લેબનોન પેજર બ્લાસ્ટ કેસમાં કેરળના ઉદ્યોગપતિનું નામ સામે આવ્યું છે પરંતુ બલ્ગેરિયાન તપાસ એજન્સીએ કેરળના ઉદ્યોગપતિ રિન્સન જોસને ક્લીનચીટ આપી દીધી છે પણ હાલ મામલો પેચીદો બન્યો છે.
લેબનોનમાં 17 સપ્ટેમ્બરે ઇઝરાયલની ખુફિયા એજન્સી મોસાદ દ્વારા પેજર સીરિયલ બ્લાસ્ટ તેમજ મોબાઈલ, લેપટોપ, વોકી-ટોકીઝ સહિતના અનેક વાયરલેસ ડિવાઈસમાં વિસ્ફોટ કર્યા હતા ત્યાર બાદ લેબનોનમાં ભારે ખૂંવારી સર્જાઈ છે. આ ઘટનામાં આશરે 20 લોકો માર્યા ગયા હતા અને હજારો હિઝબુલ્લાહના સભ્યો ઘાયલ થયા હતા. આ વિસ્ફોટ બાદ ઇઝરાયલની ખુફિયા એજન્સી પર શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. દાવો કરવામાં આવે છે કે ઇઝરાયલની ખુફિયા એજન્સી મોસાદે પેજરમાં વિસ્ફોટક સામગ્રી લગાવી હતી. દરમિયાન, આ કેસમાં કેરળના વાયનાડના રહેવાસી રિન્સન જોસનું નામ પણ સામે આવ્યું છે. રિન્સન જોસ હવે નોર્વેનો નાગરિક છે. રિન્સન જોસ બલ્ગેરિયા સ્થિત નોર્ટા ગ્લોબલ લિમિટેડના માલિક છે, જે આ પેજર્સ માટેના સોદામાં સામેલ હોવાનું કહેવાય છે.
પેજર ડીલમાં બલ્ગેરિયા સ્થિત નોર્ટા ગ્લોબલ લિમિટેડ કંપનીનું નામ
હંગેરિયન મીડિયા આઉટલેટ ‘ટેલેક્સ’ના અહેવાલ મુજબ, પેજર ડીલ પાછળ બલ્ગેરિયા સ્થિત નોર્ટા ગ્લોબલ લિમિટેડ નામની કંપનીનો હાથ છે. આ કંપનીની સ્થાપના રિન્સન જોસ દ્વારા કરવામાં આવી હતી. ત્યારપછી ભારતીય અને આંતરરાષ્ટ્રીય મીડિયાએ આ સમાચારને મુખ્ય રીતે દર્શાવ્યા હતા અને રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે આ કંપનીનું નામ ઇઝરાયલની એજન્સીઓ દ્વારા બનાવવામાં આવેલી શેલ કંપનીઓના નેટવર્કનો ભાગ હોઈ શકે છે. જોકે, રિન્સન જોસે કોઈપણ પ્રકારની ગેરરીતિને ઈન્કાર કર્યો છે.
રિન્સન જોસન સામાન્ય પરિવારમાંથી આવે છે
રિન્સન જોસ વાયનાડના એક સામાન્ય પરિવારમાંથી આવે છે. તેમના પિતા જોસ મુથેડમ વ્યવસાયે દરજી છે અને માનંતવાડીમાં દુકાન ચલાવતા હતા. સ્થાનિક લોકોમાં તે ‘ટેલર જોસ’ તરીકે ઓળખાય છે. કેરળમાં અભ્યાસ કર્યા પછી, રિન્સન નોર્વે ગયા, જ્યાં તેમણે એમબીએ કર્યું અને પછી પોતાનો બિઝનેસ શરૂ કર્યો. રિન્સનનો એક જોડિયા ભાઈ છે, જિનસન, જે યુકેમાં રહે છે અને એક બહેન છે જે આયર્લેન્ડમાં નર્સ છે.
