PM નરેન્દ્ર મોદી મેટ્રોના ફેઝ-2નું કર્યુ લોકાર્પણ, સેક્ટર-1 થી ગિફ્ટ સિટી સુધી મુસાફરી કરી, રાજ્યપાલ અને મુખ્યમંત્રી પણ મુસાફરીમાં સાથે જોડાયા

Modi-metro

PM મોદીએ ગાંધીનગરને આપી મેટ્રોની ભેટ, ગુજરાતના હજારો નોકરિયાત અને વિદ્યાર્થીઓનો સમય બચશે

વડાપ્રધાન પદની હેટ્રિક લગાવ્યા બાદ 15 સપ્ટેમ્બરે નરેન્દ્ર મોદી પહેલીવાર ગુજરાત પ્રવાસે આવ્યા છે. આજે 16 સપ્ટેમ્બરે PM મોદીનો ગુજરાતમાં બીજો દિવસ છે. આજે અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડ ખાતે બપોર બાદ ભવ્ય સન્માન સમારોહ યોજાશે. જેમાં વડાપ્રધાન 8000 કરોડથી વધુનાં વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે. પરંતુ તે પહેલા આજે પીએમ મોદીએ 9.30 વાગ્યે ગાંધીનગરના વાવોલની શાલીન-2 સોસાયટીમાં રહેતા પીએમ સૂર્ય ઘર યોજનાના લાભાર્થીઓ સાથે વાત કરી હતી. ત્યાર બાદ તેમણે 10.20 વાગ્યે મહાત્મા મંદિર ખાતે રિન્યૂએબલ એનર્જી સમિટનું ઉદ્ધાટન કર્યું હતું.

PM મોદીએ બપોર બાદ 2 વાગ્યે ગાંધીનગરના સેક્ટર 1 સ્ટેશનથી ગાંધીનગરથી અમદાવાદ સુધીની મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપી હતી. PM મોદીએ જાતે ઈ પેમેન્ટથી ટિકિટ ખરીદી અને મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી અને કામગીરીની સમીક્ષા કરી છે. PM મોદીએ સેક્ટર-1 સ્ટેશનથી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં બેસી મુસાફરી કરી હતી.

મેટ્રો ટ્રેનના ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ વડાપ્રધાન મોદી સાથે હાજર રહ્યા હતા અને કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે વડાપ્રધાન મોદીએ મેટ્રો ટ્રેનને લીલીઝંડી બતાવી હતી. ત્યારબાદ વડાપ્રધાન મોદીએ મુખ્યપ્રધાન અને રાજ્યપાલ સાથે મેટ્રો ટ્રેનમાં સવારી કરી હતી અને આ દરમિયાન બાળકો સાથે ચર્ચા પણ કરી હતી.