લેબનાનમાં પેજર બાદ હવે વોકી-ટોકીમાં સીરિયલ બ્લાસ્ટ, અત્યાર સુધીમાં 3ના મોત

walkey-tockey-blast

પેજર વિસ્ફોટમાં માર્યા ગયેલા વ્યક્તિના અંતિમસંસ્કાર વખતે પણ વિસ્ફોટ

લેબનાનમાં મંગળવારે પેજર સીરિયલ બ્લાસ્ટ બાદ બુધવારે હવે વોકી-ટોકીમાં બ્લાસ્ટ થયા છે. વોકી-ટોકીઝ જેવા ડિવાઇસમાં અચાનક બ્લાસ્ટ થયા છે. જેમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. લેબનોનમાં હિઝબુલ્લાહ લડવૈયાઓ એકબીજા સાથે વાતચીત કરવા માટે આ વોકી-ટોકીનો ઉપયોગ કરે છે.

અલજઝીરા અનુસાર આ હુમલામાં અત્યાર સુધીમાં 3 લોકોના મોત થયા છે, જ્યારે સેંકડો લોકો ઘાયલ થયા છે. આમાંથી એક વિસ્ફોટ હિઝબુલ્લાહ સાંસદ અલી અમ્મરના પુત્રના અંતિમ સંસ્કાર દરમિયાન થયો હતો. 17 સપ્ટેમ્બરે પેજરમાં થયેલા બ્લાસ્ટમાં તેનું મોત થયું હતું.

રાજધાની બેરૂતના ઘણા વિસ્તારોમાં વિસ્ફોટની માહિતી સામે આવી છે. ગઈકાલે લેબનાન અને સીરિયાના કેટલાક વિસ્તારમાં તબક્કાવાર પેજર બ્લાસ્ટ થયા હતા. જેમાં 12 લોકોના મોત થયા હતા. ત્યારે હવે પેજર બ્લાસ્ટ બાદ હિઝબુલ્લાહના ગઢ બેરૂતમાં વોકી ટોકીઝ બ્લાસ્ટની ઘટના સામે આવી છે. આ અંગે સમાચાર એજન્સી એએફપીએ માહિતી આપી છે.

મધ્ય પૂર્વમાં તણાવ વચ્ચે લેબનોનમાં આ બીજો મોટો ટેક્નોલોજીકલ હુમલો છે. આ પહેલા બ્રિટિશ ન્યૂઝ એજન્સી રોઈટર્સે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો હતો કે, ઈઝરાયલની ગુપ્તચર સંસ્થા મોસાદે હિઝબુલ્લાહના 5000 પેજરમાં વિસ્ફોટકો લગાવ્યા હતા.

હિઝબુલ્લાહે પેજર્સની જેમ આ ડિવાઈઝ પણ લગભગ પાંચ મહિના પહેલા ખરીદ્યા હતા. હિઝબુલ્લાહના ટોપના અધિકારી હાશેમ સફીદ્દીને વિસ્ફોટો અંગે કહ્યું કે સંગઠન ખરાબ સમયનો સામનો કરી રહ્યું છે, પરંતુ તેનો બદલો લેવામાં આવશે.

હિઝબુલ્લાહની ધમકીને જોતા ઈઝરાયેલ એલર્ટ થઈ ગયું છે. ઈઝરાયેલે લેબનોનની સરહદ પર 20 હજાર સૈનિકો તૈનાત કર્યા છે, ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહૂ અને રાષ્ટ્રપતિ આઈઝેક હરઝોગ બુધવારે સવારે સુરક્ષા બ્રીફિંગ માટે મળ્યા હતા. આ સિવાય ઈઝરાયેલના આર્મી ચીફ ઓફ સ્ટાફ જનરલ હરઝી હલેવીએ પણ વરિષ્ઠ સૈન્ય કમાન્ડરો સાથે બેઠક યોજી હતી. તેમને નાગરિકોને સતર્ક રહેવા જણાવાયું છે.