બલ્ગેરિયન તપાસ એજન્સીએ રિન્સનને ક્લીનચીટ
બલ્ગેરિયાની નેશનલ સિક્યોરિટી એજન્સી (SANS)એ આ મામલે રિન્સન જોસ અને તેની કંપની નોર્ટા ગ્લોબલને ક્લીનચીટ આપી છે. તપાસમાં જાણવા મળ્યું કે પેજરનું એકપણ શિપમેન્ટ બલ્ગેરિયામાંથી પસાર થયું ન હતું. SANS એ સ્પષ્ટતા કરી હતી કે નોર્ટા ગ્લોબલે કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં ભાગ લીધો નથી. આ સાથે, કંપનીએ આ પેજર ડીલ સાથે કોઈપણ જોડાણનો ઇનકાર કર્યો છે.
વિસ્ફોટમાં તાઈવાનની કંપનીનું નામ
વિસ્ફોટમાં ઉપયોગમાં લેવાયેલા પેજર પર તાઈવાનની કંપની ગોલ્ડ અપોલોનું નામ લખેલું હતું. પરંતુ કંપનીના ફાઉન્ડરે કહ્યું છે કે બ્લાસ્ટમાં જે પેજર્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે અમારી કંપનીની પ્રોડક્ટ નથી, પરંતુ અમારા બ્રાન્ડ નેમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગોલ્ડ એપોલોએ આ માટે હંગેરિયન કંપની BAC કન્સલ્ટિંગને જવાબદાર ઠેરવી છે, જેણે બ્રાન્ડ નામનો ઉપયોગ કરવા માટે ગોલ્ડ એપોલો સાથે લાયસન્સ કરાર કર્યો હતો. બીએસી કન્સલ્ટિંગ આ ડીલમાં મિડલમેન કંપની હતી અને તેની પાછળ ઈઝરાયેલની શેલ કંપનીઓનું નેટવર્ક હોવાની શક્યતા છે.
રિન્સનના પરિવારે શું કહ્યું?
કેરળના સ્થાનિક મીડિયામાં રિન્સન જોસના પરિવાર અને સંબંધીઓની પ્રતિક્રિયાઓ જાહેર કરવામાં આવી છે. રિન્સનના સંબંધી અજો જ્હોને જણાવ્યું હતું કે રિન્સન બલ્ગેરિયામાં કોઈ કંપનીનો માલિક છે તેની અમને જાણ ન હતી. પરિવારના સભ્યોએ પણ આ હુમલામાં રિન્સનનું નામ સામે આવતા ચિંતા વ્યક્ત કરી છે. રિન્સનના પરિવારના સભ્યોએ કહ્યું છે કે તેઓ વિશ્વાસ કરી શકતા નથી કે રિન્સન આવા કેસમાં કેવી રીતે ફસાઈ શકે. રિન્સનના કાકા થનકાચને જણાવ્યું હતું કે રિન્સન પરિવાર સાથે છેલ્લીવાર ત્રણ દિવસ પહેલા વાત કરી હતી. ત્યારપછી રિન્સનનો સંપર્ક થઈ શક્યો નથી.
પોલીસ અને તપાસ એજન્સીઓ દ્વારા તપાસ
અહેવાલો અનુસાર કેરળ પોલીસ અને કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓએ વાયનાડમાં રિન્સનના ઘરની મુલાકાત લીધી હતી અને માહિતી એકઠી કરી હતી. તેના પરિવારની સુરક્ષા માટે પોલીસે આ વિસ્તારમાં પેટ્રોલિંગ પણ વધારી દીધું છે. હાલમાં રિન્સન જોસ અમેરિકામાં છે. રિન્સનના વ્યવસાય વિશે વધુ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. તે જ સમયે, નોર્વેની ગુપ્તચર એજન્સી પણ આ મામલે તપાસ કરી રહી છે.
હાલ મામલો પેચીદો
જો કે રિન્સન જોસ અને તેની કંપનીને આ મામલે ક્લીનચીટ મળી ગઈ છે, પરંતુ મામલો હજુ પણ ઘણો પેચીદો છે. બ્લાસ્ટમાં વપરાયેલ પેજર ક્યાં બનાવવામાં આવ્યું હતું? આમાં ઈઝરાયેલની એજન્સીઓની શું ભૂમિકા છે, વધુ તપાસ કરવાની બાકી છે. આ પહેલા પણ આવા મામલામાં શેલ કંપનીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યારે આવું થાય છે, ત્યારે વાસ્તવિક ગુનેગારોને શોધી કાઢવું મુશ્કેલ બની જાય છે.