સમસ્ત ક્ષત્રિય સમાજને એકજૂટ કરવા તેમજ સમાજમાં રહેલી બદીઓને દૂર કરવાના ઉદ્દેશ્ય સાથે આજે 20 સપ્ટેમ્બરે અમદાવાદનાં ગોતામાં રાજપૂત ભવન ખાતે આજે સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચના નેજા હેઠળ મહાસંમેલન યોજાયું હતુ. જેમાં ગુજરાતભરમાંથી ક્ષત્રિય સમાજના મોટી સંખ્યામાં લોકો ઊમટ્યા હતા. રાજ્યના 224 જેટલા નાના મોટા રજવાડાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતુ.
આ સંમેલનમાં ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ ગોહિલની સમસ્ત ક્ષત્રિય અસ્મિતા મંચના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. તેમનું ઢોલ-નગારાંના તાલ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પદ્મિનીબા વાળાએ હોબાળો કર્યો
ક્ષત્રિય સમાજના આ કાર્યક્રમમાં પદ્મિની બા વાળાને સ્ટેજ ઉપર સ્થાન નહતુ આપવામાં આવ્યુ. આ ઉપરાંત સંગઠનની રૂપરેખા આપનાર અર્જુનસિંહ ગોહિલે પણ પદ્મીની બાનું નામ નહોતુ લીધુ. જેથી પદ્મિનીબાએ સ્ટેજ ઉપર સ્થાન ન મળતા પોતાનું અપમાન થયું હોવાનો આક્ષેપ કર્યો હતો.
પદ્મિનીબાએ કહ્યું, કેમ અમારું સન્માન જાળવવામાં આવતું નથી. પદ્મિનીબા અર્જુનસિંહને સવાલ પૂછી રહ્યા છે કે, તમે કેમ મારું નામ નહોતા બોલ્યા. અગાઉ રેલી વખતે પણ તમે મારી ગાડીની ચાવી લઈ લીધી હતી. આ સમયે કેટલાક પુરુષ અને મહિલાઓ પદ્મિનીબાને અટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આમ છતાં પદ્મિનીબા કહી રહ્યા છે કે, મારે તેમને સવાલ તો પૂછવો જ પડશે.
બીજી તરફ અર્જુનસિંહ ગોહિલે જણાવ્યું કે, પદ્મિનીબા અમારા સમાજનું અદ્દભૂત અંગ છે. દરેક સમાજમાં આવા લોકો હોય જ. આથી તેની ચર્ચા કરવી વ્યાજબી નથી. સમાજ વિશે અને સમાજના ભાઈ-બહેનો વિશે વાહિયાત વાતો કરીને મોટા થવા માટેનું આ મંચ નથી.
ક્ષત્રિય સમાજ જ્યારે એકતાની વાત કરતો હોય, ત્યારે આવા જે કોઈ પરિબળો છે, જેમને હું અસામાજિક ના કહી શકું તેઓ (પદ્મિનીબા) દીકરીબા છે. હવે તેઓ સભ્યતા ચૂક્યા છે, તો હું તેઓ સમ્માનપૂર્વક કહીશ કે, પદ્મીનીબા જેમ ફાવે તેમ બોલવાથી આગળ ના વધી શકાય. આપણા સમાજ માટે કામ કરીને આગળ વધી શકાય છે. સમાજની દરેક બહેન-દીકરી આગળ વધી શકે છે.
ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ ગોહિલનું દાંતાના રાજવી તેમજ શંકરસિંહ વાઘેલાએ તલવાર આપી સન્માન કર્યું હતું. મહાકાલ સેના સહિતના યુવા આગેવાનોએ મહારાજા કૃષ્ણકુમાર સિંહજીની પ્રતિમા આપી સન્માન કર્યું હતું. દાંતા સ્ટેટના રાજવી રિદ્ધિરાજસિંહનું પણ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. પાટીદાર સમાજના રાજવી એવા પાટડીના ગોપાલસિંહ દેસાઈ અને કાઠી દરબાર સમાજના પુંજાબાપાનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. ગોંડલ, દાંતા, પાલિતાણા, ભાવનગર, ગાંગડ વગેરે સ્ટેટના રાજવીઓ અને કાઠી સમાજના રાજવીઓનું સન્માન કરાયું હતું.