હૈદરાબાદમાં ગણેશજીને ચડાવેલ એક લાડુની કિંમત 1.87 કરોડ રૂપિયા

Laddu-1.87-caror

ગયા વર્ષ કરતા આ વર્ષે હરાજીમાં વેચાયલ લાડુની કિંમત 61 લાખ રુપિયા વધારે થઈ હતી

ગણેશ ઉત્સવ 2024 મંગળવારે અનંત ચતુર્દશીના રોજ મૂર્તિઓના વિસર્જન સાથે સમાપ્ત થયો. 10-દિવસીય તહેવાર સમગ્ર દેશમાં ધામધૂમથી અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો હતો. આ વર્ષે, બંદલાગુડામાં કીર્તિ રિચમન્ડ વિલા ખાતેના ઉત્સવોએ ફરી એકવાર રાષ્ટ્રીય ધ્યાન આકર્ષિત કર્યું કારણ કે તેમના ભવ્ય લાડુની હરાજીએ નવો રેકોર્ડ બનાવ્યો હતો.

હૈદરાબાદમાં ગણેશ વિસર્જન પહેલા ગણપતિ બાપાને ચડાવેલ અતિપ્રીય મોદક પ્રસાદની હરાજી કરવામાં આવે છે. આ વર્ષે પણ હૈદરાબાદના બંદલાગુડામાં કીર્તિ રિચમંડ વિલાસ ખાતે ગણેશ ઉત્સવ દરમિયાન બાપાને ધરાવવામાં આવેલ લાડુની હરાજી કરવામાં આવતા તે લાડુ 1.87 કરોડમાં વેચાયો હતો. કરોડોમાં વેચાતા આ લાડુનું વજન 5 કિલો છે.

રેકોર્ડ-બ્રેકિંગ હરાજીમાં, હૈદરાબાદના બંદલાગુડામાં કીર્તિ રિચમંડ વિલામાં ગણેશ ઉત્સવ દરમિયાન ચડાવવામાં આવેલો લાડુ હરાજી માટે મુકવામાં આવ્યો હતો. જ્યાં સોમવારે રાતે આ લાડુ લગભગ 1.87 કરોડમાં વેચાયો હતો. જેની કિંમત ગયા વર્ષ કરતાં 61 લાખ રુપિયા વધારે હતી. ગયા વર્ષે તેની કિંમત 1.26 લાખ કરોડ હતી.

વર્ષ 2019માં અહીં લાડુની હરાજી શરૂ કરવામાં આવી હતી. ત્યારે તે 18.75 લાખમાં વેચાયો હતો. ત્યારબાદ 2020માં તે 27.3 લાખ, 2021માં તે 41 લાખ, 2022માં 60 લાખ અને 2023માં તે 1.26 કરોડમાં વેચાયો હતો.

આ વર્ષની હરાજીએ વિલાના રહેવાસીઓ અને સહભાગીઓના ઉત્સાહ અને નિષ્ઠાને દર્શાવતા અગાઉના રેકોર્ડ તોડી નાખ્યા હતા. આયોજકો દ્વારા ખરીદનારનું નામ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ તે જાણીતું છે કે હરાજીમાં યોગદાન આપ્યા પછી વિલામાં સમગ્ર સમુદાય સામૂહિક રીતે લાડુની માલિકી ધરાવે છે.

આ કમ્યુનિટીના મેનેજિંગ ટ્રસ્ટી અભય દેશપાંડેએ જણાવ્યું કે હરાજીમાં લોકોએ ઘણા ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. 400થી વધારે લોકોએ બોલી લગાવી હતી. ગણપતિ ઉત્સવ દરમિયાન દર વર્ષે આયોજિત થનારી આ અનોખી હરાજીમાં જે પૈસા આવે છે તેનાથી ગરીબો તેમજ જરુરિયાતમંદોની આર્થિક મદદ કરવામાં આવે છે. ક્રાઉડફંડિગ દ્વારા આ પ્રયાસથી 42થી વધારે એનજીઓ, શાળાના બાળકો અને ગરીબોને લાભ મળે છે.