવીએ રાજકારણમાં પણ હાથ અજમાવ્યો હતો. તેમણે 2008માં આંધ્ર પ્રદેશમાં રાજકીય પક્ષ પ્રજા રાજ્યમ પાર્ટીની શરૂઆત કરી હતી.

ચિરંજીવીએ તેલુગુ ઉપરાંત હિન્દી તેમજ તમિલ અને કન્નડમાં પણ કેટલીય હિટ ફિલ્મો કરી છે. ચિરંજીવીને આ વર્ષે મે મહિનામાં પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત 2006માં તેમને પદ્મ ભૂષણ પણ મળી ચૂક્યો છે.