“વન નેશન વન ઇલેક્શન”પ્રસ્તાવ મોદી કેબિનેટમાં પાસ

one-nation-one-election

પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કમિટીએ 6 મહિના પહેલાં પોતાનો રિપોર્ટ રાષ્ટ્રપતિ મુર્મુને સોંપ્યો હતો

છેલ્લા ઘણા સમયથી મોદી સરકાર સમગ્ર દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે કરાવવા માટે પ્રયાસ કરી રહી છે. ત્યારે હવે વિધાનસભા અને લોકસભાની ચૂંટણી એકસાથે કરાવવાનો માર્ગ સરળ બની ગયો છે. આજે PMની આગેવાની હેઠળની કેબિનેટે “વન નેશન એક ઈલેક્શન”ના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.

પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતાવાળી સમિતિના રિપોર્ટ બાદ કેબિનેટમાં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. બુધવારે મળેલી બેઠકમાં મોદી કેબિનેટે દેશમાં એકસાથે ચૂંટણી કરાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે.

વન નેશન એક ઈલેક્શન માટે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિએ આ વર્ષે 14 માર્ચે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. વન નેશન વન ઇલેક્શનનો આ રિપોર્ટ 18 હજાર 626 પાનાનો છે. સમિતિએ વધુમાં એવુ પણ જણાવ્યું હતું લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ બાદ 100 દિવસમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી યોજાવી જોઈએ.

32 રાજકીય પક્ષોનું સમર્થન
પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિએ આ નિર્ણયના સમર્થન માટે 62 રાજકીય પક્ષોનો સંપર્ક કર્યો હતો. પ્રતિક્રિયા આપનાર 47 રાજકીય પક્ષોમાંથી 32 પક્ષોએ સમર્થન આપ્યું હતું જ્યારે એવા 15 પક્ષો હતા કે જેઓ વન નેશન વન ઇલેક્શનના વિરુદ્ધમાં હતા. જો કે આવા પક્ષોએ કંઇ જવાબ આપ્યો ન હતો. .

JDUઅને LJP (R) એક દેશ, એક ચૂંટણી માટે સહમતી દર્શાવી હતી. પરંતુ ટીડીપીએ આ અંગે કોઈ જવાબ આપ્યો ન હતો. જેડીયુ અને એલજેપી (આર) કહ્યું હતું કે આમ કરવાથી સમય અને પૈસાની બચત થશે.

કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, આમ આદમી પાર્ટી, સીપીએમ અને બસપા સહિત 15 પાર્ટીઓએ તેનો વિરોધ કર્યો હતો. જ્યારે ઝારખંડ મુક્તિ મોરચા, ટીડીપી, ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ સહિત 15 પક્ષોએ કોઈ જવાબ આપ્યો નથી.

અત્યારે વન નેશન-વન ઈલેક્શનની શક્યતા આ પ્રમાણે છે વન નેશન, વન ઇલેક્શન લાગુ કરવા માટે અનેક રાજ્યોની વિધાનસભાઓનો કાર્યકાળ ઘટાડવામાં આવશે. જે રાજ્યોમાં 2023ના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યાં તેમનો કાર્યકાળ લંબાવી શકાય છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો તમામ પક્ષો લો કમિશનના પ્રસ્તાવ પર સહમત થશે તો તેને 2029થી જ લાગુ કરવામાં આવશે. આ ઉપરાંત આ માટે ડિસેમ્બર 2026 સુધીમાં 25 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજવી પડશે.

ઉલ્લેખનીય છે કે લોકસભા અને વિધાનસભા બંને ચૂંટણીઓ એક સાથે થઇ હોય તેવા સમયગાળા વિશે વાત કરીએ તો 1952, 1957, 1962 અને 1967માં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજાઈ હતી, પણ 1968 અને 1969 માં ઘણી વિધાનસભાઓ સમય પહેલા વિસર્જિત કરી દેવાઇ હતી. જો કે 1970માં લોકસભા પણ ભંગ કરી દેવામાં આવી હતી. જેથી એક દેશ, એક ચૂંટણીની પરંપરા તૂટી ગઈ હતી.