થોડા દિવસ પહેલા જ ગણેશ પંડાલ પર પથ્થર મારવાની ઘટનાને લઈ બંને સમાજના જૂથો વચ્ચે ધીંગાણું થયું હતું, જેને લઈને તંગદીલી જોવા મળી રહી હતી. સુરત પોલીસની મધ્યસ્થીને લઈને બંને સમાજના અગ્રણીઓ વચ્ચે શાંતિ મંત્રણા કરવામાં આવી હતી અને ઈદના તહેવારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને તકેદારી રાખવામાં આવી હતી.
આજે સુરત શહેરમાં કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે. આજે ઈદના તહેવારને લઈને મુસ્લિમ સમાજ દ્વારા સૈયદપુરા વિસ્તારમાં જુલુસ કાઢવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં મુસ્લીમ સમાજના ભાઈઓ જોડાયા હતા. હિન્દુ સમાજના હિન્દુ મહંતો અને અગ્રણીઓએ સહકાર આપ્યો હતો. જેથી શાંતિપૂર્ણ રીતે સૈયદપુરા વિસ્તારમાંથી જુલુસ નીકળ્યું હતું. સુરત શહેરના મેયર દક્ષેશ માવાણી પણ હાજર રહ્યા હતા. પોલીસ દ્વારા તમામ લોકોને શાંતિની અપીલ કરવામાં આવી હતી. જુલુસમાં બંને સમાજની એકતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું.